પેરિસઃ ઘાતક તાવ ડેંગ્યુને કાબુમાં લેવા માટેની રસી વિક્સાવવામાં સંશોધકોને સફળતા મળી છે. ફ્રાન્સની દવા ઉત્પાદક કંપની સનોફીએ ૨૦ વર્ષના રિસર્ચ અને ૧.૬ બિલિયન ડોલરનો ખર્ચ કર્યા પછી આ સફળતા મળી હોવાની જાહેરાત કરી છે. આ દવાનો પ્રથમ ઉપયોગ મેક્સિકોના ડેંગ્યુ દર્દી પર થશે.
દર વર્ષે અંદાજે ૪ કરોડ લોકો ડેંગ્યુનો ભોગ બને છે. તેની સામે હવે આ રસી અક્સીર સાબિત થઈ શકશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે ડેંગ્યુ મચ્છરો દ્વારા ફેલાતા વિવિધ રોગોમાં સૌથી ઝડપી ફેલાતો રોગ છે. આથી તેને અટકાવતી રસીની તાતી જરૂરિયાત હતી કેમ કે ડેંગ્યુના ૪ કરોડ દર્દીમાંથી વર્ષે ૨૨ હજાર લોકો મૃત્યુ પામે છે. છેલ્લી અડધી સદીમાં ડેંગ્યુ જગતના ૧૦૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. એ પૈકીના ૨૦ દેશોમાં વહેલી તકે રસીકરણ શરૂ થશે. વિવિધ દેશોમાં રસી પહોંચાડવા માટે કંપનીએ લાખો ડોઝ તૈયાર કરી રાખ્યા છે. રસી કામ કરે છે કે કેમ એ તપાસવા માટે કંપનીએ ૧૫ દેશોના ૪૦ હજારથી વધુ લોકો પર તેનું પરીક્ષણ કર્યું હતું.
