ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ દેશમાં પંજો પસારવા કરવા મથી રહેલા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંપર્ક ધરાવતા પાંચ આતંકવાદીઓને ઝબ્બે કરીને ખૂબ જ મહત્ત્વની સફળતા હાંસલ કરી છે તેમાં બેમત નથી, પરંતુ આ આતંકીઓની તપાસ દરમિયાન બહાર આવી રહેલી માહિતી ખતરાની ઘંટડી વગાડી રહી છે. એનઆઇએની ટીમે આ આતંકવાદીઓ ઉપરાંત બીજા નવ શંકાસ્પદોને અટકાયતમાં લીધા છે. ત્રણ રાજ્યો - ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલા અને પ્રજાસત્તાક પર્વને રક્તરંજિત કરવાનો બદઇરાદો ધરાવતા આ આતંકીઓ ‘જુનૂદ અલ ખલીફા-એ-હિન્દ’ નામના આઈએસ સમર્થિત નવા સંગઠનના સભ્યો છે. આતંકવાદીઓ તેમનો મનસૂબો પાર પાડવાની દિશામાં કેટલા આગળ વધી ગયા હતા એ વાતનો અંદાજ તેના પરથી મળે છે કે તેમણે છેલ્લા આઠ મહિનામાં દેશનાં અનેક મહત્ત્વનાં સ્થળોની રેકી કરી હતી અને હુમલા માટે આઈઈડી બોમ્બ બનાવવાની જરૂરી સામગ્રી પણ હાથવગી કરી લીધી હતી. તેમની પાસેથી લેપટોપ, વિસ્ફોટક સામગ્રી, ડિટોનેટર વાયર, બેટરી અને હાઈડ્રોજન પેરોકસાઈડથી માંડીને જેહાદી સાહિત્ય મળ્યું છે.
આતંકવાદીઓના બદઇરાદાની ગંધ આવી જતાં એનઆઇએની ટીમે પાંચ રાજ્યમાં છાપા માર્યા અને તેમને ઝડપી લીધા, પરંતુ આમાં ચૂક થઇ હોત તો? કલ્પના કરતાં પણ કંપારી છૂટી જાય છે. સરકારથી માંડીને સુરક્ષા એજન્સીઓ અત્યાર સુધી એવા જ ભ્રમમાં રાચતી રહી છે કે આઇએસના બદઇરાદા ભારતમાં ક્યારેય સાકાર થવાના નથી. ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સુદ્ધાં જાહેરમાં આવો દાવો કરી ચૂક્યા છે. પરંતુ આ વખતે દેશના જુદા જુદા ભાગોમાંથી જે ધરપકડો થઈ છે તે આંતરિક સુરક્ષા પર તોળાઇ રહેલા નવા ખતરાનો સંકેત આપે છે. આ દરમિયાન એક અહેવાલ એવો પણ આવ્યો છે કે આઇએસે ભારતમાં ત્રાસવાદ ફેલાવવા માટે પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે હાથ મિલાવ્યા છે. ભારતમાં આતંકી ષડયંત્રો પાર પાડવામાં આઇએસઆઇ એક કરતાં વધુ વખત સફળ રહ્યું હોવાની વાત જગજાહેર છે ત્યારે આ જોડાણ ભારત માટે ખતરનાક સાબિત થઇ શકે તેમ છે.
આઈએસ સાથે નાતો ધરાવતા આતંકવાદીઓની ભારતમાં હાજરી દર્શાવે છે કે ઇરાક અને સીરિયા સહિત પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં આતંક ફેલાવી રહેલા આ આતંકવાદી સંગઠનનો ડોળો હવે ભારત પર છે. અત્યાર સુધી એક યા બીજા સમયે એવા અહેવાલો મળતા રહ્યા છે કે ભારતમાંથી કેટલાક યુવાનો આઇએસમાં સામેલ થવા માટે ઇરાક-સીરિયા જવાના પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આઇએસ ભારતમાં જ આતંક ફેલાવવાનું કાવતરાં ઘડી રહ્યું છે. આનો સીધો-સાદો મતલબ એવો થયો કે ભારતમાં રહીને જ આઈએસ સાથે જોડાઇ ચૂકેલા પરિબળોએ પોતાની સક્રિયતા વધારી છે અને તેઓ અન્ય યુવાનોને ગેરમાર્ગે દોરવામાં સફળ નીવડયા છે. ભારતમાંથી ૨૭ યુવાનો આઇએસ સાથે જોડાયા હોવાનો પ્રાથમિક અંદાજ છે. એનઆઇએ આ લોકોનું પગેરું પકડવા પ્રયત્નશીલ છે, અને વહેલાં-મોડાં તેમને ઝબ્બે પણ કરી લેશે. પરંતુ ખરેખર તો આ યુવાનો ગેરમાર્ગે જ ન દોરવાય તેવા પગલાં લેવાની જરૂર છે. અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે યુવા પેઢીને ઇસ્લામ ધર્મના સિદ્ધાંતોની સાચી સમજ મળશે. યુવા પેઢીને એ સમજાવવાની જરૂર છે કે આતંકી સંગઠનોને ઇસ્લામના આદર્શો સાથે કંઇ નિસ્બત નથી. વાસ્તવમાં તો તેઓ નિર્દોષોનું રક્ત વહાવીને ઇસ્લામને કલંકિત કરી રહ્યા છે. આવું બનશે ત્યારે જ આતંકનો સામનો શક્ય બનશે.
