સિડનીઃ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે ભારત સામેની ત્રીજી ટી૨૦ મેચ એલિસ પેરીના ઓલરાઉન્ડ પ્રદર્શનના સહારે ૧૫ રને જીતી લીધી હતી, પરંતુ ત્રણ મેચની સિરીઝમાં ભારતીય ટીમે ૨-૦ની લીડ મેળવી હોવાથી ભારતે આ સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી હતી.
રવિવારે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં એલિસ પેરીના અણનમ ૫૫ રન અને બેથ મૂનીના ૩૪ રનની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ૧૩૬ રન બનાવ્યા હતા. ૧૩૬ રનના લક્ષ્યાંક સામે ભારતીય મહિલા ટીમ ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૧૨૧ રન કર્યા હતા.
ભારત તરફથી વેલાસ્વામિ વનિથાએ સૌથી વધુ ૨૮ રન જ્યારે હરમનપ્રીત કૌરે ૨૪ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસ પેરીએ ચાર જ્યારે રેને ફારેલે બે વિકેટ ઝડપી હતી.
ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર એલિસ પેરી મેન ઓફ ધ મેચ જ્યારે ભારતની ઝુલન ગોસ્વામી મેન ઓફ ધ સિરીઝ બની હતી.

