શ્રીલંકા સામે કોહલીને આરામ, પવન નેગીને સ્થાન

Wednesday 03rd February 2016 05:45 EST
 
 

નવી દિલ્હીઃ શ્રીલંકા સામે નવ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની ટી૨૦ શ્રેણી માટેની ભારતીય ટીમમાં વાઈસ કેપ્ટન વિરાટ કોહલીને આરામ અપાયો છે જ્યારે ઓલરાઉન્ડર પવન નેગીનો ટીમમાં સમાવેશ કરાયો છે.
આ શ્રેણીની પ્રથમ મેચ નવમી ફેબ્રુઆરીએ પૂણેમાં રમાશે. જ્યારે બીજી મેચ ૧૨ ફેબ્રુઆરીએ રાંચીમાં અને ત્રીજી મેચ ૧૪ ફેબ્રુઆરીના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે.
કોહલી તાજેતરમાં જ પૂરી થયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં હતો અને તેણે ૧૯૯ની સરેરાશથી ત્રણ અડધી સદી સાથે ૧૯૯ રન ફટકાર્યા હતા. કોહલી ઓક્ટોબરથી લઈને જાન્યુઆરીના અંત સુધીમાં ૧૦ વન-ડે અને ૫ ટી૨૦ રમ્યો છે.
એમ. એસ. ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમનારા ઓલરાઉન્ડર પવન નેગીનો રવીન્દ્ર જાડેજાને કવર કરવા માટે સમાવેશ કરાયો છે. નેગીએ મુસ્તાક અલી અને દેવધર ટ્રોફીમાં સારો દેખાવ કર્યો હતો. પસંદગીકારોએ મનીષ પાંડેનો ટીમમાં સમાવેશ કર્યો છે જ્યારે રિષિ ધવન, ગુરકિરત માન અને ઉમેશ યાદવને પડતા મૂક્યા છે. ભૂવનેશ્વરને પણ ટીમમાં પાછો બોલાવાયો છે.
ટીમ ઇંડિયાઃ ધોની (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અજિંક્ય રહાણે, મનીષ પાંડે, સુરેશ રૈના, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, જસપ્રિત બુમરાહ, આશીષ નેહરા, હરભજન સિંહ, ભૂવનેશ્વર કુમાર, પવન નેગી


comments powered by Disqus