મુંબઇઃ આઇપીએલ-સિઝન - ૯ ધીમે ધીમે રંગ જમાવી રહી છે. ઝમકદાર રમત અને આંચકાજનક પરિણામ મેચને રસપ્રદ બનાવી રહ્યા છે. ધોનીના નેતૃત્વ હેઠળની રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ અપેક્ષાથી વિપરિત એકદમ નબળો દેખાવ કરી રહી છે તો આ સિઝનમાં જ મેદાનમાં એન્ટ્રી લેનાર ગુજરાત લાયન્સની ટીમ આઠ મેચમાંથી છમાં વિજય સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. સુરેશ રૈનાના નેતૃત્વમાં ટીમે ક્રિકેટ વિશ્લેષકોથી માંડીને ચાહકોને પ્રભાવિત કર્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબમાંથી રમતા અક્ષર પટેલે સિઝનની પહેલી હેટ્રિક નોંધાવી છે.
કોલકતામાં પઠાણપાવર
યુસુફ પઠાણના આક્રમક અણનમ ૬૦ રનથી કોલકતા નાઇટ રાઇડર્સે સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. બેંગલોરના સાત વિકેટે ૧૮૫ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર કોલકતાએ પાંચ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે ૧૮૯ રન કરી વિજય હાંસલ કર્યો હતો. યુસુફે ૨૯ બોલમાં બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર ફટકારી હતી. કેપ્ટન ગંભીરે ૩૭ અને મેન ઓફ મેચ રસેલે ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. યુસુફે ૧૭મી ઓવરમાં ૨૪ રન ફટકારીને કોલકતા માટે મેચ આસાન બનાવ્યો હતો. બેંગલોરે એકસ્ટ્રા સ્વરૂપે ૧૯ રન આપ્યા હતા.
અક્ષરની હેટ્રિક, પંજાબની જીત
મેન ઓફ મેચ અક્ષર પટેલની હેટ્રિકથી કિંગ્સ ઇલેવન પંજાબે રવિવારે રાજકોટમાં રમાયેલી મેચમાં ગુજરાત લાયન્સને ૨૩ રને હરાવ્યું હતું. કેપ્ટન તરીકેની પહેલી મેચમાં મુરલી વિજયના ૫૫ રનની મદદથી પંજાબે ૧૯.૫ ઓવરમાં ૧૫૪ રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર લાયન્સની ટીમ નવ વિકેટે ૧૩૧ રન કરી શકી હતી. અક્ષરે વર્તમાન સિઝનની પ્રથમ હેટ્રિક નોંધાવી છે જ્યારે આઇપીએલ ઇતિહાસની આ ૧૪મી હેટ્રિક છે.
રનચેઝ માટે મેદાને પડેલી લાયન્સ ટીમની શરૂઆત સારી નહોતી. બીજી જ ઓવરમાં બ્રેન્ડન્ મેક્કુલમ્ (૧) આઉટ થયો હતો. ત્યારબાદ મોહિત શર્માએ કેપ્ટન રૈનાને (૧૮) બોલ્ડ કરીને લાયન્સ ટીમને બીજો ફટકો માર્યો હતો. ઇનિંગ્સના અંતમાં કિશન (૨૭) તથા જેમ્સ ફોકનરે (૩૨) સંઘર્ષ કર્યો હતો.
પૂણેનો આઠ વિકેટે પરાજય
કેપ્ટન રોહિત શર્માના અણનમ ૮૫ રનની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે લીગ મેચમાં રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સને આઠ વિકેટે હરાવી હતી. મુંબઇનો નવ મેચમાં આ પાંચમો વિજય હતો. જ્યારે પૂણેનો આઠ મેચમાં પાંચમો પરાજય હતો. પૂણેના પાંચ વિકેટે ૧૫૯ રનના જવાબમાં ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઇએ ૧૮.૩ ઓવરમાં બે વિકેટે ૧૬૧ રન કરી વિજય મેળવ્યો હતો. મેન ઓફ મેચ રોહિતે ૬૦ બોલમાં આઠ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર ફટકારી હતી. પાર્થિવે ૨૧, રાયડુએ ૨૨ ને બટલરે અણનમ ૨૭ રન કર્યા હતા. પૂણેની ઇનિંગ્સમાં તિવારીએ ૫૭ તથા સ્મિથે ૪૫ રન ફટકાર્યા હતા. મુંબઇ માટે જસપ્રિત બુમરાહે ૨૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
કોલકતાને હરાવતું દિલ્હી
મેન ઓફ ધ મેચ બ્રાથવેઇટના ૧૧ બોલમાં ૩૪ રન અને ૪૭ રનમાં ત્રણ વિકેટ ઉપરાંત કરુણ નાયર (૬૮) તથા બિલિંગ્સ (૫૪)ની શાનદાર અડધી સદીઓ તેમજ કેપ્ટન ઝહિર ખાનની ત્રણ વિકેટોની મદદથી દિલ્હી ડેરડેવિલ્સે કોલકતા નાઈટ રાઇડર્સને ૨૭ રને પરાજય આપ્યો હતો. ૩૦ એપ્રિલે દિલ્હીમાં રમાયેલી મેચમાં કોલકતા નાઇટરાઇડર્સે ટોસ જીતી દિલ્હીને દાવ આપ્યો હતો. નાયર અને બિલિંગ્સે લડત આપતાં આઠ વિકેટે ૧૮૬ રન કર્યા હતા. જેની સામે કોલકતાના બેટ્સમેનો મેદાન પર ટકી શક્યા નહોતા. માત્ર રોબિન ઉથપ્પાએ લડાયક ૭૨ રન બનાવ્યા હતા.
લાયન્સની જીતની સિક્સર
ગુજરાત લાયન્સે ૨૯ એપ્રિલે પૂણે સુપર જાયન્ટ્સને હરાવી વિજયની સિક્સર ફટકારી હતી. સ્મિથ અને મેક્કુલમની આક્રમક ઇનિંગ બાદ કાર્તિક અને રૈનાની ઇનિંગની મદદથી ગુજરાત લાયન્સે પૂણે સુપર જાયન્ટ્સ સામે છેલ્લા બોલે ત્રણ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ૧૯૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત લાયન્સે નવમી ઓવરમાં જ ૧૦૦ રન કર્યા હતા. ગુજરાત લાયન્સે ટોસ જીતીને પૂણેને પ્રથમ દાવ આપ્યો હતો. સ્મિથની આક્રમક સદી અને રહાણેની અર્ધી સદીની મદદથી પૂણેએ ત્રણ વિકેટના ભોગે ૧૯૫ રન બનાવ્યા હતા.

