નવી દિલ્હીઃ વેસ્ટ ઇંડિઝના યુવા ક્રિકેટરે ટ્વેન્ટી૨૦ મેચમાં માત્ર ૨૧ બોલમાં સદી ફટકારીને નવો વિક્રમ સ્થાપ્યો છે. ૨૩ વર્ષીય આ યુવા ક્રિકેટરનું નામ છે ઇરાક થોમસ. તેણે આ રેકોર્ડ ટોબેગો ક્રિકેટ એસોસિયેશન દ્વારા યોજાયેલી ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બનાવ્યો છે. થોમસે પોતાની ઇનિંગમાં ૩૧ બોલમાં અણનમ ૧૩૧ રન બનાવ્યા હતા. જેમાં ૧૫ છગ્ગા અને પાંચ ચોગ્ગા હતા.
થોમસની આક્રમક બેટિંગના કારણે તેની ટીમ સ્કાઈબોરોએ સ્પેસાઇડ્સ ટીમ દ્વારા અપાયેલા ૧૫૨ રનના ટાર્ગેટને માત્ર આઠ ઓવરમાં હાંસલ કર્યો હતો. ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલના નામે હતો. તેણે આઈપીએલમાં વર્ષ ૨૦૧૩માં પૂણે વોરિયર્સ સામે રમતાં માત્ર ૩૦ બોલમાં સદી ફટકારી હતી. જ્યારે વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે, જેણે ગત વર્ષે વેસ્ટ ઇન્ડિઝ સામે માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી હતી.
ઇરાક થોમસે પોતાની ધમાકેદાર ઇનિંગ બાદ કહ્યું કે, ‘હું મારી કારકિર્દીની પ્રથમ સદી ફટકારી ઘણો ખુશ છું. હું ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો છું પરંતુ ક્રિકેટના આ નાના ફોર્મેટમાં સદી ફટકારી મને ખુશી મળી છે.’

