કાઠમંડુઃ નેપાળમાં રાષ્ટ્રપતિ અને સ્પીકરપદે મહિલાઓ ચૂંટાયા બાદ હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂક થઈ છે. સુશીલા કાર્કી નેપાળમાં મુખ્ય ન્યાયાધીશ બન્યાં છે. વર્ષ ૧૯૫૨માં જન્મેલાં સુશીલા કાર્કીએ આર્ટ્સમાં માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને નેપાળ બાર એસોસિએશનમાં જોડાઈને વકીલાતની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૯માં નેપાળ સુપ્રીમ કોર્ટના તેઓ એડહોક જસ્ટીસ હતાં અને વર્ષ ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટના પરમેનેન્ટ જસ્ટીસ તરીકે આવ્યાં હતાં. તેઓ ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ વિમેન જજીસનાં પણ સભ્ય છે.

