‘ભૈયા, જબ ઈતની તકલીફ હોતી હૈ, તો ફિર હમારે ઘર કે સામને ક્યું રહેતે હો?’ સંગીતાએ સામે રહેતા પાડોશીને કહ્યું અને સાંભળનારના ઘરમાં શાંતિ છવાઈ ગઈ. એમના જ ઘરમાં આવીને કોઈ એમને આવું કહે એવી તો કલ્પના જ ક્યાંથી હોય?
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક એક મોટર કંપનીમાં અધિકારી તરીકે કાર્યરત દક્ષિણ ભારતીય ડી. સેન્થીલની પત્ની હતી સંગીતા. પ્રાથમિક શાળામાં ભણતા દીકરા-દીકરી સાથેનો પરિવાર અમદાવાદ-સાણંદ વચ્ચે ઘુમા ગામમાં નવી જ બનેલી ટાઉનશીપમાં ભાડે રહેવા આવ્યા હતા.
વહેલી સવારથી મોડી રાત સુધી સહુ નોકરી-ધંધા અને ઘરકામમાં વ્યસ્ત રહેતા હતા. ટાઉનશીપના સ્પોર્ટ્સ એરિયામાં બેડમિંગ્ટન રમતા યુવાનો સાથે જોડાઈને સેન્થીલે મિત્રવર્તુળ બનાવી લીધું હતું તો પત્ની સંગીતાને લોકપ્રિયતા મળી હતી દક્ષિણ ભારતીય સ્ત્રીઓને હાથવગી એવી રંગોળીકળાના કારણે. દિવાળીના દિવસોમાં પોતાના બ્લોકમાં ભોંયતળિયે સંગીતાએ દોરેલી રંગોળી જોઈને સહુ રાજી રાજી થયા હતા અને ત્યારથી એને આસપાસના પરિવારના સભ્યો સાથે ઘરોબો અને રસોઈની લેતી-દેતીનો વાટકી વ્યવહાર શરૂ થઈ ગયો હતો.
ગુજરાતી ભાષાની જાણકારી નહિવત્ ને અંગ્રેજી સામેવાળી મહિલાઓને ઓછું ફાવે એટલે સ્વપ્રયત્ને સંગીતાએ હિન્દી-અંગ્રેજી મિશ્રિત ભાષા કેળવી લીધી હતી અને એમ રોજ-બરોજના જીવનમાં એ બધા સાથે હળીમળી શકતી હતી. સામેના ઘરે રહેતા ઋત્વિકના પરિવાર સાથે પણ એને પારિવારિક ઘરોબો થઈ ગયો હતો. ઋત્વિક તો એની સરાહના કરતા ઘણી વાર કહેતો પણ ખરો કે, ‘ભાભીજી આપ આદર્શ વ્યક્તિત્વ હૈ!’ અને આજે એમણે જ ઋત્વિકને લેખના આરંભે લખેલું વાક્ય કહ્યું હતું.
વાત એમ બની હતી કે, ઋત્વિકના ઘરમાં ઘરકામ માટે ઉપયોગી એલ્યુમિનિયમની સીડી ન હતી. બે-ચાર વાર જરૂર પડી તો એની પત્ની સામે સંગીતાભાભીના ઘરે જઈને લઈ આવતી હતી, કામ પૂરું થયે પાછી આપી આવતી હતી. ઘરમાં ચર્ચા થઈ કે વારવારે એમને તકલીફ આપીએ એ સારું નહીં.
રૂ. ૨૨૦૦નો ખર્ચ કરીને નવી સીડી લઈ આવ્યા.
સંગીતા કોઈ કામે ઋત્વિકના ઘરે આવી, પૂછ્યુંઃ ‘સીડી નવી લાવ્યા?’ ઋત્વિકે કહ્યું, ‘હા, વારે વારે તમને ક્યાં તકલીફ આપવી?’ સંગીતાએ કહ્યું, ‘એમાં તકલીફ શાની? આ તો પડોશી ધર્મ છે, સામે રહે એ જ માંગેને? જ્યાં પારિવારિક સંબંધો હોય ત્યાં સંકોચ કે હેરાનગતિ ક્યાં આવે છે?’ ઋત્વિકે કહ્યું, ‘હવે ફરી આવી ભૂલ નહિ કરીએ’ ત્યારે જ સંગીતાને હાશ થઈ.
પોતપોતાના ગામ-નગર છોડી લોકો બીજા રાજ્યોમાં કે મહાનગરોમાં રહેતા થયા પછી ‘પહેલો સગો પાડોશી’ કહેવત વધુ યથાર્થ થઈ છે. સારા-માઠા અવસરે સૌથી પહેલા પહોંચનાર પાડોશી જ હોય છે, કારણ કે પારિવારિક સગા વતનમાં અથવા તો અન્ય શહેરોમાં રહેતા હોય છે. ઘરના વડીલોની સંભાળ લેવી, બાળકોને શાળાએ લેવા-મૂકવા જવા, તાત્કાલિક કોઈ વસ્તુની જરૂરિયાત પૂરી કરવી, ઉત્સવોમાં સાથે ઊજાણી કરવી, સાથે ખરીદીમાં જવું કે વાહનમાં લિફ્ટ આપવા જેવા અનેક કાર્યોમાં પાડોશી તરીકેની ભૂમિકા ઊજળી થાય છે.
પાડોશીને રાજી રાખવા અને પોતે રાજી રહેવું, સાથે મળીને સુખ-દુઃખ વહેંચવા, એના ભલા માટેની પ્રાર્થના કરવી એ જ સાચો પાડોશી ધર્મ છે. આવી રીતે પ્રેમભાવે હળીમળીને રહેવાથી પોતાનો જ પરિવાર જાણે બાજુમાં હોય એવી અનુભૂતિ થાય છે. અને આપણા જીવનમાં નાની-નાની ઘટનાઓમાંથી અજવાળાં અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
ન બોલે તેને બોલાવજો,
જે ન આવે તેને ઘેર જજો,
જે રિસાય તેને રિઝવજો,
ને બધું તેમના ભલાને સારું નહિ,
પણ તમારા ભલાને સારું કરજો.
- ગાંધીજી
