તમારી વાત

Tuesday 04th October 2016 09:56 EDT
 

૧૬મા AAA માં દાનનો પ્રવાહ

‘ગુજરાત સમાચાર’ના તા. ૨૪ સપ્ટેના અંકમાં પ્રથમ પાને ૧૬મા એશિયન એચિવર્સ એવોર્ડના વિસ્તૃત સમાચાર વાંચીને ગૌરવ થયું. આ કાર્યક્રમમાં સાથી સેવાભાવી સંસ્થા - આઈ ઓ ડી આર માટે દાનનો ધોધ વરસ્યો હતો. £૧લાખ ૮૦ હજાર ઉપરાંતની રકમ એકત્ર થઈ હતી. આ એવોર્ડ માટે નોમિનેટ થયેલા લોકોને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના વાચકોએ પસંદ કર્યા હતા. તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આ એવોર્ડ દ્વારા અત્યાર સુધીમાં અનેક સેવાભાવી સંસ્થાઓને લાખો પાઉન્ડનું અનુદાન અપાયું છે જે ખુબ પ્રસંશાને પાત્ર છે. બન્ને અખબારોના તમામ વાચકોને વિનામૂલ્યે અપાતું આ એવોર્ડ્સનું મેગેઝીન પણ અમોને મળ્યું છે.
વધુમાં, તા ૨૮ સપ્ટે.ની સાંજ ખુબ જ સુંદર રહી. એબીપીએલ ગ્રુપ અને સી બી પટેલ દ્વારા પોતાના વાચકો અને પરિવાર, મિત્રો માટે આયોજીત તદ્ન નિઃશુલ્ક તેમજ ભોજન સાથેનો શ્રાદ્ધ વિષેનો ભજન તર્પણનો કાર્યક્રમ ખુબ જ ગમ્યો. માયા દિપકે તેમના મધુર સ્વરમાં ભજનો અને ગીતો રજૂ કર્યા. એબીપીએલ ગ્રુપ ઘણા કાર્યક્રમો યોજે છે. પરંતુ, મારા 23 વર્ષના અનુભવમાં આ કાર્યક્રમ અજોડ હતો.
વધુમાં, તા.૧-૧૦ના અંકમાં પાન.૨૨ પર મૂળ ગુજરાતી અને શ્રી કમલ રાવ તથા શ્રીમતી રાવની પુત્રી નીતિએ ઉરીમાં શહીદ થયેલા વીર સૈનિકોના કોઈ એક સંતાનને દત્તક લઈને દર વર્ષે રૂપિયા ૨૫,૦૦૦ આપીને ભણાવવાનો સંકલ્પ કર્યો છે તે અહેવાલ વાંચીને ખૂબ ગૌરવ થયું.

- ભરત સચાણીયા, લંડન

ભારતીય સેનાની કામગીરી પ્રશંસનીય

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં (લશ્કરે) ભારતીય સેનાએ ઘૂસીને ત્રાસવાદીઓના ૮ કેમ્પ નાબૂદ કર્યા તે બદલ ફોજના જવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. કાશ્મીર ભારતનો આંતરિક ભાગ છે તેમ વારંવાર કહેવામાં આવે છે તો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ભાગનો વહેલી તકે લશ્કરને છૂટો દોર આપીને કબજો કરવાનો સમય પાકી ગયો છે. જેથી કાયમી પ્રશ્ન હલ થઈ જશે.
અગાઉ આપણી સેનાએ પાકિસ્તાનને ત્રણ વખત યુદ્ધમાં હરાવેલ - પ્રદેશો કબજે કરેલા - મંત્રણાના મેજ ઉપર આપણે જીતેલો પ્રદેશ પાછો આપેલો - તેવી ભૂલો નરેન્દ્ર મોદી નહીં કરે એમ લાગે છે.
વેપારમાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપેલ છે તે તાબડતોબ પાછો ખેંચવો જોઈએ તેમજ સિંધુ નદીનું આપણા ભાગે આવતું પાણી ૨૦ ટકા પૂરેપૂરું વાપરવાનું ચાલુ કરવું જોઈએ. અત્યારે આપણે ૮ ટકા વાપરીએ છીએ.
પાકિસ્તાનને ઈલેક્ટ્રિસીટી આપવામાં આવે છે તે બંધ કરો. પાકિસ્તાનમાં રેલવેતંત્ર ખાડે ગયેલું છે. વચમાં રેલવે એન્જીનો ડબ્બાઓ લોન ઉપર પાકિસ્તાને માંગેલ તે વાતમાં વેચાતા પણ ન આપવા, વાતને અટકાવી દેવી જોઈએ.

- જે. બી. ચાચા, લંડન

નવરાત્રિનો ત્રિવેણીસંગમ

આપણા હિંદુ સનાતનધર્મમાં નર અને નારી બંનેની પૂજા- આરાધના થાય છે. એમાં પણ નારીશક્તિનો મહિમા વિશેષ છે. આપણે જે પર્વો ઉજવીએ છીએ તેમાં નવરાત્રિનો મહિમા ખૂબ વધારે છે. કહેવાયું છે ને કે, ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એમ વિશ્વના કોઈપણ ખૂણે વસતા ગુજરાતીઓ નવરાત્રિનું પર્વ અચૂક ઉજવે છે.
આજના ઝડપી આધુનિક સમયમાં નવરાત્રિનું પર્વ ઉજવાય છે ત્યારે એની ખરી લાક્ષણિકતા ભૂલાઈ જાય છે અને માત્ર વેશભૂષા અને નખરા સાથે ગવાતા ગરબા વિશે ઘણી ચર્ચા પણ થાય છે. તેમ છતાં માની શક્તિ, એની કૃપા હજુ ક્યાંક ક્યાંક વરસતી દેખાય છે. એ જોઈને તથા જાણીને આનંદવિભોર થયા વિના રહેવાતું નથી. વાત છે અમે ટી.વી. ચેનલ પર જોયેલા ભારતના મુંબઈના બોરીવલી પરામાં નાયડુકલબ દ્વારા યોજાતા ગરબાની. સતત (નોનસ્ટોપ) અનેક સૂરીલા વાજીંત્રો વગાડતા કલાકારો, નવાજૂના માતાજીના જ ગરબા ગાતા સંગીતકારો અને નાનામોટા હજારોની સંખ્યામાં ગરબે ઘૂમનારાઓની શું વાત કરવી! એમની સુંદર આકર્ષક વેશભૂષા, લાવણ્યમય અભિનય, મુખ પર પ્રભાવશાળી ભાવ સાથે ઝલક લઈને ઘૂમતા રમનારાઓને જોઈએ ત્યારે જાણે મા સાક્ષાત પધારી, ગરબે ઘૂમતા હોય એવો ભવ્ય અને આકર્ષક માહોલ સર્જાય છે. આ માટે તો એ દૃશ્ય નજરે જ જોવું રહ્યું. સંગીત વગાડનારા, ગરબા ગાનારા અને ગરબે ઘૂમનારા એમ ત્રણેયનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળે છે. ધન્યવાદ!

- કાન્તાબેન અને પ્રભાકાન્ત, ઓકવુડ, લંડન

દેશ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવીએ

અત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ જાય તેવી પરિસ્થિતિ છે. આપણા જવાનો સરહદે ગોળીબારનો સામનો કરતા હશે ત્યારે અહીં આપણી યુવાપેઢી નવરાત્રિની મજા માણતી હશે.
મારા મત પ્રમાણે આપણે દેશ અને જવાનો પ્રત્યે સંપૂર્ણપણે કૃતજ્ઞતા દર્શાવવા માટે મોટાપાયે યોજાતા નવરાત્રિ મહોત્સવ બંધ કરવા માટે આંદોલન છેડવું જોઈએ. તે નાણાંનો ઉપયોગ આપણે જવાનોના પરિવારો-બાળકો માટે કરવો જોઈએ. નવરાત્રિમાં આપણે માત્ર શેરી પૂજા રાખવી જોઈએ.
હું માનું છું કે તેમ કરીને આપણે વિશ્વને આપણી એકતા દર્શાવી શકીએ અને દરેક વ્યક્તિનો નૈતિક જુસ્સો વધારી શકીએ. તેનાથી ગુજરાત આપણે એક છીએ, સંગઠિત છીએ તેવો દાખલો વિશ્વ સમક્ષ રજૂ કરી શકશે. મહોત્સવોની ઉજવણી કરવા માટે તો ઘણા પ્રસંગો આવતા રહેશે.
આશા છે કે મારી આ વાત તમને સ્પર્શી હશે. અત્યાર સુધી નવરાત્રિ માટે મેં મારી જીંદગીમાં કોઈ ફાળો આપ્યો નથી.

- નવલરામ દવે, ગાંધીનગર

ખરેખર ‘મા તે મા’....

‘ગુજરાત સમાચાર’ના તા.૧૬ જુલાઈના પાન.૧૫ પર જીવીબહેન વિશેના સમાચાર વાંચીને દરેક વ્યક્તિ આંખમાં આંસુ સાથે ભાવવિભોર થઈ ગઈ હશે! કચ્છ પંથકના જીવીબહેનનો દીકરો વિરેન તેની વહુ વરજુ સાથે રોજીરોટી કમાવા માટે ૧૯૯૨માં મુંબઈ ગયો હતો. વિરેન નાનકડી ખોલી ભાડે રાખીને સુરતથી પુષ્કળ સાડીઓ લાવીને ઘરેઘરે વેચતો.
૧૯૯૩માં જીવીબહેન તથા વરજુ સગાના લગ્નમાં કચ્છ ગયા અને વિરેન કામ હોવાથી અઠવાડિયું મોડો જવાનો હતો. પણ તે જઈ ના શક્યો કારણ કે તે અરસામાં જ ૧૯૯૩માં મુંબઈમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા. કચ્છમાં તેના ભાઈઓ અને કુટુંબ વિરેન માટે ચિંતામાં મુકાયું ને તેના ભાઈઓ મુંબઈ તેની શોધ ખોળ માટે પણ ગયા. પરંતુ, વિરેનનો ક્યાંય પત્તો ન લાગ્યો. આતંકવાદના ભરડામાં અનેક લોકોની સાથે વિરેનનો પણ ભોગ લેવાયો હશે!
પરંતુ મા જે વાત્સલ્યની વિરડી, મમતાની મંગલમૂર્તિ, જેના હાડેહાડ હેત અને વેણેવેણે બાળકો માટે વરદાન હોય છે તેવી માની ધીરજ, આશા, આસ્થા કે શ્રદ્ધા છે કે મારો દીકરો અવશ્ય આવશે ખરો. છેલ્લા ૨૩ વર્ષથી વૃદ્ધ મા લાકડીના ટેકે સ્ટેન્ડ પર બેઠા બેઠા આજે પણ દરરોજ બસ અને જીપવાળાને પૂછે છે કે ‘મારો વિરેન આવ્યો?’ વિરેનની પત્ની વરજુ પિયરમાં પતિની રાહ હજુ જુએ છે. ‘કેવી કરુણ કહાની’

- સુધા રસિક ભટ્ટ, ગ્લાસગો

ભૂલી જાય છે

સમજદાર સમજે એ નાની વાત છે
સમજીને સમજવું એ અનોખી વાત છે.
સમજુ અડધી વાતમાં સમજી જાય છે
અણસમજુને સમજાવતા, થાકી જવાય છે.
ઘણા સાંભળીને વાત, ભૂલી જાય છે.
જ્યારે સમજીને દિલમાં, ઉતરી જાય છે.
આવા સમજ વગરનાને આપણે શું કહેવું ‘અમીત’
કહીએ છતાંય મગજમાં ઉતારવાનું ભૂલી જાય છે.

- અમૃતલાલ પી. સોની, ‘અમીત’ વેમ્બલી


comments powered by Disqus