બોલિવૂડમાં પાકિસ્તાની કલાકારો મુદ્દે ભાગલા

Wednesday 05th October 2016 07:04 EDT
 
 

ફિલ્મ અભિનેતા સલમાન ખાને ઉરી હુમલા પછી એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં તેને પાકિસ્તાની કલાકારો અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં સલમાન ખાને પાકિસ્તાની કલાકારોનું સમર્થન કરતાં કહ્યું હતું કે, કલાકાર અને આતંકવાદ બે અલગ વસ્તુઓ છે. શું કોઇ કલાકાર ટેરરિસ્ટ હોઇ શકે? તેઓ અહીં વિઝા લઇને આવે છે. તે વિઝા કોણ આપે છે? વર્ક પરમિટ એ લોકોને કોણ આપે છે? આપણી ભારત સરકાર જ આપે છે.
દરમિયાન સૈફઅલી ખાને પણ ૨૯મી સપ્ટેમ્બરે પાક. કલાકારોને ટેકો આપી જણાવ્યું હતું કે, કોઈપણ કલાકારને ભારતમાં કામ કરવું કે નહીં તેનો નિર્ણય ભારત સરકાર લેશે અન્ય કોઈ નહીં. જોકે સલમાનના નિવેદન પછી બોલિવૂડમાં આ મુદ્દે બે જૂથ ઊભા થઈ
ગયા છે.
અનુપમ ખેરે આ અંગે કહ્યું હતું કે, હું ભારતના સૈન્ય પર થયેલા હુમલાની સખત ટીકા કરું છું. તે સાથે પાકિસ્તાની કલાકારોએ પણ સૈન્ય હુમલાને વખોડીને પોતાનો મત વ્યક્ત કરવો જોઇએ. ભારત તરફથી જ્યારે તેમના ટેલેન્ટને આવકારાઇ રહ્યું છે અને ભારતે પાકિસ્તાન જોડે હંમેશા મૈત્રીપૂર્ણ સંબંધો રાખ્યા છે ત્યારે પાકિસ્તાની કલાકારોએ પણ આ અંગે દિલસોજી વ્યક્ત કરવી જોઇએ. ખેરે પાકિસ્તાની કળાને બિરદાવતા કહ્યું કે, પાકિસ્તાનથી આવનારા લોકો અદ્ભુત હોય છે અને સારા યજમાન હોય છે, પરંતુ વાત જ્યારે મારા જવાનોની અને દેશની આવશે ત્યારે હું ચૂપ નહીં બેસું. એક ભારતીય તરીકે હું તેનો વાંધો દર્શાવીશ.
જાણીતી ન્યૂઝ ચેનલ ઉપર કરણ જોહર, મહેશ ભટ્ટ, સલમાન ઉપર પ્રહારો થતાં સલમાનના પિતા સલીમ ખાને પાક. કલાકારોને ટેકો આપતાં કટૂતાપૂર્ણ ટ્વીટ કરી છે. સલીમ ખાને સલમાનને ટેકો આપીને જણાવ્યું છે કે, હું સલમાનની સાથે સંમત છું.
દેશ પહેલાં કલાકારો પછીઃ નાના
નાના પાટેકરે પાક. કલાકારો મુદ્દે તાજેતરમાં પોતાની પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કરી છે કે, દેશ પહેલા આવે છે અને કલાકારો પછી. એક કાર્યક્રમમાં નાનાએ કહ્યું છે કે, પાક. કલાકાર અને બાકી બધું પછી. મારા માટે પહેલા મારો દેશ. દેશ સિવાય હું કોઈને જાણતો નથી. કલાકાર તો દેશની સામે માંકડ જેવા છે. જેની કોઈ કિંમત નથી. પાટેકરે નામ લીધા વગર સલમાન પર નિશાન તાકતાં કહ્યું હતું કે, સૈનિકથી મોટો કોઇ હીરો હોતો નથી. અમે એક્ટર તો મામૂલી લોકો છીએ. અમે જે બોલીએ છીએ તેના પર ધ્યાન આપવાની જરૂર નથી અને જે બોલે છે તેની ઓકાત પણ નથી.
અભિજીતના આકરા પ્રહાર
નાનાની ટ્વીટ પહેલાં સિંગર અભિજીતે ટ્વિટ કરી હતી કે, ફવાદ ખાને પોતાના દેશ પાકિસ્તાન પ્રત્યે સાચી દેશભક્તિ બતાવી છે જ્યારે સલમાનને પોતાના દેશ પ્રત્યે વફાદારી બતાવવામાં શરમ આવે છે. અભિજીતે આગળ લખ્યું હતું કે, પાકિસ્તાની અને ઈન્ડિયન કલાકારો વચ્ચે એક વસ્તુ કોમન છે. ઈન્ડિયન મની, લવ અને ફેમ. અભિજીતે પાકિસ્તાની કલાકારોના પક્ષે બોલતાં કરણ જોહરને પાક. કલાકાર ફવાદ ખાનની પત્ની તરીકેનું સંબોધન પણ ટ્વીટર પર કર્યું છે.
પાક. કલાકારો પર રોક મૂકતું ઇમ્પા
ઇમ્પાના અધ્યક્ષ અને નિર્માતા ટી પી અગ્રવાલે જણાવ્યું હતું કે, ઇમ્પાએ પોતાની ૮૭મી સભામાં પ્રસ્તાવ પસાર કર્યો છે કે હવેથી પાકિસ્તાની સિતારાઓ હિંદી ફિલ્મોમાં કામ કરી શકશે નહીં. તેમની વર્ક પરમિટ પણ રદ કરવાની ભલામણ ભારત સરકારને કરવામાં આવી છે.
પાક.માં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ
પાકિસ્તાની સિનેમાઘરોના માલિકોએ ભારત-પાક. વચ્ચે વધી રહેલા તણાવને પગલે ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય હમણાં કર્યો છે. પાકિસ્તાની ફિલ્મ નિર્માતાઓએ આ જાહેરાત ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડયૂસર્સ એસોસિયેશને (ઇમ્પા) કરેલા નિર્ણય બાદ કરી છે.


comments powered by Disqus