ભારતે છેવટે પાકિસ્તાનને તે સમજે તેવી ભાષામાં પાઠ ભણાવ્યો છે. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં ધમધમતી આતંકવાદીઓની છાવણીને નિશાન બનાવીને ભારતીય સૈનિકોએ કરેલા ‘સર્જિકલ સ્ટ્રાઇક’ને સંરક્ષણ નિષ્ણાતો આવશ્યક ગણાવી રહ્યા છે. તેમના મતે ભારતની સહનશક્તિની હદ આવી ગઇ હોવાથી આ પગલું અનિવાર્ય થઇ ગયું હતું. બહાદુરીની સાથોસાથ આયોજનબદ્ધ અભિગમ માટે ભારતીય સેનાને અને આ ઓપરેશન માટે સેનાને મંજૂરી આપવા બદલ ભારત સરકારના અભિગમને બિરદાવતા નિષ્ણાતો કહે છે કે ખરેખર તો ભારતે પાકિસ્તાનનું ‘બહુ જૂનુ દેવું’ ચૂકતે કર્યું છે. હવે પાકિસ્તાનને સમજાશે કે જો તે નહિ સુધરે તો ભારત આ પ્રકારની કાર્યવાહી કરી શકે છે.
ભારતીય સેના લાંબા સમયથી જે પગલું ભરવા ઇચ્છતી હતી તેને સરકારે મંજૂરી આપી છે, આવું કરવા માટે પણ સિંહનું કાળજું જોઇએ. આ સફળ ઓપરેશન માટે સેના અને તેને મંજૂરી આપનાર સરકાર જેટલી યશની હકદાર છે તેટલી જ હકદાર આતંકવાદી અડ્ડાઓની ચોકસાઇપૂર્ણ માહિતી આપનાર ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ છે.
આ સર્જિકલ સ્ટ્રાઇક દર્શાવે છે કે લશ્કરી તાકાતને રાજકીય ઇચ્છાશક્તિનું પીઠબળ મળે તો શું કરી શકાય. આર્મીના જાંબાઝ કમાંડો અજાણી ભૂમિમાં મધરાત પછી પેરાશૂટથી ઊતર્યા, ત્રાસવાદીઓનો સફાયો કર્યો અને થોડાંક કલાકોમાં તો પાછા બેરેકમાં પહોંચી ગયા - કોઇ પણ જાતની જાનહાનિ વગર. વિશ્વના કોઈ પણ દેશની ફોજને મગરૂર કરે તેવું આ પરાક્રમ છે. પ્રજાના આક્રોશ અને શહીદ પરિવારોના આક્રંદના સ્થાને દેશવાસીઓમાં આત્મગૌરવ અને આનંદનો સંચાર થયો છે. તમામ રાજકીય પક્ષોએ મતભેદો કોરાણે મૂકીને મોદી સરકારનાં પગલાંને એકઅવાજે બિરદાવ્યું છે. હા, જમ્મુ-કાશ્મીરના નેતાઓનાં નિવેદનો મુખ્ય પ્રવાહથી ભલે વિરોધી ન હોય, પણ વેગળા જરૂર રહ્યા છે તેની નોંધ લેવી રહી.
લશ્કરી દૃષ્ટિકોણથી ભારતીય સૈન્યની કાર્યવાહી ભલે નાનકડી હતી, પરંતુ તેના વ્યૂહાત્મક અને રાજકીય સૂચિતાર્થો દૂરોગામી છે. ભારત સરકારનો નિર્ણય દર્શાવે છે કે પાકિસ્તાન પ્રત્યેના અભિગમમાં હવે બદલાવ આવ્યો છે. ભારતીય સેનાની સજ્જતા માટે તો પહેલાં પણ શંકા નહોતી, અને આજે પણ નથી. ખામી રાજકીય ઇચ્છાશક્તિની હતી, આ ખોટ નરેન્દ્ર મોદીએ પૂરી કરી છે.
પાકિસ્તાની સૈન્ય સામે ત્યાંની સરકાર (લોકશાહી ઢબે ચૂંટાયેલી હોવા છતાં) પ્રભાવહીન છે. આ હકીકત સ્વીકારીને ભારતે હવે પાકિસ્તાની સૈન્યે ફેંકેલા (આતંકવાદના ઓઠાં તળે પરોક્ષ યુદ્ધના) પડકારને ઝીલી લેવાનો મનસૂબો દર્શાવ્યો છે. અંકુશરેખા ઓળંગીને ભારતે જાણે પાકિસ્તાનને લક્ષ્મણરેખા દોરી આપી છે કે હવે આને ઓળંગ્યા તો મર્યા સમજજો. પાકિસ્તાનના રાજનેતાઓથી માંડીને લશ્કરના સેનાપતિઓ અત્યાર સુધી એવા મદમાં રાચતા હતા કે અમારી પાસે અણુબોમ્બ હોવાથી ગમેતેટલી - આતંકી - ઉશ્કેરણી છતાં ભારત તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવાની હિંમત નહીં જ કરે. અધૂરામાં પૂરું, ભારતે અત્યાર સુધી ‘વ્યૂહાત્મક સંયમ’ના નામે ઢીલીપોચી નીતિ અપનાવી હોવાથી પણ તેમની માન્યતાને બળ મળ્યું હતું. જોકે હવે ભારતે પાકિસ્તાન સામે શિક્ષાત્મક કાર્યવાહી કરીને જ નહીં, પણ દુનિયા સમક્ષ તેની સત્તાવાર જાહેરાત કરીને પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ભારતનું આ પગલું પાકિસ્તાનના સત્તાધીશો અને સેનાપતિઓ માટે ઘણા અંશે અણધાર્યું અને આશ્ચર્યજનક હશે એ નિઃશંક છે.
પાકિસ્તાનમાં હવે શું થાય છે અને પાકિસ્તાન હવે શું કરે છે તેના પર દુનિયાની નજર છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારત દ્વારા કોઇ સર્જિકલ સ્ટ્રાઇક થઇ જ ન હોવાનો દાવો કરી રહેલા શરીફ રોજેરોજ સવાર-સાંજ મીટિંગ યોજી રહ્યા છે, જે દર્શાવે છે કે ભારતની આ કાર્યવાહીથી તેમની હાલત કફોડી થઇ છે. પ્રજાએ ચૂંટેલી શરીફ સરકારને ઊથલાવીને સૈન્ય સત્તા કબજે કરી લે એવી શક્યતા અત્યારે તો ઓછી જણાય છે. હા, એટલું કહી શકાય કે શરીફ સરકારનો પ્રભાવ ઘટવાનો ને સૈન્યની સત્તા વધવાની.
સર્જિકલ સ્ટ્રાઇકની આ એક ઘટનાથી પાકિસ્તાન આતંકવાદના માર્ગેથી પાછું ફરશે? ના... ભારતે સમજી લેવું રહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને સાથ આપવાનું છોડશે એમ માની લેવું વધુપડતું ગણાશે. રવિવારે મોડી રાત્રે કાશ્મીરમાં થયેલો વધુ એક આતંકી હુમલો આ વાતનો પુરાવો છે. અફઘાનિસ્તાનમાં પણ પાકિસ્તાનના આતંકી અટકચાળાં ચાલુ જ છે.
ભારતે ભલે સ્પષ્ટતા કરતું હોય અમે તો સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી છે, પાકિસ્તાની સાર્વભૌમત્વ કે તેની સેના પર આક્રમણ કર્યું નથી, પરંતુ પાકિસ્તાન ઝનૂની અને બેજવાબદાર દેશ હોવાનું જગજાહેર છે. આતંકવાદી સંગઠનોને જ પોતાનાં હથિયાર સમજતી પાકિસ્તાની સેના આતંકીઓ પરના હુમલાને હળવાશથી નહિ જ લે.
આમ સર્જિકલ સ્ટ્રાઇક પછી હવે ભારત માટે સમય છે સાવચેતીનો. ભારત સરકારે સરહદ પર સુરક્ષા વ્યવસ્થા સાબદી બનાવી તે તાર્કિક પગલું છે. પાકિસ્તાન હવે વળતી ચાલ તરીકે ખુલ્લું લશ્કરી પગલું લે એવી શક્યતા ઓછી છે. અત્યારે સમસમીને બેસી રહેલું પાકિસ્તાન - ભારતનું જ અનુકરણ કરીને - પોતાના સમયે અને પોતાની પસંદગીના સ્થળે ફટકો મારવાનો પ્રયાસ કરે તેવી શક્યતા વધુ છે. પાકિસ્તાન જાણે છે કે તે ક્યારેય ભારત સામે સીધો જંગ જીતી શકવાનું નથી. આ સંજોગોમાં તે હરહંમેશની જેમ ત્રાસવાદીઓને હાથો બનાવીને પોતાનો મનસૂબો પાર પાડવા પ્રયાસ કરશે. પાકિસ્તાની સૈન્ય પાસે તેનાં ખાંધિયા જેવાં અનેક ખૂનખાર આતંકી સંગઠનો છે, જે ભારતમાં જાનમાલની મોટી ખુવારી સર્જતા અનેક કૃત્યો અગાઉ કરી ચૂક્યાં છે. આ ઉપરાંત તેની પાસે ભારતની અંદર જ સ્લીપર સેલ્સ તરીકે ઓળખાતું આતંકવાદીઓનું નેટવર્ક પણ છે, જે વિદેશી આકાઓના ઈશારે તબાહી મચાવવા તત્પર છે. કાશ્મીરમાં રવિવારે રાત્રે થયેલો આતંકી હુમલો
આવા જ કોઇ સ્લીપર સેલના સભ્યોએ કર્યો હોવાનું મનાય છે કેમ કે ભારતીય સેનાનો સ્પષ્ટ મત છે કે સર્જિકલ સ્ટ્રાઇક પછી સરહદ પારથી ઘૂસણખોરીની ઘટના બની નથી.
આ પ્રકારના આતંકી હુમલાને અટકાવવાનો એક જ ઉપાય છે - આંતરિક સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ બનાવવી. ભૂતકાળમાં થયેલા આતંકવાદી હુમલાઓની ઘટનાઓની તપાસમાં સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર છીંડા હોવાનું જણાયું હતું. આ ક્ષતિઓ દૂર કરવાનું ભારતીય સત્તાધીશોએ યુદ્ધનાં ધોરણે હાથ ધરવું રહ્યું. આ બધી વાતો તો થઇ પ્રત્યક્ષ અને પરોક્ષ લડાઇની, પરંતુ ભારતે રાજદ્વારી મોરચે પણ સતત સક્રિયતા જાળવવી પડશે.
દુનિયાભરમાં આતંકવાદના જનક અને પોષક તરીકે પાકિસ્તાન વિશ્વ સમુદાયમાં ખુલ્લું પડી ગયું છે. પાકિસ્તાનમાં ૨૦ નવેમ્બરે યોજાનારી ‘સાર્ક’ બેઠકનો બહિષ્કાર કરવાના ભારતના નિર્ણયને ભુતાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોએ સમર્થન આપ્યું છે. આ પછી પાકિસ્તાને જ ‘સાર્ક’ સમિટ રદ કરી નાખી છે. ભારતીય સૈન્યના સર્જિકલ સ્ટ્રાઇકની અમેરિકા, બ્રિટન, રશિયા સહિતના દેશોએ તો ટીકા નથી જ કરી, પરંતુ કોઇ મુસ્લિમ દેશે પણ કાર્યવાહીનો વિરોધ નથી કર્યો તેને ભારતની રાજનૈતિક સફળતા ગણવી રહી. પાકિસ્તાનને વિશ્વતખતે સદંતર એકલુંઅટૂલું પાડી દેવું તો શક્ય નથી, પરંતુ તેની અસલિયત દુનિયા સમક્ષ ખુલ્લી પાડવાનું કામ ભારતીય રાજદૂતોએ કરતાં રહેવું પડશે.
પાકિસ્તાન કોઈ લશ્કરી દુ:સાહસ ન કરી બેસે તે માટેનો સચોટ ઉપાય તેના પર સતત અને પ્રચંડ આર્થિક તેમજ રાજકીય દબાણ ઉભું કરવાનો અને પછી આ દબાણને જાળવી રાખવાનો છે. આર્થિક પ્રતિબંધો, વ્યાપારબંધી, મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન) દરજ્જો રદ કરવો વગેરે જેવાં પગલાંઓથી પાકિસ્તાનને ખ્યાલ આવશે કે આતંકવાદના સમર્થનની તેણે કેવી આકરી કિંમત ચૂકવવી પડશે. સૌથી કાતિલ હથિયાર છે નદીઓનું પાણી. સિંધુ જળ કરારની પુન: સમીક્ષા કરવાની ભારતની જાહેરાતમાત્રથી પાકિસ્તાન જે પ્રકારે હચમચી ગયું છે તે જ આ કરારનું મહત્ત્વ દર્શાવે છે. સર્જિકલ સ્ટ્રાઇકનું પગલું ભરીને ભારતે પહેલો રાઉન્ડ ભલે જીતી લીધો હોય, પણ સાચો જંગ તો હવે શરૂ થયો છે.
