સામાન્ય રીતે આજકાલ મહિલાઓ વારે તહેવારે, પ્રસંગે કે રોજિંદી જિંદગીમાં સુંદર દેખાવ માટે સારી ગુણવત્તાવાળા મેકઅપનો ઉપયોગ કરે છે, પરંતુ સ્ત્રીઓએ એક વાતની મનમાં ખાસ ગાંઠ વાળવા જેવી છે કે જ્યાં સુધી તમારી ત્વચામાં ચમક નહીં હોય ત્યાં સુધી મેકઅપ પણ તમને જોઈએ તેવો નિખાર કે દેખાવ આપી શકશે નહીં. તમારી ત્વચાને કાયમ માટે ચમકતી અને ગુલાબી રાખવા કેટલાક પ્રાકૃતિક રીતે મળી આવતાં તેલની માલિશ કરીને ત્વચાને કેવી રીતે નિખારી શકાય તે માટેની કેટલીક ટીપ્સ અહીં
આપી છે.
ઓલિવ ઓઈલ: જૈતુનના તેલને ઓલિવ ઓઈલ કહેવામાં આવે છે. જૈતુનના તેલની નિયમિત માલિશ કરવાથી ત્વચા ચમકીલી રહે છે. ઓલિવ ઓઈલની માલિશથી શરદી, સોજા ચડવા, લકવા, ખાલી ચડી જવી, કૃમિ થવા અને વામાં પણ રાહત રહે છે.
બદામનું તેલઃ બદામનું તેલ ત્વચા માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. રોજ સવારે એક ચમચી બદામનું તેલ પીવાથી ત્વચા રુક્ષ થતી નથી તથા દિમાગ પણ સતેજ રહે છે. આ ઉપરાંત બદામના તેલની રોજ માલિશ કરવાથી ત્વચા નિખરે છે. બદામનું તેલ વધુ પડતી ચીકાશ ધરાવતું ન હોવાથી ગુલાબજળ સાથે મિક્સ કરીને રોજ નાહીને શરીર પર લગાવવાથી પણ ત્વચા પર નિખાર આવે છે.
તલનું તેલ: તલના તેલમાં વિટામિન એ અને વિટામિન ઈ હોય છે. માથામાં રોજ તલના તેલની માલિશથી ખોડો દૂર થાય છે અને વાળ લાંબા અને ચમકીલા બને છે. તલના તેલને નવશેકું ગરમ કરીને એક મહિના સુધી માલિશ કરવાથી ત્વચા ચમકતી રહે છે. કફ, ચળ આવવી તેમજ વાના રોગોને દૂર કરવા માટે પણ તલના તેલનો ઉપયોગ થાય છે.
નારિયેળનું તેલ:
નારિયેળના તેલમાંથી વિટામિન ઈ મળી આવે છે. આ તેલ ઠંડુ, મધુર, પિત્તનાશક અને વાળ માટે ગુણકારી ગણવામાં આવે છે. નારિયેળના તેલમાં થોડો ચણાનો લોટ અને લીંબુ ભેળવીને રોજ તાજું મિશ્રણ તૈયાર કરવું. આ ઉપટનથી રોજ નાહવાથી ત્વચા હંમેશાં ખીલેલી રહે છે.
મકાઈનું તેલઃ ભારતીય આયુર્વેદ પદ્ધતિને અનુસરનારાઓ આજે પણ સવારે યોગાભ્યાસ અને સ્નાન પહેલાં સામાન્ય રીતે શરીર પર મકાઈના તેલની મસાજ વધુ પસંદ કરે છે. મકાઈનાં તેલથી વહેલી સવારે મસાજ કરવાથી તન તો તંદુરસ્ત રહે જ છે સાથે સાથે મન પણ શાંત રહે છે. આયુર્વેદની દૃષ્ટીએ શિરોધારા માટે મકાઈનું તેલ ઉત્તમ ગણાય છે. ત્વચાના નિખાર માટે મકાઈના તેલની માલિશ ઉત્તમ માનવામાં આવે છે.

