સેલિબ્રિટીઝની માનીતી ડિવોર્સ લોયર લોરા વોજેર

Wednesday 05th October 2016 07:15 EDT
 
 

ફિલ્મ સ્ટાર જેવા લૂક્સ અને કોરડા ફટકારવા જેવી કડકાઇ જોઇને લાગે છે કે તે આ કામ માટે જ બની છે. એન્જેલિના જોલીએ બ્રાડ પિટથી ડિવોર્સ લેવા માટે આ વકીલની પસંદગી કરાઈ છે. ૨૦૦૩માં પણ તેઓ જોલી માટે કામ કરી ચૂક્યાં છે. ત્યારે બિલી બોબ થોર્નટનના ડિવોર્સ પણ આ મહિલાએ કરાવ્યા હતા. તેઓ ટ્રાયલ કરતાં નેગોશિયેશનને વધુ મહત્ત્વ આપે છે. તેથી તાજેતરમાં જોની ડેપના ડિવોર્સ ખૂબ સરળતાથી કરાવી ચૂક્યાં છે અને એ પણ તેની પત્ની અમ્બર હર્ડે ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો હોવા છતાં. આ સેલિબ્રિટી લોયર છે, લોરા એલિસન વોજેર. સેલિબ્રિટી ડિવોર્સ અને નેગોશિયેશનમાં તેમની એવી નિપુણતા છે કે તેઓ હોલિવૂડના કમ્પ્લીટ ડિવોર્સ સોલ્યુશન અને ડીસો ક્વીન (ડિસોલ્યુશન ઓફ મેરેજ) પણ કહેવાય છે.
રિચ એન્ડ ફેમસના ડિવોર્સ કરાવવામાં નિપુણ લોરાની એક કલાકની કન્સલ્ટન્સી ફી ૮૫૦ ડોલર છે અને વકીલ તરીકે તેઓ ૨૫ હજાર ડોલર લે છે. તેમનો એકેય ક્લાયન્ટ ૧૦ મિલિયન ડોલરથી ઓછી સંપત્તિ ધરાવતો નથી. ક્લાયન્ટ તેમની કડકાઇ, ધીરજ, ભાવનાત્મક સંઘર્ષમાં સાથ આપવો અને ૨૪ કલાક ચાલતી સેલિબ્રિટી ન્યૂઝ સાઇકલને સમજવાની ક્ષમતા પર ફિદા છે.
ગોસિપ વેબસાઇટ્સને થાપ આપવાના તેમની પાસે ઘણા રસ્તા છે. તેથી વોજેરના સેલિબ્રિટી ક્લાયન્ટ્સનું લિસ્ટ બહુ લાંબુ છે. તેમાં જોની ડેપ, સ્ટીવ વન્ડર, બ્રિટની સ્પીયર્સ, વેન સ્ટેફની, જેનિફર ગાર્નર, મેલાની ગ્રિફિથ, મારિયા શ્રીવર (આર્નોલ્ડ શ્વાર્સનેગરની પત્ની), કિમ કાર્દિશન, કોલ કાર્દિશન અને ક્રિસ જેનરના નામ સામેલ છે.
વારસાગત આવડત
સેલિબ્રિટીઝના ડિવોર્સમાં નિપુણતા તેમને વારસામાં મળી છે. તેમના પિતા ડેનિસ એમ. વોજેર પણ સેલિબ્રિટી ડિવોર્સ લોયર હતા. તેમના ક્લાયન્ટ્સમાં ટોમ ક્રુઝ, સ્ટીવન સ્પીલબર્ગ અને જેનિફર લોપેઝ જેવા નામ સામેલ છે. ૨૦૦૪માં 'ધ મિરર'એ ડેનિસને 'અમેરિકાઝ મોસ્ટ ફીઅર્ડ ડિવોર્સ લોયર' કહ્યા હતા. જોકે, લોરા માટે સિલસિલો પોતાના ડિવોર્સથી શરૂ થયો. કેલિફોર્નિયા યુનિ.માંથી લોની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૯૫માં લોરાએ પિતાની લો ફર્મ કૂપરમેન એન્ડ માઇન્ડલેસ જોઇન કરી. તેઓ ડિવોર્સ લોયર બનવા નહોતા ઇચ્છતા. તેમણે વિકલાંગોના અધિકારો માટે કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે દરમિયાન તેમને પતિ સાથે અણબનાવ થયો. પિતાને તે અંગે વાત કરી તો તેમણે કહ્યુંઃ જાતે ઉકેલ. આમ, પહેલા ડિવોર્સ તેમણે ખુદના લીધા.
પહેલો કેસઃ સ્ટીવ વન્ડર
૨૦૦૧માં તેમનો પહેલો મોટો સેલિબ્રિટી કેસ હતો સ્ટીવ વન્ડરનો. તેની લિવ ઇન પાર્ટનરે ૩૦ મિલિયન ડોલરના દાવો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી લોરાને ડિવોર્સ અપાવવાનો ૨૫ વર્ષનો અનુભવ થઇ ચૂક્યો છે. અનુભવોના આધારે તેણે ૨૦૧૩માં એક બૂક ‘ઇટ ડઝન્ટ હેવ ટુ બી ધેટ વે: હાઉ ટુ ડિવોર્સ વિધાઉટ ડેસ્ટ્રોઇંગ યોર ફેમિલી ઓર બેન્કરપ્ટિંગ યોરસેલ્ફ’ લખી છે.
તેઓ કહે છે કે ડિવોર્સ બધાને એકસરખા કરી નાંખે છે - ગરીબ હોય કે અમીર. લગ્ન તૂટે ત્યારે બધાને સરખી ચિંતા, દુ:ખ અને અસંતોષ હોય છે. કોઇ વિચારે છે કે ઓસ્કરમાં મારી સાથે રેડ કાર્પેટ પર હવે કોણ આવશે કે મારી સાથે ઓફિસની ક્રિસમસ પાર્ટીમાં કોણ હશે? બધાના ચહેરા પર સરખો ભાવ હોય છે. એક જેવો ડર હોય છે.
લોરા ફની અને સ્ટાઇલિશ
લોરા ફની છે. સ્ટાઇલિશ છે. તેઓ ક્લાયન્ટ સાથે ફિલ્મો અંગે વાત કરે છે. રેસ્ટોરન્ટ અંગે વાત કરે છે અને એટલી સહજતાથી કોર્ટની ભાષામાં પણ. તેઓ ક્લાયન્ટને સેટલમેન્ટ માટે પ્રેરિત કરે છે. કેમ કે એકવાર લીગલ પેપર દાખલ થઇ જાય તો તે ગોસિપનો વિષય બની જાય છે. તેમની સૌથી મોટી સ્કિલ નેગોશિયેશન છે. ડિવોર્સ માટેનો તેમનો રસ્તો અનોખો છે. તેઓ પોતાના ક્લાયન્ટ માટે પ્રાઇવેટ જજ હાયર કરે છે જેથી કેસ કોર્ટ બહાર સેટલ કરી લેવાય.
ઓફિસમાં કપલની મિટિંગ
વોજેરનો એવો પ્રયાસ રહે છે કે કપલ તેમની ઓફિસમાં મળે. મધ્યસ્થી માટે સારા જજની ફી પ્રતિ કલાક ૧૦૦૦ ડોલર સુધીની હોય છે જ્યાં મામલો કોર્ટરૂમની માફક આગળ વધે છે. જ્યારે બન્ને કોઇ નિર્ણય પર પહોંચે ત્યારે તેઓ કોર્ટમાં અપીલ કરે છે. તેનો ફાયદો થાય છે કે બન્ને પક્ષોની ઘણી ખાનગી વાતો સાર્વજનિક થતી બચી જાય છે જ્યારે સામાન્ય ડિવોર્સ કેસમાં પ્રેસ અને પબ્લિક કોર્ટમાં હાજર રહીને પ્રોસિડિંગ સાંભળી શકે છે.


comments powered by Disqus