‘અંકલ, અમે જેના પર નવરાત્રિમાં ગરબે ઘૂમીએ છીએ એ ગીતોના લેખકો કોણ છે?’ એલ. ડી. એન્જિનિયરિંગની વિદ્યાર્થિની અને સાહિત્યમાં રૂચિ ધરાવનાર વિરલે પૂછ્યું. એની ઉત્કંઠા સાચી હતી, નવરાત્રિમાં વર્ષોથી ગવાતા ગીતોના ગીતકારો કોણ? આ પ્રશ્નનો જવાબ આપણને લઈ જાય છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને તેમના પુસ્તક ‘રઢિયાળી રાત’ સુધી.
લોકગીતોની શોધમાં નીકળેલા મેઘાણાભાઈએ ગામડાં ખૂંદ્યા. ગીતોનું શુદ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું એની અંદર જે કાવ્યતત્વ પડ્યું હોવું જોઈએ એ તપાસવા કવિતાની સમજ, કલ્પના અને ચાતુરી પણ વાપરી. એ પછી જે અખંડિત સ્વરૂપ લાદ્યું તેને પોતાના સંગ્રહોમાં મૂક્યું. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું એ ઝવેરચંદ મેઘાણી એમના ‘રઢિયાળી રાત’ પુસ્તકમાં લખે છેઃ ‘રાસ-ગરબો સંઘજીવનની સંપત્તિ છે.’ સૂરીલા સંઘજીવનમાંથી ઊઠતા નૃત્યધ્વનિની કેવી હતી એ રઢિયાળી રાત? આકાશના ચોકમાં પોતાના કોટિ કોટિ તારલારૂપી સહિયરોને લઈને જાણે ચંદારાણી રમવા નીકળી હોય! લોકગીતોનો પહેલો સંગ્રહ ‘રઢિયાળી રાત’ના નામે ૧૯૨૫માં પ્રગટ થયો અને ૧૯૪૨માં એનો ચોથો ભાગ બહાર પડ્યો.
એમને લોકગીતોની લગની લગાડી પોરબંદર બાજુના બરડા પંથકમાં બગવદર ગામના મેરાણી ઢેલીબહેન સાથેની ૧૯૨૪ની મુલાકાતે. મેઘાણીભાઈ લખે છે, ‘એક મેર ઘરની ઓસરીમાં ગ્યાસલેટના દીવાની જ્યોતે બેસી લોકગીત સંશોધનનું મંગલાચરણ કર્યું હતું. એ શુકન કરાવનાર ઢેલીબહેન અને એના પતિ આખો દિવસ ખેતરનું કામ કરીને થાકીને લોથ થયેલા. બહેન ઢેલીએ એક પછી એક ગીતો ગળામાંથી ઠાલવ્યા, હું ટપકાવતો ગયો. એ ગીતોએ લોકગીતોની સૃષ્ટિ પ્રત્યેનું મારું વલણ નક્કી કરી નાંખ્યું.’
ઝવેરચંદ મેઘાણીએ ઢેલીબહેનનું ઋણ સ્વીકારતા તેમને ‘મારા લોકગીત પ્રેમની પ્રાણની જનેતા’ કહી નવાજ્યા અને ‘રઢિયાળી રાત’નો ચોથો ભાગ તેમને અર્પણ કર્યો. ૧૯૬૭ના વર્ષમાં સંશોધક-લેખક શ્રી નરોત્તમભાઈ પલાણને આપેલા ઈન્ટરવ્યુમાં ૯૦ વર્ષની ઊંમરે સંસ્મરણો યાદ કરીને ઢેલીબહેને કહ્યું હતું, ‘મને બધા ગીતો બહુ યાદ છે એવું સાંભળીને મેઘાણીભાઈ એક દિવસ મારી પાસે આવ્યા. એમને જે ગીતો જોતાં’તા એની અડધી અડધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં.’ નવરાત્રિમાં ગવાતા અને આજે પણ લોકહૈયે કાયમ સચવાયેલા આ લોકગીતો પૈકીના કેટલાક મુખડા યાદ કરીએ.
‘અમે મૈયારા રે ગોકુળ ગામના’, ‘આભમાં ઝબૂકે વીજળી રે’ ‘એક વણજારી ઝીલણ ઝીલતી તી’ ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ’ ‘જોડે રહેજો રાજ’, ‘ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર’, ‘વા વાયાને વાદળ ઊમટ્યા’, ‘શરદપૂનમની રાતડી રંગ ડોલરિયો’ આખી રાત સાંભળો તોયે એની મસ્તી ને કેફ બરકરાર રહે એવા મીઠા મધુરા લોકગીતો આપણા સુધી પહોંચાડનાર ઝવેરચંદ મેઘાણીને શત્ શત્ વંદન
•••
ક્યારે આવે નોરતા
હું જોતી’તી વાટ રે
આવ્યા મા ના નોરતા...
આ અને આવા ગરબા ગૂંજે છે વાતાવરણમાં... નવરાત્રિના દિવસો છે. ગુજરાતની ઓળખ બની ગયેલી ગરબાની જ્યોત અજવાળા રેલાવી રહી છે અને ચારેકોર મચી છે ગરબાની ધૂમ.
લોકગીતોને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરનાર સંશોધક, સાહિત્યકાર અને પત્રકાર ઝવેરચંદ મેઘાણીના આપણે ઋણી રહીશું જેમણે પરિશ્રમ કરીને આવા મધમીઠા લોકગીતોનો સંગ્રહ આપણા સુધી પહોંચાડ્યો. હવે તો ગુજરાતી કાવ્ય સંગીતના ગરબાઓ ખૂબ ગવાય છે.
લોકગીતોમાં વહેલી પરોઢથી લઈને રાત્રિ સુધીના માનવજીવનની ઘટનાઓના સંવેદનો ઝીલાયા છે અને આવા લોકગીતો આજે મહાનગરોમાં બાળકો પણ ગાય ત્યારે અજવાળા રેલાય છે.
લાઈટ હાઉસ
લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય કૃતિઓ છે. - ઝવેરચંદ મેઘાણી
