મુંબઇઃ ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુરુવારે યજમાન ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચે બીજી સેમિ-ફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ નિષ્ણાતોની નજરે ખરેખર તો આ મેચને સેમિ-ફાઇનલના બદલે વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલ વચ્ચેના જંગ તરીકે નિહાળવો જોઇએ.
ક્રિકેટ ભલે અનિશ્ચિતતાની રમત ગણાતી હોય પણ એવું તો ખાતરીપૂર્વક કહી શકાય તેવું નથી જ કે આ બન્ને ખેલાડી રમશે એટલે તેમની ટીમ જીતી જ જશે. આ જ વર્લ્ડ કપમાં એવું પણ જોવા મળ્યું છે જેમાં ગેઇલે ખાસ રન નથી કર્યા તો પણ વેસ્ટ ઇંડિઝ જીત્યું છે, અને વિરાટનો દાવ ઓછા રનમાં સમેટાયો હોવા છતાં ભારતનો વિજય થયો છે.
ભારત તરફથી જોઇએ તો ઘણા મુદ્દા એવા છે જે વિજયનું પલડું તેની તરફેણમાં ઝૂકાવી શકે છે.
૧) મહેન્દ્ર સિંહ ધોની ભલે બેટિંગ ક્રમમાં નીચે આવે, પરંતુ તેણે એશિયા કપ અને વર્લ્ડ કપમાં દુનિયાને દેખાડી દીધું છે કે જરૂર પડે છે ત્યારે તે આક્રમક ચોક્કા-છક્કા લગાવીને ભારતને મેચ જીતાડી શકે છે.
૨) ધોની પોતાના કુલ એટિટ્યુડથી લગભગ હારના દરવાજે પહોંચી ગયેલી ટીમને વિજય અપાવી શકે છે. ભૂતકાળમાં એકથી વધુ વખત આવું બન્યું છે. બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની સામે તેણે પોતાના દિમાગ અને બેટ ઉપરાંત રનિંગ બિટવીન ધ વિકેટની શ્રેષ્ઠતા પણ પુરવાર કરી હતી.
૩) બાંગ્લાદેશને જ્યારે જીત માટે અંતિમ ત્રણ બોલમાં બે રનની જરૂરત હતી ત્યારે ધોનીએ હાર્દિક પંડ્યાની ઓવરમાં મોટા ભાગના ફિલ્ડરોને બાઉન્ડ્રી લાઇન પર ગોઠવી દીધા હતા. બાંગ્લાદેશના બેટ્સમેન તેની જાળમાં ફસાઇ ગયા અને સિક્સર મારવાના પ્રયાસમાં કેચ દઇ બેઠા. ધોની આ સ્ટ્રેટેજી અપનાવી શકે છે.
૪) રવીન્દ્ર જાડેજા અને આર. અશ્વિન વિકેટ લેવાની સાથોસાથ કિફાયતી બોલીંગ માટે પણ જાણીતા છે. આ તો ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચે અશ્વિનની બોલિંગને ધોઇ નાખી હતી, બાકી તેની બોલિંગમાં ચોક્કા-છક્કા ફટકારવાનું આસાન નથી.
૫) ખુદ ક્રિસ ગેઇલ કહી ચૂક્યો છે કે ટીમ ઇંડિયા પાસે વિરાટ સિવાય બીજા પણ મેચ વિનર ખેલાડીઓ છે. આમાં ઓપનીંગ બેટ્સમેન રોહિત શર્મા, શિખર ધવન અને સુરેશ રૈનાનો સમાવેશ થાય છે. ખરાબ ફોર્મ છતાં આ ખેલાડીઓ મુંબઇના વાનખેડેમાં પોતાની આક્રમક રમત દર્શાવી શકે છે. ફાસ્ટ બોલિંગમાં આશીષ નેહરા અને જસપ્રીત બુમરાહ ભરોસાપાત્ર છે.
યુવરાજ સિંહ પગની ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયો છે અને તેની જગ્યાએ મનીષ પાંડેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. શક્ય છે કે ધોની અજિંક્ય રહાણેને ટીમમાં સ્થાન આપે.
•••
વેસ્ટ ઇંડિઝની પાસે ક્રિસ ગેઇલ જેવો પોતાની તાકાત પર મેચ જિતાડે તેવો ખેલાડી છે, પરંતુ જો તે ન રમ્યો તો પણ ભારત માટે વિજય આસાન તો નથી જ. વેસ્ટ ઇંડિઝના કેટલાય ખેલાડીઓને આઇપીએલમાં રમવાનો અનુભવ છે અને તેઓ ભારતના માહોલથી વાકેફ છે.
૧) વેસ્ટ ઇંડિઝે ક્રિસ ગેઇલની સાથે આંદ્રે ફ્લેચરને મોકો આપ્યો તો તે પણ આક્રમક ઇનિંગ રમી શકે છે. તેણે શ્રીલંકાની સામે ૬૪ બોલમાં અણનમ ૮૪ રન ફટકાર્યા હતા. તે ૨૭ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચ રમી ચૂકેલો ફ્લેચર અત્યાર સુધી ૧૧૩.૧૬ની એવરેજથી ૫૩૩ રન કરી ચૂક્યો છે.
૨) માર્લોન સેમ્યુઅલ્સ પણ બેહદ અનુભવી ખેલાડી છે. તેણે ઇંગ્લેન્ડની સામે ૩૭ અને સાઉથ આફ્રિકા સામે ૪૩ રન બનાવ્યા હતા.
૩) વેસ્ટ ઇંડિઝનો ડેરેન સૈમી પણ ૬૪ મેચનો બહોળો અનુભવ ધરાવે છે. તેની એવરેજ ભલે ૧૬.૧૨ જેટલી સાધારણ હોય, પણ તેનો સ્ટ્રાઇક રેટ ૧૪૯.૦૧ છે તે નજરઅંદાજ થઇ શકે તેમ નથી.
૪) ડ્વેઇન બ્રેવો વેસ્ટ ઇંડિઝનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તે ૫૯ મેચમાં ૪૬ વિકેટ ઉપરાંત ૧૦૨૯ રન પણ કરી ચૂક્યો છે. આ વર્લ્ડ કપમાં તેણે ૬ વિકેટ ઝડપી છે.
૫) વેસ્ટ ઇંડિઝ તેનો છેલ્લો મેચ અફઘાનિસ્તાન સામે છ રનથી હારી ગયું તો ભારતે પણ ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતવા સંઘર્ષ કરવો પડ્યો હતો.
ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચે અત્યાર સુધી ચાર ટી૨૦ મેચ રમાઇ ચૂક્યા છે. આમાંથી બેમાં ભારત જીત્યું છે અને બેમાં હાર્યું છે. મતલબ કે પલડું ૨-૨થી સરભર રહ્યું છે.
અત્યાર સુધી વિરાટ કોહલીની મદદથી મેચ જીતતા રહેલા ભારતને ફાઇનલમાં પહોંચાડવા માટે રોહિત શર્મા, શિખર ધવન અને સુરેશ રૈનાએ પણ રન કરવા પડશે.
આમ પણ વાનખેડે સ્ટેડિયમની વિકેટ બેટ્સમેન માટે સ્વર્ગસમાન ગણાય છે.

