વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનથી સાઉદી અરેબિયાની મુલાકાતે પૂર્વે જ એક ઘણી મહત્ત્વની ઘટનાએ આકાર લીધો હતો. પાકિસ્તાન સ્થિત ભારતવિરોધી આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ બંધ કરવા સાઉદી અરેબિયાએ અમેરિકા સાથે હાથ મિલાવ્યા છે. આ સંગઠનોમાં લશ્કર-એ-તૈયબાથી લઈને જૈશ-એ-મોહમ્મદ તેમજ આ આતંકી સંગઠનો દ્વારા ચલાવાતી સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સમાવેશ થઈ જાય છે.
અમેરિકા અને સાઉદી વચ્ચે થયેલા કરાર હેઠળ અમેરિકા જ નહીં, ભારતવિરોધી આતંકવાદી સંગઠનોની પણ એક યાદી બનાવવામાં આવી છે. આ કરાર હેઠળ, આ યાદીમાં સમાવાયેલી કોઈ પણ વ્યક્તિ કે સંગઠનની સંપત્તિ અમેરિકામાં હોય તો તેને બ્લોક કરવાની અમેરિકન ઓથોરિટીને સત્તા મળી છે.
બીજી તરફ, સાઉદીએ પણ સંખ્યાબંધ આતંકવાદી સંગઠન અને વ્યક્તિગત લોકોની યાદી બનાવીને તેમને ભીંસમાં લીધા છે. આ યાદીમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા ભારત માટે ખતરારૂપ સંગઠનોનો પણ સમાવેશ થાય છે.
ટેરરિઝમ એન્ડ ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સના એક્ટિંગ અન્ડર સેક્રેટરી એડમ જે. સુબિને જણાવ્યું હતું કે, અલ-કાયદા, તાલિબાનો અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સ્થાનિક લોકો પાસેથી પણ સામાજિક સેવાના નામે આર્થિક ભંડોળ ઊભું કરે છે. આ સંગઠનો ધાર્મિક સેવાકીય સંસ્થાઓના નામે આર્થિક રીતે મજબૂત થાય છે, જેનો ઉપયોગ તેઓ આતંકી પ્રવૃત્તિમાં કરે છે. સાઉદી અને અમેરિકાએ કરેલા કરાર જે લોકો આતંકવાદનું સમર્થન કરે છે તેમને લક્ષ્યાંક બનાવવા માટે કરાયા છે.
સાઉદી અરેબિયા સ્થિત લશ્કર એ તૈયબાના સભ્ય મોહમ્મદ ઇજાજ સરફરાઝ પણ તૈયબાને આર્થિક મદદ કરે છે. સરફરાઝ વર્ષોથી કોઇને કોઇ રીતે તૈયબાને મદદ પહોંચાડે છે. એવી જ રીતે, નાવિદ કમાર અને અબ્દુલ અઝીઝ નુરીસ્તાની પણ તૈયબા માટે આર્થિક ભંડોળ એકત્રિત કરે છે.

