ઇંગ્લેન્ડના હાથમાંથી વિજય છીનવી વેસ્ટ ઇંડિઝ ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન

Wednesday 06th April 2016 06:44 EDT
 
 

કોલકતાઃ સેમ્યુઅલ્સની શાનદાર બેટિંગ અને કાર્લોસ બ્રેથવેઇટના નવ બોલમાં અણનમ ૩૪ રનની મદદથી ઈંગ્લેન્ડને છ વિકેટે કારમો પરાજ્ય આપીને બીજી વખત ટી૨૦ વર્લ્ડ કપ ટાઇટલ પોતાના નામે કર્યું છે. ક્રિકેટચાહકો ઐતિહાસિક ઇડનગાર્ડન સ્ટેડિયમમાં રવિવારે અતિ રોમાંચક મેચના સાક્ષી બન્યા હતા.
ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં જો રુટના ૫૪ રન, જોશ બટલરના ૩૬ રન અને વિલીના ૨૧ રનની મદદથી ૨૦ ઓવરના અંતે નવ વિકેટે ૧૫૫ રન કર્યા હતા. ૧૫૬ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઈન્ડિઝે ૧૯.૪ ઓવરમાં છ વિકેટે ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. ઈન્ડિઝની ટીમ આ પહેલાં ૨૦૧૨માં શ્રીલંકાને હરાવી ચેમ્પિયન બની હતી. તે સમયે પણ સેમ્યુઅલ્સનો રોલ અગત્યનો રહ્યો હતો.
૧૫૬ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઈન્ડિઝે ૧૧ રનના સ્કોરે જ ચાર્લ્સ, ગેઇલ અને સિમન્સની વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે બ્રાવો અને સેમ્યુઅલ્સે ટીમને સંભાળતાં સ્કોર ૮૪ રને પહોંચાડ્યો હતો. આ સમયે રશીદે બ્રાવોને આઉટ કરી ઈંગ્લેન્ડને પાંચમી સફળતા અપાવી હતી. આ પછી રસેલ એક રને અને સેમ્બી બે રને આઉટ થતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
સેમ્યુઅલ્સ અને બ્રેથવેઈટે આ પછી લડત આપતાં ૧૯ ઓવરના અંતે ટીમનો સ્કોર ૧૩૭ રન થયો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમને જીત માટે અંતિમ ઓવરમાં ૧૯ રનની જરૂર હતી ત્યારે ઈંગ્લેન્ડની ટીમ મેચ જીતી જાય તેમ લાગતું હતું. અંતિમ ઓવર બેન સ્ટોક્સને અપાઈ હતી ત્યારે બ્રેથવેઈટે ચાર બોલમાં ચાર છગ્ગા લગાવી વેસ્ટ ઈન્ડિઝની ટીમને ચેમ્પિયન બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ગ્રૂપ સ્ટેજમાં અફઘાનિસ્તા સામે પોતાની અંતિમ મેચ હારી ગયું હતું.
સ્ટોક્સ ભાંગી પડ્યોઃ મોર્ગન
ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને જણાવ્યું હતું કે આઇસીસી ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે છેલ્લી ઓવરમાં કાર્લોસ બ્રેથવેઇટે ફટકારેલી સતત ચાર સિક્સર બાદ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માનસિક રીતે ભાંગી પડ્યો છે. નોંધનીય છે કે વિન્ડીઝને અંતિમ ઓવરમાં વિજય માટે ૧૯ રનની જરૂર હતી અને બ્રેથવેઇટે પ્રથમ ચાર બોલમાં ચાર સિક્સર ફટકારીને ટીમને અકલ્પનીય વિજય અપાવ્યો હતો અને સ્ટોક્સ માથું પકડીને રડી
પડ્યો હતો.
સ્ટોક્સ આ હતાશામાંથી કેવી રીતે બહાર આવશે તેના સંદર્ભમાં મોર્ગને જણાવ્યું હતું કે મારા મતે આ ઘણી સામાન્ય બાબત છે. તે ભાંગી પડે તેમજ હતો. આગામી કેટલાક દિવસો સુધી તેના દિમાગમાં આ બાબતની અસર દેખાશે, પરંતુ અમે હતાશા કે સફળતાના સમયમાં એકબીજાને સમર્થન આપીએ છીએ.
મોર્ગને કહ્યું હતું કે ક્રિકેટ અનિશ્ચિતતાની ક્રૂર રમત છે અને વિન્ડીઝની ઇનિંગ્સમાં મોટા ભાગના સમયે અમારું રમત પર નિયંત્રણ હતું. તેમ છતાં અમારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેઓ મેચની બહાર થઈ ગયા છે.
સેમ્યુઅલ્સ દંડાયો
બીજી વખત ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા બનનારી વેસ્ટ ઇન્ડિઝ ટીમના સ્ટાર ખેલાડી માર્લોન સેમ્યુઅલ્સ પર મેદાનમાં ખરાબ વ્યવહાર બદલ દંડ ફટકારાયો છે. આઈસીસીએ સેમ્યુઅલ્સને આઈસીસીના કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ ૨.૨.૪ના ઉલ્લંઘનમાં લેવલ એકનો દોષિત ગણ્યો હતો એટલે કે સેમ્યુઅલ્સને મેચ દરમિયાન ખરાબ ભાષાના ઉપયોગ અને અન્ય ખેલાડીને અપમાનિત કરવા બદલ દોષિત માન્યો હતો.
ખરેખર આખી ઘટના મેચની છેલ્લી ઓવરની છે કે જ્યારે કાર્લોસ બ્રેથવેઇટે ઇંગ્લેન્ડના બોલર બેન સ્ટોક્સના બોલ પર સતત સિક્સ ફટકારી હતી. એ પછી સેમ્યુઅલ્સે અતિ આક્રમક થતા તેના માટે ખોટી ભાષાનો ઉપયોગ કર્યો. આઈસીસીએ સેમ્યુઅલ્સ પર મેચ ફીના ૩૦ ટકા દંડ ફટકાર્યો છે.
વિન્ડીઝ બોર્ડનો સૂર બદલાયો
ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં બીજી વખત ચેમ્પિયન બનેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ સાથે તેમનું નેશનલ વિન્ડીઝ ક્રિકેટ બોર્ડ હવે આખરે પેમેન્ટ આપવા, કોન્ટ્રાક્ટ તથા પસંદગી જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર સમાધાન કરવા માટે સહમત થયું છે.
ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ જીત્યા બાદ કેપ્ટન ડેરેન સેમ્મીએ ભાવુક નિવેદન કરીને જણાવ્યું કે મેજર ટૂર્નામેન્ટમાં રમવા માટે ભારત આવતા પહેલાં અમારી પાસે ડ્રેસ પણ નહોતા. સેમ્યુઅલ્સે એવું પણ નિવેદન કર્યું હતું કે વિન્ડીઝ બોર્ડ કરતાં બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ) અમને વધારે નાણાં આપે છે.
રવિવારે લગભગ પાંચ કલાકના ગાળામાં બે વર્લ્ડ કપ ટાઇટલ જીતનાર કેરેબિયન ટીમ અંગે વિન્ડીઝ બોર્ડ હવે વલણ બદલી નાખ્યું છે. જોકે વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે તેની ચેમ્પિયન ટીમના ખેલાડીઓને અભિનંદન પણ પાઠવ્યા નહોતા.
વેસ્ટ ઇંડિઝ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ડેવ કેમરને જાહેરાત કરી છે કે આઇપીએલ બાદ તેઓ ખેલાડીઓ સાથે ચર્ચા કરશે અને જૂનમાં કયા ખેલાડીઓને તમામ ફોર્મેટ માટે પસંદ કરવા તેની સમીક્ષા કરશે.


comments powered by Disqus