કચ્છની કૃપાલી લંડનની બેસ્ટ યંગેસ્ટ બસ ડ્રાઈવર

Wednesday 06th April 2016 06:32 EDT
 
 

દેશ સહિત વિદેશમાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વ્યવસાય કે નોકરી અર્થે વસવાટ કરે છે. ગુજરાતનાં અનેક ગામના લોકો સાત સમુદ્ર પાર કરીને વિદેશમાં વસે છે, પણ ગુજરાતી લોકો હંમેશાં પોતાના પુરુષાર્થ અને બુદ્ધિક્ષમતાથી કંઈકને કંઈક કરી બતાવીને પોતાનું નામ ચમકાવતા હોય છે. ત્યારે આવી જ એક કચ્છી પટેલ યુવતી છે જેણે ખરેખર મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
 કચ્છી પટેલ સમાજની ભુજ તાલુકાના માધાપર ગામની એક દીકરીએ લંડનમાં માત્ર કુટુંબનું જ નહીં, પરંતુ ભારતીય મહિલાઓનું માથું પણ ગર્વથી ઉંચું રહે તેવી ડબલ ડેકર બસ ડ્રાઈવરની પડકારરૂપ નોકરી સ્વીકારી છે. એટલું જ નહીં લંડનમાં બેસ્ટ ડ્રાઈવર તરીકેનો એવોર્ડ પણ તેણે મેળવ્યો છે.
 માધાપર ગામની કૃપાલી ભુડિયા બ્રિટનમાં પબ્લિક ટ્રાન્સપોટેશનમાં સરકાર સાથે સાહસ ધરાવતી કંપનીમાં ડબલ ડેકર બસ ચલાવે છે. સામાન્ય અને નાનું લાગતું કામ વાસ્તવમાં કેટલું અઘરું છે, તે લંડનવાસીઓ બરોબર જાણતા હશે. ૧૫ ફૂટની લંબાઇ અને તેટલી જ ઊંચાઇ ધરાવતી આ બસને ફર્સ્ટ સ્ટોપથી લાસ્ટ સ્ટોપ સુધી એક મિનિટ પણ મોડી (કે નિયમ મુજબ વહેલી) ન પહોંચાડવી એ પણ એક કુશળતા છે.
માધાપરમાં જ જન્મેલી અને એમએસવી હાઇસ્કૂલમાં ધોરણ બાર સુધી અભ્યાસ કરનારી કૃપાલીના માતાનો બ્રિટિશ પાસપોર્ટ હોવાથી વર્ષ ૨૦૦૫માં પરિવાર લંડન શિફટ થયો. લંડનમાં ગ્રેજયુએશન કરીને આ કૃપાલીએ મેટ્રોલાઇનમાં બસ ડ્રાઇવર તરીકે એપ્લિકેશન કરી. પ્રેક્ટિકલ અને ‘કે-સ્ટડી’ કે જે ખૂબ અઘરી પરીક્ષા હોય છે તે એક જ ટ્રાયમાં પાસ કર્યા બાદ માત્ર ૨૫માં વર્ષે તેણે જોબ શરૂ કરી.
કંપનીના ૩૧૦ ડ્રાઇવરના સ્ટાફમાં યંગેસ્ટ ઇન્ડિયન ગર્લ ડ્રાઇવર તરીકે કેરિયર શરૂ કરનારી કૃપાલી માત્ર પ્રથમ કચ્છી કે ગુજરાતી નહીં, પણ પ્રથમ ભારતીય છે. લંડનના વેમ્બલી સ્ટેડિયમ, સેન્ટ રાફેલ જેવા વિસ્તારમાં આશરે દરરોજ ૮થી ૧૧ કલાકની શિફ્ટ કરનારી કૃપાલી જણાવે છે કે, મોટા ભાગના પેસેન્જર કાર્ડ ધરાવે છે, પરંતુ જો કાર્ડ ન હોય તો કન્ડકટરની ટિકિટ આપી કેશ કલેક્શનની કામગીરી પણ મારે કરવી પડે છે. સાથે-સાથે સમય પર જ સ્ટોપ પર પહોંચવું પડે. કારણ કે, લંડનના જાગૃત નાગરિકો દસ સેકન્ડ પણ મોડા પડીએ તો ફરિયાદ કરે છે.
બ્રિટનમાં હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું એ જ સિદ્ધિ
બ્રિટનમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ગ્રેજ્યુએટ આસાનીથી થઇ જવાય, પરંતુ હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ખૂબ મુશ્કેલ છે. લંડનમાં કૃપાલીએ હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ તો મેળવ્યું જ છે સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોટેશન કે જેમાં ગવર્નમેન્ટ જરાપણ ચૂક ન ચલાવે તે ૨૪૫ નંબરની ડબલ ડેકર બસ પણ ચલાવી રહી છે.
પિતાએ અખાતી દેશોમાં ડ્રાઇવર તરીકે કામ કર્યું છે
કૃપાળી ત્રણ બહેન, એક ભાઇ વચ્ચે પિતાનો વારસો સંભાળ્યાનું ગૌરવ કરી રહી છે કારણ કે તેના પિતાએ અખાતી દેશોમાં ડ્રાઈવર તરીકે કામ કર્યું છે. કૃપાલીના પરિવારે દીકરી પર ગર્વ કરતાં જણાવ્યું છે કે, બાળપણથી જ કંઇક અલગ કરી બતાવવાની ઇચ્છા રાખતી કૃપાલી આજની યુવતીઓને ખાસ સંદેશ આપે છે કે, કોઇ કામ નાનું કે મોટું નથી. પડકાર દરેક ક્ષેત્રમાં છે, પરંતુ પડકારને જ આદત બનાવી લઇએ તો કંઇ જ મુશ્કેલ નથી.
લંડનમાં સિટી બસ ચલાવવાના નિયમો ડ્રાઇવરે એકદમ જાળવવા પડે છે. સૌથી પરફેક્ટ ડ્રાઇવિંગ કરે તેને ‘ગ્રીન રોડ’ એવોર્ડ મળે છે. આ માટે કંપની ૧૨ મહિના સુધી એક ખાસ કમિટી ડ્રાઇવરના કામને ઓબ્ઝર્વ કરે છે. ડ્રાઇવિંગ દરમિયાન બસની ગતિ નિયત સ્પીડથી વધુ કે ઓછી ન હોય. એક પણ અકસ્માત ન કર્યો હોય. દરેક સ્ટોપ પર નિયત સમયે જ બસ પહોંચી હોય. પેસેન્જર સાથેની વર્તણૂક યોગ્ય હોય જેવા પાસાંઓને આ ઓબ્ઝર્વેશનમાંઆવરી લેવાય છે. આ અવલોકનમાં અવ્વલ રહે તે ડ્રાઈવરને ‘ગ્રીન રોડ’ એવોર્ડ અપાય છે, જે મેળવનારી કૃપાલી પ્રથમ યંગેસ્ટ ગર્લ ડ્રાઇવર છે.
ડ્રાઇવિંગ ટાણે હિન્દી ગીતો ગણગણાવાનો શોખ
સામાન્ય રીતે આજની પેઢી જૂના ગીતો સાંભળવાનું પણ ઓછું પસંદ કરે છે, ત્યારે કૃપાલી કહે છે કે, હું ડ્રાઇવ કરું ત્યારે એકદમ જૂના હિન્દી ગીતો ગણગણું છું. જેનાથી કોન્ફીડન્ટ અને કમ્ફર્ટ મહેસૂસ કરું છું. મુકેશ, લતા મંગેશકર, કિશોરકુમાર, રફી કે ગીતા દત્તના ગીતો માત્ર સંગીત શરૂ થાયને કૃપાલી ઓળખી બતાવે છે કે કર્યું ગીત છે.


comments powered by Disqus