કોટન કાપડમાંથી બનતી કુર્તી હંમેશાં સોબર લાગે છે અને કપડું પહેરવામાં સ્કિન ફ્રેન્ડલી પણ હોય છે. કોટન કાપડના ઘણા પ્રકાર હોય છે અને તેની સાથે ઘણા પ્રકારની લેસનું કોમ્બિનેશન શક્ય હોય છે, પણ હાલમાં કોટન કુર્તી પર નેટની બોર્ડર લગાવવી, નેટનું વર્ક કરાવવું કે નેટનું કવર કરાવવું ઇનટ્રેન્ડ છે. ઉપરાંત સોબર લુક માટે કોટનની કુર્તી પર નેટની લેસ પણ ઘણા ફેશન ડિઝાઈનર લગાવીને કુર્તી તૈયાર કરી રહ્યા છે.
સામાન્ય રીતે પહેલાં સાટિનના કપડાં સાથે નેટનો ઉપયોગ થતો હતો, પણ હવે કોટન સાથે તેનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે વળી, આ પ્રકારનો વસ્ત્રો આકર્ષક પણ લાગે છે.
આમ જોવા જઈએ તો ફેશનનું પુનરાવર્તન થતું જ રહે છે અને આજકાલ નેટની હેવી બોર્ડરના વર્કવાળી કુર્તીઓની ખૂબ જ માગ જોવા મળે છે. કોઇ પણ કાપડ સાથે નેટનો ઉપયોગ એ ખૂબ જૂની ફેશન છે. પહેલાંના સમયમાં અને ફિલ્મોમાં નેટવાળા ડ્રેસનો ઉપયોગ થતો, પણ તે સમયે મોટાભાગે સાટિનના કાપડનો સલવાર અને અસ્તર તરીકે ઉપયોગ વધુ થતો હતો. સમય જતાં ફેશન બદલાઇ છે અને થોડો ફેરફાર થયો છે. તેથી જ હવે કોટનના મટિરિયલ સાથે નેટનો ઉપયોગ થાય છે.
હાલમાં બજારમાં દેખાતી કેટલીક લોંગ કુર્તીમાં કોટન કાપડનો અંદરના ભાગમાં બેઝ તરીકે ઉપયોગ કરાય છે.
તેમાં ક્રશ્ડ કોટન મટિરિયલનો ઉપયોગ વધુ જોવા મળે છે અને તેના ઉપર નેટથી કુર્તી કવર કરવામાં આવે છે. નેટની સાથે કુર્તીના યોકના ભાગમાં, સ્લીવમાં અને કુર્તીના નીચેના એપલકટ ભાગમાં નેટ પર બ્રોકેડના કાપડથી બનાવેલી લેસ ખૂબ જ શોભે છે. આ ઉપરાંત નેટ પર લેધર વર્ક, સ્ટોન વર્ક, મશીન વર્ક, ડલ ટીકી વર્ક કરીને તેને કોટનની કુર્તી પર કવર કરવામાં આવે તો સુંદર લાગે છે.
નેટ ઉપર હાલમાં કચ્છી વર્કની પણ ફેશન છે. જોકે તેના માટે ભારે નેટના મટિરિયલની પસંદગી કરવી જરૂરી છે.
નેટનું મટિરિયલ ખૂબ જ સહેલાઈથી બજારમાં મળી રહે છે અને નેટનો બીજો એક લાભ એ પણ છે કે આમાં લાઇટ અને ડાર્ક બંને રંગનું ડાઇંગ આસાનીથી કરાવી શકાય છે. નેટ પ્લેન હોવાથી કુર્તીમાં ઉપયોગમાં લેવાતા કોટનના બેઝમાં ખાસ પ્રિન્ટેડ મટિરિયલ જ પસંદ કરાય છે.
હાલમાં નેટમાં ગોલ્ડન, બ્રાઉન અને કોપર રંગની લેસનો ઉપયોગ વધારે થાય છે. લેસ વજનમાં હળવી અને શાઇનિંગવાળી હોવાથી તે વધારે ડિમાન્ડમાં છે. કોટન પર ગોલ્ડ પ્રિન્ટનું કવરિંગ કરાય છે અને તેને વધારે હેવી લુક આપવા માટે નેટનું ઓવરલેપિંગ કરી તેને વધારે આકર્ષક બનાવાય છે તેવી કુર્તીનું આકર્ષણ હાલમાં વધુ છે.
ફેશન ટિપ્સ
- કોટન બેઝ્ડ નેટની લોંગ કુર્તી સાથે લેગિન્સ પહેરવાથી તે સોબર અને રિચ લુક આપશે.
- નેટની સ્લીવવાળી કુર્તીમાં મોટા ભાગે ક્રશ્ડ કોટન મટિરિયલનો ઉપયોગ વધારે થાય છે.
- તમે ઇચ્છો તો આ કુર્તીને જીન્સ સાથે પણ પહેરી શકો છો.
- કુર્તીની બોર્ડર અને યોકનો ભાગ નેટ પર હેવી વર્કવાળો હોવાથી તે પાર્ટીમાં પણ પહેરી શકાય છે.
- નેટનું ઓવરલેપિંગ હોવાથી આ કુર્તી ખૂબ જ આકર્ષક લાગે છે અને તમે બીજા કરતા જુદા પણ તરી આવો છો.
- પ્રિન્ટેડ કોટન મટિરિયલ હોવાથી આ કુર્તી તમે કોઇ પણ સીઝનમાં પહેરી શકો છો.
- કોટન બેઝ્ડ નેટની કુર્તીમાં મોટા ભાગે ફ્લોરલ પ્રિન્ટનો ઉપયોગ વધારે થાય છે. હાલમાં આ પ્રિન્ટ ઇન છે.

