ચીનનો પાકિસ્તાનને નહીં, આતંકવાદને સાથ

Tuesday 05th April 2016 09:26 EDT
 

ચીને પાકિસ્તાન સાથેની દોસ્તી નિભાવીને મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રસ્તાવને અવરોધ્યો છે. શું આ ભારતની હાર છે? ના. આતંકવાદના મુદ્દે ભારતનો અભિગમ એકદમ સ્પષ્ટ છે - કટ્ટરવાદને કોઇ ધર્મ હોતો નથી, તેનો સફાયો થવો જ જોઇએ. વોશિંગ્ટનમાં યોજાયેલા ચતુર્થ પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભારતે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આતંકી જાહેર કરીને તેના પર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો તો ચીને ભારતના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. જે લોકો ચીનની નીતિરીતિને જાણે છે - સમજે છે તેમને ચીનના આવા નકારાત્મક અભિગમથી માટે લેશમાત્ર આશ્ચર્ય થયું નથી. એ તો નક્કી જ હતું કે ભારત કોઇ પણ પ્રસ્તાવ રજૂ કરશે ચીન સામા પાટલે જ જઇ બેસશે. દક્ષિણ એશિયાના સંદર્ભમાં ભારત કોઇ પ્રસ્તાવ રજૂ કરે અને ચીન તેનું સમર્થન કરે એવી આશા જ અસ્થાને છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે બહુ ગાઢ દોસ્તી છે. પાકિસ્તાનના શબ્દોમાં જ કહીએ તો ચીન સાથેના તેના સંબંધો મધ કરતાં પણ વધુ મધુરા અને સમુદ્રના પેટાળ કરતાં પણ વધુ ઊંડા છે. સ્વાભાવિક છે કે ચીનને આ સંબંધોનું માન જાળવવાનું હતું, અને તેણે જાળવ્યું પણ ખરાં.
છેલ્લા લાંબા સમયથી ચીન દક્ષિણ એશિયાના રાજકારણમાં હસ્તક્ષેપ વધારી રહ્યું છે. શ્રીલંકા હોય કે પાકિસ્તાન, દરેક સ્થળે તેના પ્રાદેશિક હિતો સંકળાયેલા છે. ચીનના ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે તે પોતાના પ્રાદેશિક હિતોને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. આમાં તે લેશમાત્ર બાંધછોડ કરતું નથી. મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવાના ભારતના પ્રસ્તાવનો વિરોધ પણ આ જ વ્યૂહનો ભાગ ગણી શકાય. ચીનનું વિશાળ આર્થિક હિત પાકિસ્તાનમાં આકાર લઇ રહ્યું છે. તે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરના માર્ગે કાશ્ગરથી ગ્વાદર બંદરગાહ સુધીનો ઇકોનોમિક કોરિડોર બનાવી રહ્યું છે. જો પાકિસ્તાનમાં કોઇ પણ પ્રકારે ચીનવિરોધી માહોલ સર્જાય તો આર્થિક કોરિડોર ખોરંભે પડી જવાનું જોખમ હતું. પાકિસ્તાનમાં દરેક સ્તરે આંતરિક માહોલ પોતાની તરફેણમાં રહે તે ચીન માટે આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.
પાકિસ્તાનની સ્થાનિક પ્રજાને રાજી કરવા માટે પણ જરૂરી હતું કે પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભારત દ્વારા રજૂ થનારા કોઇ પણ પ્રસ્તાવનો તે વિરોધ કરે. વળી, આ પ્રસ્તાવ તો મસૂદ અઝહર સાથે સંકળાયેલો હોવાથી તેનો વિરોધ નક્કી જ હતો. ચીન એ પણ સમજે છે કે પાકિસ્તાનમાં લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત લશ્કરનું પણ આગવું મહત્ત્વ છે અને આ બન્ને ઉપરાંત અનેક સ્વતંત્ર આતંકી સંગઠનો તો ખરા જ. પાકિસ્તાનમાં રહેલા પોતાના આર્થિક હિતોને નુકસાન ન થાય તે માટે ચીન આમાંથી કોઇને પણ નારાજ કરવા નહોતું માગતું.
જોકે ચીને સમજવું જોઇએ કે હત્યા હત્યા જ હોય છે. તેમાં નાની હત્યા કે મોટી હત્યા એવા ભેદ નથી હોતા એમ આતંકવાદ એ આતંકવાદ જ હોય છે, નાનો આતંકવાદ કે મોટો આતંકવાદ એવા ભેદ હોય શકે નહીં. આતંકવાદને કોઇ સંગઠનના નિયમોના ત્રાજવે તોળી શકાય નહીં. આથી જ ચીનનો એ ખુલાસો તથ્યહીન અને તર્કહીન છે કે યુનાઇટેડ નેશન્સના નિયમ અનુસાર મસૂદ અઝહરને આતંકવાદી ઠરાવી શકાય તેમ નહોતો.
ચીને ખરેખર તો અમેરિકા અને ફ્રાન્સમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અમેરિકા પણ ૯/૧૧ પૂર્વે આતંકવાદ માટે આવો જ ભેદભાવભર્યો અભિગમ અપનાવતું હતું. પડોશી દેશ પ્રેરિત આતંકવાદ સામે ભારતે ગળું ફાડી ફાડીને રજૂઆતો કરી હતી, પણ બધું બહેરા કાને અથડાયું હતું. જ્યારે પોતાના પગ તળે રેલો આવ્યો ત્યારે અમેરિકાને સમજાયું કે આતંકવાદ કેવી વિકરાળ સમસ્યા છે. આ જ પ્રકારે જ્યારે ફ્રાન્સમાં હુમલા થયા ત્યારે તેને આ ખતરાની ગંભીરતા સમજાઇ છે. ચીનના કેટલાક વિસ્તારો પણ આતંકવાદગ્રસ્ત છે. તે પણ આતંકવાદનો સામનો કરી રહ્યો છે. આ સંજોગોમાં તેણે આર્થિક સ્વાર્થ છોડીને આતંકવાદના મુદ્દે ભારતના પ્રસ્તાવને સાથ આપવાની જરૂર હતી.
ચીને આતંકી મસૂદ અઝહરના મુદ્દે ભારતને સાથ નથી આપ્યો તો તેનો મતલબ એવો નથી કે ભારત કોઇ મોટી લડાઇ હારી ગયું છે. હા, તેનું આ પગલું નિરાશાજનક અવશ્ય છે. ચીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસ દરમિયાન કહેલા શબ્દો સાંભળવાની અને, વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં, સમજવાની જરૂર છેઃ આતંકવાદ અમારો કે તમારો ન હોય શકે, આતંકવાદ હંમેશા આતંકવાદ જ હોય છે.


comments powered by Disqus