નવી દિલ્હી, મુંબઇ, અમદાવાદઃ સરકાર તંત્રની નજરથી છુપાવીને દરિયાપારના દેશોમાં લઇ જવાતા કાળાં નાણાં અંગેના એક ઘટસ્ફોટે દુનિયાભરમાં હલચલ મચાવી છે. ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઈસીઆઈજે) નામના સંગઠને 'પનામા પેપર્સ'ના નામે કરેલા આ પર્દાફાશમાં જાહેર થયું છે તે પ્રમાણે હિન્દી ફિલ્મઉદ્યોગના શહેનશાહ અમિતાભ બચ્ચન અને ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય સહિત ૫૦૦ ભારતીયોએ વિદેશમાં નાણાં છૂપાવ્યાં છે. તો યાદીમાં ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી અને ડીએલએફના માલિક કે. પી. સિંહ સહિત અનેક જાણીતા નામો જોવા મળે છે.
યાદીમાં ભૂજના પ્રતિષ્ઠિત દાદા જદુરામ ભટ્ટના પરિવારના મહિલા સભ્ય કલ્પના રાવલનું નામ પણ છે. કલ્પના રાવલ કેન્યામાં ડેપ્યુટી ચીફ જસ્ટિસ છે. તેમના પિતા ગુજરાત હાઈ કોર્ટના જજ તરીકે કાર્યરત હતા.
યાદીમાં માત્ર ભારતીયોના નામ નથી. ઘણા દેશોનાં પ્રમુખો, વડા પ્રધાનો, હોલિવૂડની હસ્તીઓ, વિખ્યાત ખેલાડીઓ અને ગુનેગારોનાં નામો પણ છે.
સમગ્ર પ્રકરણ બહાર આવતાં જ ભારત સરકારે તપાસ માટે મલ્ટિ-એજન્સી ટીમ રચી છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન સાથે વાટાઘાટો કર્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી), રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા સહિતની એજન્સીઓના અધિકારીઓની ટીમ બનાવાઇ છે. તે સમગ્ર કેસ ઉપર બારીક નજર રાખશે.
૪૦ વર્ષ જૂની કંપનીના કરતૂત
દુનિયાભરના ધનકુબેરો કાયદાની ચૂંગાલથી બચવા માટે તેમજ સાર્વજનિક નજરથી દૂર પોતાનું કાળું નાણું સાચવવા માટે કેવી તરકીબો લડાવે છે તેનો વરવો પૂરાવો પનામા પેપર્સમાં જોવા મળે છે.
પનામા સ્થિત કંપની મોઝેક ફોંસેકા ૧૯૭૭થી આંતરરાષ્ટ્રીય કાનૂની તેમજ રોકાણ સલાહકાર તરીકે કાર્યરત છે. આમ છતાં છેક આટલા વર્ષે તેની અસલિયત ઉઘાડી પડી છે, જે દર્શાવે છે કે કંપની કેટલી ગુપ્તતા સાથે તેનો કારોબાર કરતી હતી!
૧.૧૦ કરોડ દસ્તાવેજો
૪૦ વર્ષ જૂની આ કંપનીના એક કરોડ ૧૦ લાખ જેટલાં દસ્તાવેજો જાહેર થઈ જતાં દુનિયાભરમાં ધમાલ મચી છે. વિવિધ દેશોના ટોચના રાજકારણીઓ અને જુદા જુદા ક્ષેત્રની હસ્તીઓને સંડોવતા પનામા પેપર્સનો પર્દાફાશ બહુ રસપ્રદ રીતે થયો છે.
છેલ્લાં કેટલાંક સમયથી મોઝેક ફોંસેકાની કાર્યપદ્ધતિ દુનિયાના કેટલાંક પત્રકારો બહુ ઝીણવટપૂર્વક નીરખી રહ્યા હતા.
મોઝેક ફોંસેકા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓએ કંપનીથી છૂટા થતાં પહેલાં જ કંપનીના ૪૦ વર્ષના બેનામી કારોબારના તમામ પુરાવા હાંસલ કરી રાખ્યા હોવાનું મનાય છે.
પત્રકાર સંગઠન દ્વારા પર્દાફાશ
મોઝેક ફોંસેકાનો પર્દાફાશ કરનાર જૂથે પોતાની પાસેની અત્યંત સ્ફોટક માહિતી યોગ્ય રીતે દુનિયા સમક્ષ ઉજાગર થાય, કોઈ તેનો દુરુપયોગ ન કરે અને ખાસ તો આ પુરાવા મેળવનારા સુરક્ષિત રહે એ હેતુથી કોઈ એક મીડિયા હાઉસ પર ભરોસો મૂકવાને બદલે પત્રકારોની આંતરરાષ્ટ્રીય સંસ્થાની મદદથી જ આ કૌભાંડના વટાણા વેરી નાંખ્યા છે.
મોઝેક ફોંસેકાના ઉચ્ચ અધિકારીઓના આ જૂથે એક જર્મન અખબારના માધ્યમથી ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઈસીઆઈજે)નો સંપર્ક કરીને પોતાની પાસે રહેલાં એક કરોડ ૧૦ લાખ જેટલાં દસ્તાવેજો સોંપી દીધા હતા. રવિવારે પત્રકારોના એ સંગઠને દુનિયા સમક્ષ તેનો પહેલો હિસ્સો જાહેર કરતા જ દુનિયાભરમાં હલચલ મચી હતી.
કેમરન પર પસ્તાળ પડી
યાદીમાં બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરનના સદગત પિતા ઇયાન કેમરનનું નામ પણ વાંચવા મળે છે. આ વાત જાહેર થતાં જ વિરોધ પક્ષે ડેવિડ કેમરન પર ટીકાની ઝડી વરસાવી છે. મંગળવારે સેન્ટ્રલ લંડનની મુલાકાત દરમિયાન આ અંગે તેમને પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. બાદમાં તેમના પ્રવક્તાએ આ ‘પ્રાઇવેટ મેટર’ હોવાનો પ્રતિભાવ આપીને આ મુદ્દે વધુ બોલવાનું ટાળ્યું હતું.
લિસ્ટમાં સામેલ જાણીતા નામો
• ભારતીય નામઃ અમિતાભ બચ્ચન (બોલિવૂડ સ્ટાર), ઐશ્વર્યા રાય (બોલિવૂડ સ્ટાર), અશોક ગરવારે (ગરવારે ગ્રૂપ), શિશિર બજોરિયા (બજોરિયા ગ્રૂપ), ઓમકાર કંવર (એપોલો ગ્રૂપ), વિનોદ અદાણી (અદાણી ગ્રૂપ), કે. પી. સિંહ અને તેમના પરિવારના નવ સભ્યો (ડીએલએફ ગ્રૂપ), સમીર ગેહલોત, (એપોલો ટાયર્સ અને ઈન્ડિયા બુલ્સના પ્રમોટર), હરીશ સાલ્વે (નામાંકિત વકીલ), જહાંગીર સોરાબજી (કાનૂનવિદ્ સોલી સોરાબજીના પુત્ર), મોહનલાલ લોહિયા (ઇન્ડો રામા ગ્રૂપ), જાવેરી પૂનાવાલા (રોયલ ઇન્ડિયન ટર્ફ ક્લબ), રાજેન્દ્ર પાટિલ (કર્ણાટકના બિઝનેસમેન), અનુરાગ કેજરીવાલ (લોકસત્તા પાર્ટીના દિલ્હી એકમના અધ્યક્ષ), ઇકબાલ મિર્ચી (મુંબઇનો મૃત ગેંગસ્ટર)
• વિદેશી નામઃ વ્લાદિમીર પુતિન (રશિયન પ્રમુખ), નવાઝ શરીફ (પાકિસ્તાનના વડા પ્રધાન), શી જિનપિંગ (ચીનના પ્રમુખ), હોસ્ની મુબારક (ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ), મુઅમ્મર ગદ્દાફી (લિબિયાના સરમુખત્યાર), બશર-અલ-અસદ (સીરિયાના રાષ્ટ્રપતિ), એસ. ડી. ગુન્નલીગ્સન (આઇલેન્ડના વડા પ્રધાન) ઉપરાંત જેકી ચાન (હોલિવૂડ સ્ટાર), જુઆન પેટ્રો ડેમિયાની (‘ફિફા’), લિયોનેલ મેસ્સી (ફૂટબોલર)
યાદીમાં વિશ્વના ટોચના નેતા
યાદીમાં ૫૦૦ ભારતીય નામો વાંચવા મળે છે, પરંતુ એક પણ ટોચના રાજનેતાનું નામ સામેલ નથી. બીજી તરફ, રશિયા, ચીન, પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશના નેતાઓના નામનો ઉલ્લેખ આ પનામા પેપરમાં વાંચવા મળે છે. યાદીમાં સામેલ અન્ય નામોમાં વ્લાદિમીર પુતિન (રશિયન પ્રમુખ), નવાઝ શરીફ (પાકિસ્તાનના વડા પ્રધાન), શી જિનપિંગ (ચીનના પ્રમુખ), હોસ્ની મુબારક (ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ), મુઅમ્મર ગદ્દાફી (લિબિયાના સરમુખત્યાર), બશર-અલ-અસદ (સીરિયાના રાષ્ટ્રપતિ), એસ. ડી. ગુન્નલીગ્સન (આઇલેન્ડના વડા પ્રધાન) ઉપરાંત જેકી ચાન (હોલિવૂડ સ્ટાર), જુઆન પેટ્રો ડેમિયાની (‘ફિફા’), લિયોનેલ મેસ્સી (ફૂટબોલર) જેવા નામો પણ જોવા મળે છે.
ટેક્સ ચોરી માટે ડીલિંગ્સ કરનારાઓમાં ૧૨ દેશોના વર્તમાન અને ભૂતપૂર્વ પ્રમુખોનો સમાવેશ થાય છે. તેમાં વડા પ્રધાન નવાઝ શરીફના પુત્ર અને પુત્રી, રશિયાના પ્રમુખ પુતિનના સહયોગી, ચીનના પ્રમુખ શી જિનપિંગના સંબંધી વગેરે સામેલ છે.
અન્ય નેતાઓમાં ચીનના ભૂતપૂર્વ વડા પ્રધાન લી પેંગની પુત્રી લી શિઓલિન, ‘ફિફા’ની આચાર સમિતિના સભ્ય યુઆન પેડ્રો દામિયાની, આર્જેન્ટિનાના ફૂટબોલ ખેલાડી મેસ્સી અને તેના પિતાનું પણ નામ પણ છે.
નવા નામો જાહેર થશે?
હાલ જાહેર થયેલા નામોમાં ભારતમાંથી અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, અદાણી તેમજ રશિયા, પાકિસ્તાન, ચીન, બ્રિટન, આસલેન્ડ જેવા ૧૨ જેટલાં દેશોના ટોચના શાસકો સામેલ છે. આમ છતાં, જાહેર થયેલા દસ્તાવેજોની સોફ્ટ કોપીની સાઈઝ ૨.૬ ટેરાબાઈટ્સ છે. એ જોતાં આવનારા દિવસોમાં વધુ કેટલીક જાણીતી હસ્તીઓના નામો જાહેર થઈ શકે છે.
ભારતમાં ‘સીટ’ની રચના
પનામા પેપર્સમાં ૫૦૦ જેટલા ભારતીયોના નામ હોવાની શક્યતા છે એવા અહેવાલો પછી ભારત સરકાર પણ ચોંકી ઊઠી છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ સરકારે વિદેશી બેંકોમાં કાળું નાણું ધરાવતા અને કરચોરી કરતા લોકોની તપાસ કરવા વિવિધ તપાસ એજન્સીઓના એક જૂથની રચના કરી છે. આ તપાસ એજન્સીઓમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી), ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ) તેમજ ફોરેન ટેક્સ એન્ડ ટેક્સ રિસર્ચ (એફટીએન્ડટીઆર)નો પણ સમાવેશ કરાયો છે.
આ કૌભાંડ બહાર આવતા જ નાણા પ્રધાન અરુણ જેટલીએ તાત્કાલિક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની વિગતોથી વાકેફ કર્યા હતા. જેટલીએ કહ્યું હતું કે, આ કૌભાંડની તપાસ કરવા અમે વિવિધ એજન્સીઓના નિષ્ણાતોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચી છે. તેમણે કહ્યું કે પનામા જેવા ટેક્સ હેવન દેશોમાં અનેક ભારતીયો કાળું નાણું ધરાવે છે. આવા લોકોને ગેરકાયદે સંપત્તિ જાહેર કરવા અમે ગયા વર્ષે ‘કમ્પાયલન્સ વિન્ડો’નો પણ લાભ આપ્યો હતો. જોકે, હવે તેનો લાભ નહીં લેનારાએ આ દુ:સાહસની આકરી કિંમત ચૂકવવી પડશે.
કાળાં નાણાંની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’)ના ચેરમેન જસ્ટિસ એમ. બી. શાહે જણાવ્યું હતું કે અમે સમગ્ર યાદીની તપાસ કરાવશું. તેના માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી), આવકવેરા વિભાગ અને ડીઆરઆઈ (ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ને યાદીના આધારે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે.
ખુલાસા શરૂ થઇ ગયા છે
પનામા પેપર્સમાં વિવિધ દેશની હસ્તીઓના નામ આવ્યા પછી ખુલાસા આપવાનો દોર શરૂ થઈ ગયો છે. આ કૌભાંડે ભારતમાં ચર્ચા જગાવવાનું શરૂ કર્યાના ગણતરીના કલાકોમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનની ટીમે આ અહેવાલોને 'સંપૂર્ણ ખોટા' ગણાવ્યા હતા. પનામા પેપર્સના ઉલ્લેખો પ્રમાણે, ઐશ્વર્યા વિદેશી કંપનીઓમાં માલિકી ધરાવે છે, જેમાં બચ્ચન પરિવારના બીજા સભ્યોના નામ પણ સામેલ છે.
પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમના પરિવારજનોના નામ પણ પનામા પેપર્સમાં ઉછળતા રાજકીય વાવાઝોડાનો સામનો કરી રહ્યા છે. આ પેપર્સમાં શરીફના સંતાનો મરિયમ, હસન અને હુસૈનના નામ પણ છે.
આ અહેવાલો પછી પાકિસ્તાનની તહેરિક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાને શરીફ સ્પષ્ટતા કરે એવી માગ કરી છે. શરીફના પુત્ર હુસૈન નવાઝે કહ્યું હતું કે, પનામા પેપર્સમાં અમારું નામ ખોટી રીતે ઉછળ્યું છે. મારી બહેન મરિયમ અમારી વિદેશી કંપનીની ટ્રસ્ટી છે એ વાત અમે પહેલેથી જાહેર કરી છે. ટ્રસ્ટીનો અર્થ કંપનીના માલિક એવો નથી થતો. અમારો પરિવાર કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામેલ નથી.
ચીનના પ્રમુખ જિનપિંગના સાળા દેંગ જિઆનગુઈ અને અન્ય પરિવારજનોના નામ પણ છે. પેપર્સ પ્રમાણે, જિનપિંગ પર પણ હજારો કરોડની સંપત્તિ ટેક્સ હેવન દેશોમાં છુપાવવાનો આરોપ છે.
•••
પનામા પેપર્સઃ ૬૦૦ ડીવીડી ડેટા, ૧.૧૦ કરોડ દસ્તાવેજ
પત્રકારોના આંતરરાષ્ટ્રીય સંગઠન આઇસીઆઇજેએ પનામાની લો ફર્મ મોઝેક ફોંસેકાના દસ્તાવેજ જાહેર કર્યા છે. આઇસીઆઇજે સાથે સંકળાયેલા વિશ્વભરની ૧૦૯ મીડિયા સંસ્થાના સેંકડો પત્રકારોએ ૨.૬ ટેરાબાઇટ ડેટા (આશરે ૬૦૦ ડીવીડી જેટલી માહિતી)નું વિશ્લેષણ કર્યું છે. આ ડેટા ૧૯૭૭થી ૨૦૧૫ વચ્ચેના આશરે ૪૦ વર્ષનો છે. તપાસમાં ૨.૧૪ લાખ પ્રતિષ્ઠાનો સાથે સંકળાયેલા ૧.૧૦ કરોડ દસ્તાવેજોની તપાસ કરાઇ છે અને આગામી દિવસોમાં હજુ વધુ પર્દાફાશ થશે તેમ મનાય છે.
•••
મોઝેક ફોંસેકા અને શેલ કંપનીની કામગીરી
એમએફ જેવા ટૂંકા નામે ઓળખાતી મોઝેક ફોંસેકા કંપની વર્ષ ૧૯૭૭થી કાર્યરત છે અને દુનિયાભરમાં પોતાનો કારોબાર ધરાવે છે. ઈન્ટરનેશનલ બિઝનેસ અને નાણાકીય વ્યવહારો અંગે કાનૂની માર્ગદર્શન આપતી આ કંપની ધનાઢ્યોને પનામા જેવા દેશોમાં બેનામી કંપનીઓ ખરીદવામાં મધ્યસ્થી કરે છે. વિવિધ દેશોમાં ૫૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ ધરાવતી આ કંપની પનામા ઉપરાંત સેશલ્સ ટાપુઓ, બહામા, બ્રિટિશ વર્જીન આઈલેન્ડ સહિતના ટેક્સ હેવન તરીકે જાણીતા દેશોમાં બેનામી સંપત્તિ, બેનામી કંપનીઓ ઊભી કરવામાં મદદરૂપ થાય છે. આ મોડસ ઓપરેન્ડી 'શેલ કંપની' તરીકે ઓળખાય છે.
શેલ કંપની શું છે? કઇ રીતે કામ કરે છે?
સાધારણ રીતે કોઈ કંપની શરૂ કરવા માટે જે તે વ્યક્તિએ પોતાની સ્પષ્ટ ઓળખ આપવી ફરજિયાત હોય છે. શેલ કંપની એ એક એવો કારોબાર છે જેમાં માલિકની ઓળખ છૂપાવી શકાય છે અથવા ભળતાંસળતાં નામે જ એ કંપની ચાલે છે. કેટલીક વાર મોટી કંપનીઓ પણ બીજા કોઈ કારોબારમાં ઝુકાવવા માંગતી હોય અને પોતાની સામેલગીરી જાહેર કરવા ન માંગતી હોય ત્યારે આવી શેલ કંપની બનાવે છે. જેમ કે, કોઈ જાણીતા સેલિબ્રિટી કોઈ મોટી પ્રોપર્ટી ખરીદે ત્યારે પોતાની ઓળખ છૂપાવીને અન્ય કોઈ ફર્મના નામે ખરીદતા હોય છે. આમ કરવું કાનૂની દાયરામાં ગણાય, પરંતુ પનામાના કિસ્સામાં સાવ એવું નથી.
શેલ કંપની કઈ રીતે ગેરકાનૂની?
પનામાના કિસ્સામાં મોટા ભાગના ભારતીયોએ ઓળખ છુપાવીને શેલ કંપનીઓ ખરીદી છે અને એ શેલ કંપનીના માધ્યમથી કાળા નાણાંથી મોટા પાયે બિઝનેસ કર્યો છે. આવી કંપનીઓમાં કરેલું રોકાણ સરકારી જાણકારીમાં નથી હોતું. કેટલીક વખત અંગત પરિવારજનોને પણ તેનાથી બેખબર રખાય છે. હોલિવૂડ સેલિબ્રિટીસ ડિવોર્સ જેવા કિસ્સામાં પત્નીને ઓછામાં ઓછું વળતર આપવું પડે એટલા માટે પણ શેલ કંપનીઓ ખરીદતા હોય છે.
શેલ કંપનીના માલિક તરીકે અસલ વ્યક્તિને સાબિત કરવાનું શક્ય હોતું નથી. આ પ્રક્રિયા વિશ્વના તમામ દેશોમાં ગેરકાયદે છે કારણ કે, ડ્રગ્ઝ માફિયા, ગેરકાનૂની શસ્ત્રોના સોદાગરો, કરચોરો વગેરે માટે શેલ કંપની બહુ જ ફાયદાકારક વિકલ્પ બની રહે છે.
જેમ કે, હાલમાં જ લિકરકિંગ વિજય માલ્યા બેંકોની રૂ. ૯૦૦૦ કરોડની ઉઘરાણીમાં ફસાયા છે. બેંકો તેમની સ્થાવર, જંગમ મિલકત જપ્ત કરીને વસૂલી માટે પ્રયત્નશીલ છે, જે લેણી રકમ કરતાં ખૂબ જ ઓછી છે. હવે ધારો કે, વિજય માલ્યાએ તેમની ઘણીખરી સંપત્તિ શેલ કંપનીઓમાં રોકી છે. આ કારણસર બેંકો એ જપ્ત કરી શકવાની નથી.

