નવી દિલ્હીઃ શું તમે બ્લડ પ્રેશર માપવા માટે સ્માર્ટફોનમાં ઉપલબ્ધ એપનો ઉપયોગ કરો છો? જો આવું હોય તો સાવધાન... અમેરિકાના બાલ્ટિમોરમાં આવેલી જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ઇન્સ્ટન્ટ બ્લડ પ્રેશર નામની ફ્રી મોબાઇલ એપ્લિકેશનનો અભ્યાસ કરીને ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે.
દોઢ વર્ષ પહેલાં રિલીઝ થયેલી આ એપ્લિકેશન અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે કેમ કે એનો ઉપયોગ કરવો પણ સરળ છે. આ એપને ઓન કરીને સ્માર્ટફોન આપણી છાતી પર મૂકવાનો અને કેમેરાના લેન્સ પર આંગળી મૂકવાની એટલે આ એપ આપણું બ્લડ પ્રેશર માપી આપે છે.
સંશોધકોએ ૮૫ લોકો પર આ એપનો પ્રયોગ કરીને જોયું તો ખબર પડી કે ૮૦ ટકા કરતાં પણ વધારે કિસ્સામાં આ એપ ખોટું બ્લડ-પ્રેશર બતાવતી હતી અને મોટાભાગના લોકોને હાઇ બ્લડ પ્રેશરનો ખોટો અલાર્મ આપતી હતી. વધુ આઘાતની વાત તો એ હતી કે અડધા ઉપરાંત લોકો આ એપના રિઝલ્ટ્સ જોઈને જાતે જ હાઇ બ્લડ પ્રેશરની દવાઓ પણ લેવા માંડ્યા હતા.

