રિયાધઃ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુલતાન સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે બેઠક કરીને પાંચ સમજૂતી કરાર કર્યા હતા. આ કરારો પ્રમાણે મોદીએ અઝીઝ સાથે વેપાર વધારવા, રોકાણ વધારવા અને આતંકવાદી સંગઠનોને ભીંસમાં લેવા જેવા વ્યૂહાત્મક સંબંધોની દિશામાં આગળ વધારવાનો સમાવેશ થાય છે. આ મુદ્દે બંને દેશોના વડાએ ચર્ચા પણ કરી હતી.
ભારત અને સાઉદી અરેબિયાએ લેબર ફોર્સ, પરસ્પર રોકાણ વધારીને વેપારી સંબંધો મજબૂત કરવા તેમજ હસ્તશિલ્પના ક્ષેત્રે સહકાર આપવાના કરાર કર્યા છે.
આ ઉપરાંત સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશોએ મની લોન્ડરિંગ સંબંધિત ગુપ્ત માહિતીનું આદાનપ્રદાનમાં સહકાર, આતંકવાદી સંગઠનોને આર્થિક રીતે નબળા પાડવા અને આતંકવાદ સંબંધિત કોઈ પણ ગુનાને લઈને પરસ્પર વ્યૂહાત્મક સહકાર આપવાના પણ કરાર કર્યા છે.
છેલ્લાં સાત મહિનામાં મોદીની કોઈ ખાડી દેશની આ બીજી મુલાકાત છે. ખાડી દેશો ભારત માટે વ્યૂહાત્મક રીતે પણ ઘણાં જ મહત્ત્વના છે. યુએઈ ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે, જેની મોદીએ ઓગસ્ટમાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને કાબૂમાં રાખવા પણ ભારતે સાઉદી અરેબિયા જેવા દેશો સાથે મજબૂત સંબંધ વિકસાવવા પડે એમ છે.
કેરળની મસ્જિદની કૃતિ ભેટ
વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના રાજાને કેરળની ચેરામન જુમા મસ્જિદની પ્રતિકૃતિ ભેટમાં આપી હતી. એવું કહેવાય છે કે, આરબ વેપારીઓએ ઇસ. ૬૨૯માં ભારતમાં સૌથી પહેલાં આ મસ્જિદ બંધાવી હતી. આ મસ્જિદની પ્રતિકૃતિને સોનાનો ઢોળ ચડાવાયો છે એવી વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
કેરળના થ્રિસુર જિલ્લામાં આવેલી આ મસ્જિદ ભારતીયો અને આરબો વચ્ચે હજારો વર્ષોથી વેપાર થાય છે એનો જીવતો જાગતો પુરાવો છે. એવું કહેવાય છે કે, ચેરા વંશનો રાજા ચેરામલ પેરુમલ અરેબિયાના મીનામાં મોહમ્મદ પયગંબર સાહેબને મળીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.
કિંગના શિક્ષક ભારતીય
વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના રાજા સલમાનની હાજરીમાં ભારત અને સાઉદી અરેબિયા કેટલો જૂનો નાતો ધરાવે છે એ વાત યાદ અપાવી હતી. મોદીએ કહ્યું હતું કે, સાઉદીના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝને એક ભારતીય શિક્ષકે ભણાવ્યા હતા.
ભારત અને સાઉદીના સંબંધો ઘણાં મજબૂત છે અને હવે બંને દેશો તેને હજુ વધારે મજબૂત બનાવશે. અમે મેડિકલ ડિવાઈઝના ઉત્પાદન જેવા ક્ષેત્રમાં પણ સાઉદીને આવકારીએ છીએ. ભારતમાં રોકાણ કરવાની જબરદસ્ત તકો છે.
તેમણે કહ્યું હતું કે ભારતનું આરોગ્ય ક્ષેત્ર વિશ્વની સરખામણીએ સૌથી વધારે સ્પર્ધાત્મક છે. હું બંને દેશોના આર્થિક સંબંધને ફક્ત આયાત-નિકાસથી ઘણાં ઉપર લઈ જવાનું આહવાન કરું છું.

