છેલ્લા થોડાક સમયથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વિરોધ પક્ષની પાટલીએ બેસતા કોઇ પણ નેતાનું આ વલણ સહજ ગણી શકાય. વિપક્ષનું કામ જ સરકારના આચારવિચાર, વાણીવર્તન પર નજર રાખવાનું હોય છે. અને આ અસરકારક ભૂમિકા જ તેને, વિપક્ષની પાટલીએ બેસવા છતાં, જનસામાન્યના હિતેચ્છુ તરીકેની પ્રતિભા ઉપસાવવામાં મદદરૂપ થતી હોય છે. જોકે, આવું કરવામાં વાસ્તવિક્તાની ઉપેક્ષા થાય છે કે ઇતિહાસને વિસારે પાડી દેવામાં આવે છે ત્યારે જે તે નેતાની સજ્જતા વિશે, સમજદારી વિશે, જાણકારી વિશે જનતામાં સંશય પેદા થતો હોય છે. યુવા સાંસદ રાહુલ ગાંધીના નિવેદનોએ પણ કંઇક આવા જ રાજકીય વમળો સર્જ્યા છે. તાજેતરમાં અસમમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ જોરશોરથી આક્ષેપ કર્યો હતો કે દેશમાં જ્યાં જ્યાં પણ ભાજપ સત્તા પર આવ્યો છે ત્યાં ત્યાં હિંસક તોફાનોની ઘટના બની છે.
કોંગ્રેસના યુવરાજનું આ નિવેદન દર્શાવે છે કે કાં તો તેઓ દેશમાં થયેલા હિંસક તોફાનોના ઇતિહાસથી પૂરતા માહિતગાર નથી કે પછી જાણકારી ધરાવતા હોવા છતાં જૂઠું બોલી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાજપ શાસિત રાજ્યોમાં હિંસા ફાટી નીકળે છે, પરંતુ પાછલા બે-ત્રણ વર્ષોમાં જે કોઇ રાજ્યમાં હિંસક તોફાનો થયા છે ત્યાં ભાજપનું શાસન છે જ ક્યાં? ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રમખાણો થયા હતા તો ત્યાં મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટીનું શાસન છે. પશ્ચિમ બંગાળમાં હિંસક તોફાનો થયા છે તો ત્યાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. આજકાલ ભારતના નેતાઓમાં જાણે ફેશન ચાલી છે કે વાત હિંસાની હોય કે ભ્રષ્ટાચારની, હરીફ (નરેન્દ્ર મોદી અને ભાજપા) પર તૂટી પડો. રાહુલ ગાંધીએ સમજવાની જરૂર છે કે સ્વાતંત્ર્યકાળથી આજ દિન સુધીમાં ભારત જેટલા પણ હિંસક તોફાનોનું સાક્ષી બન્યું છે, તે દરેક અરસામાં અલગ અલગ રાજકીય પક્ષોની સરકાર રહી છે. કોંગ્રેસના શાસનમાં પણ ખૂબ હિંસા થઇ છે, અને ભાજપના શાસનમાં પણ. સમાજવાદી પાર્ટીના શાસનમાં પણ તોફાનો થઇ રહ્યા છે અને તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં પણ. રાહુલબાબાને કદાચ યાદ નહીં હોય કે ૧૯૬૯ અને ૧૯૮૫માં ગુજરાત હિંસક તોફાનોની આગમાં લપેટાયું હતું ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકારો જ હતી અને આ તોફાનોમાં ૭૦૦થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૧૯૮૦માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદ અને ૧૯૮૭માં મેરઠ જ્યારે હિંસક તોફાનોમાં સપડાયું હતું ત્યારે ત્યાં પણ શાસનધુરા કોંગ્રેસના હાથમાં જ હતી. ઉત્તર પ્રદેશ માટે કલંકરૂપ મનાતા આ બે તોફાનોમાં પણ સેંકડો લોકોએ જિંદગી ગુમાવી હતી. ૧૯૯૨ના મુંબઇ તોફાનો વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. સન ૨૦૦૨માં ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા ત્યારે ભાજપની સરકાર હતી.
અહીં સવાલ એ નથી કે ક્યા પક્ષની સરકાર વખતે કેટલા તોફાનો થયા અને કેટલા લોકો માર્યા ગયા. સવાલ તો એ છે કે ક્યો રાજકીય પક્ષ હિંસાની આગમાં સ્વાર્થની રોટલી નથી શેકતો? ૧૯૮૪માં દિલ્હી-પંજાબમાં થયેલા શીખવિરોધી રમખાણો તો રાહુલ ગાંધીને યાદ હોવા જ જોઇએ. તે સમયે ભારતે ઇંદિરા ગાંધીના રૂપમાં એક સશક્ત રાજનેતા ગુમાવ્યા હતા તો રાહુલે તેના દાદીમાને. ઇંદિરા ગાંધીની હત્યાના પ્રત્યાઘાતરૂપે દેશભરમાં શીખો પર હુમલા થયા હતા ત્યારે ક્યા પક્ષની સરકાર હતી? અને આ હિંસક તોફાનોને રોકવા માટે કોંગ્રેસની તત્કાલીન કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારોએ કેવા પગલાં લીધા હતા? આ હિંસક તોફાનોના ઘા આજે પણ રુઝાયા નથી. દેશની આઝાદી બાદ થયેલા તમામ કોમી રમખાણોમાં મૃત્યુ પામેલા લોકોના કુલ સરવાળા કરતાં પણ વધુ મૃત્યુ માત્ર શીખવિરોધી તોફાનો દરમિયાન થયા છે તે રાહુલ ગાંધીને કોઇએ યાદ કરાવવાની જરૂર છે. રાહુલ એક રાજકીય પક્ષના નેતા છે તેથી રાજકીય શતરંજ રમવાનો તેમને પૂરો અધિકાર છે, પરંતુ કંઇ પણ બોલતા પહેલાં તે અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી લેશે તો એ માત્ર તેમના માટે જ નહીં, તેમના પક્ષ અને દેશના પણ હિતમાં રહેશે. રમખાણો નાના હોય કે મોટા, એક નિર્દોષ તેનો ભોગ બન્યો હોય કે એકસો, આવી ઘટના દેશના કપાળે કાળી ટીલી સમાન છે. ભારત માતાના કપાળેથી આ કલંકને કઇ રીતે મિટાવી શકાય તેની સહિયારી ચિંતા કરવાના બદલે રાજકીય પક્ષો તેમાંથી રાજકીય રોટલા શેકવાના કામે લાગ્યા છે. અત્યાર સુધી, સ્વાભાવિકપણે જ, શીખવિરોધી રમખાણો વિશે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચારનાર રાહુલ ગાંધી આજકાલ અન્ય રાજ્યોના રમખાણો વિશે ગળું ફાડી ફાડીને વાત કરી રહ્યા છે કેમ કે નજરમાં વોટબેન્ક છે. પરંતુ આ યુવા નેતાએ સમજવું રહ્યું કે તમે જ્યારે બીજા સામે એક આંગળી ચીંધો છો ત્યારે બાકીની ત્રણ આંગળીઓ તમારી જાત ભણી જ ચીંધાતી હોય છે.
કોમી રમખાણો માટે રાજકીય પ્રતિસ્પર્ધીના માથે દોષનો ટોપલો ઢોળવાનું વલણ છોડો, દેશમાંથી આ દૈત્યનો સફાયો કરવા તમે શું કરી શકો છો તે જણાવો, અને તેનો અમલ કરો. અન્ય રાજકીય પક્ષોએ પણ આજે નહીં તો કાલે તમારા પગલે ચાલવું જ પડશે.
