કોલકતાઃ વેસ્ટ ઇન્ડિઝ વિમેન્સ ટીમે ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની આઠ વિકિટે હરાવીને પ્રથમ વખત આઇસીસી ટ્વેન્ટી૨૦ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું ગૌરવ હાંસલ કર્યું છે. વિન્ડીઝના વિજયમાં ઓપનર હિલી મેથ્યૂઝ (૬૬) તથા સ્ટેફેની ટેલરે (૫૯) મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે ૧૨૦ રનની ભાગીદારી નોંધાવી હતી.
રવિવારે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે ૧૪૮ રન કર્યા હતા. જવાબમાં વિન્ડીઝે ૧૯.૩ ઓવરમાં બે વિકેટના ભોગે વિજય મેળવી લીધો હતો. કેરેબિયન કેપ્ટન સ્ટેફેની ટેલર માટે રવિવારનો દિવસ બેવડી ખુશીનો રહ્યો હતો. તેણે વિન્ડીઝને પ્રથમ વખત ટી૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું છે અને તે પોતે પણ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીતવામાં સફળ રહી હતી. તેણે ટૂર્નામેન્ટમાં કુલ ૨૪૬ રન બનાવવા ઉપરાંત આઠ વિકેટ ઝડપી હતી. હિલી મેથ્યૂઝને પ્લેયર ઓફ ધ મેચ બની હતી.
હાઇએસ્ટ રનચેઝઃ વેસ્ટ ઇન્ડિઝે બે વિકેટે ૧૪૯ રન બનાવીને લક્ષ્યાંક હાસલ કર્યો હતો, જે ટી૨૦ વર્લ્ડ કપ માટે વિક્રમજનક રનચેઝ બની ગયો છે. મેથ્યુઝે ૪૫ બોલમાં છ બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે ૬૬ રન તથા ટેલરે ૫૭ બોલમાં છ બાઉન્ડ્રી વડે ૫૯ રન બનાવ્યા હતા.
સૌથી મોટો સ્કોરઃ ઓસ્ટ્રેલિયાની એલિસ વિલાની (૫૨) તથા કેપ્ટન મેગ લેનિંગ (૫૨)ની અડધી સદી વડે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે ૧૪૮ રન બનાવીને વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાના જ સર્વશ્રેષ્ઠ સ્કોરના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

