લંડનઃ આધુનિક જીવનશૈલીના કારણે થતાં ભાવિ રોગોને ટાળવા નવી ‘વન યુ’ હેલ્થ કેમ્પેઈન આરંભ કરાઈ છે, જેમાં સમગ્ર ઈંગ્લેન્ડની સાઉથ એશિયન કોમ્યુનિટીઝને આવરી લેવાશે. ‘વન યુ’નો હેતુ આ કોમ્યુનિટીઝના પુખ્ત અને ખાસ કરીને મધ્ય વયના લોકો પોતાના આરોગ્ય પર સંપૂર્ણ અંકુશ મેળવી અત્યારે અને પાછલી જીંદગીમાં નોંધપાત્ર લાભ માણે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે.
સામાન્ય વસ્તીની સરખામણીએ સાઉથ એશિયન લોકો ટાઈપ-ટુ ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્ટ્રોકના ટાળી શકાય તેવા રોગોનું ભારે જોખમ ધરાવે છે. આધુનિક જીવનશૈલીના કારણે લોકોને સ્વસ્થ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે, મોટા ભાગનો સમય ભોજન, નોકરીમાં બેઠાડું કામકાજ અથવા લાંબી અવરજવરમાં જાય છે. ‘વન યુ’ લોકોને તેમની લાઈફસ્ટાઈલના વિકલ્પો વિચારવા સાથે વધુ વિલંબ થાય તે પહેલા સ્વાસ્થ્ય વિશે કશું કરવાની તક આપે છે.
લોકો પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડી પળો કાઢી આપણે જેને ભાગ્યે જ ગંભીર ગણીએ છીએ તેવો મહત્ત્વનો પ્રશ્ન ‘હાઉ આર યુ?’ પોતાની જાતને જ પૂછે તેનું પ્રોત્સાહન આપતા ધ હેરી બાઈકર્સ, એક્ટ્રેસ લિન્ડા રોબસન અને ફૂટબોલ નિષ્ણાત ક્રિસ કામારા જેવા સેલિબ્રિટીઝ સાથે જીપી અને બ્રોડકાસ્ટર
ડો. રાધા મોડગીલ પણ સામેલ થયાં છે. તેઓ લોકોને નવી ‘હાઉ આર યુ?’ ઓનલાઈન ક્વિઝનો સાથ લઈ જીવનમાં તંદુરસ્ત પરિવર્તન લાવવામાં મદદ કરશે.
જીપી અને બ્રોડકાસ્ટર ડો. રાધા મોડગીલે જણાવ્યું હતું કે,‘મને ‘વન યુ’ને સપોર્ટ કરવાનો આનંદ છે. આ અદ્ભૂત અભિયાન લોકોને વર્તમાન અને ભવિષ્યમાં પણ તેમના આરોગ્ય અને સ્વાસ્થ્યને લાભ મળે તેવા સાદા ફેરફાર કરવાની શક્તિ આપે છે. સાઉથ એશિયન લોકોને અસર કરતા અને તેમના સક્રિય જીવનને ટુંકા બનાવતાં ઘણાં રોગને વધુ સક્રિયતા, સારો આહાર, શરાબ ઓછો લેવો અને ધૂમ્રપાન છોડવું જેવાં સરળ સ્વાસ્થ્યપ્રદ ફેરફારોથી અટકાવી શકાય છે. ‘હાઉ આર યુ?’ ક્વિઝ આરોગ્ય પર નિયંત્રણ સ્થાપવામાં મદદ કરી શકે છે. તમારી જ સંભાળ લેવા માટે સમય કાઢવો મહત્ત્વપૂર્ણ છે કારણકે પરિવારને પણ તેના લાભ જણાશે.’
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નેશનલ ડિરેક્ટર પ્રોફેસર કેવિન ફેન્ટને જણાવ્યું હતું કે, ‘સૌપ્રથમ વખત પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ એવું અભિયાન ચલાવી રહ્યું છે, જે પુખ્ત લોકો પોતાનું આરોગ્ય સુધારવા શું કરી શકે તે તમામ બાબતો વિશે તેમની સાથે પ્રત્યક્ષ વાતચીત કરશે. લાંબા કલાકો કામકાજ કરવું અને નોકરીના સ્થળે સતત બેસી રહેવું જેવી બાબતો વિશે સ્વાસ્થ્યપ્રદ પસંદગી કરવી લોકો માટે ઘણી મુશ્કેલ છે.
સાઉથ એશિયન લોકો ‘હાઉ આર યુ?’ ઓનલાઈન ક્વિઝમાં જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. આ ક્વિઝમાં લોકોને આદતો, આરોગ્ય અને તેમને કેવું લાગે છે તેવાં સરળ પ્રશ્નો પૂછાય છે. આ પછી તેમને સ્કોર સાથે આરોગ્ય સુધારવામાં મદદ બાબતે સૂચનો અપાય છે.’ ‘વન યુ’ લોકોને ગતિશીલતા, સારો આહાર, ઓછું શરાબપાન અને ધૂમ્રપાનમુક્ત થવામાં મદદ કરે છે. લોકો પોતાનું તણાવનું સ્તર ઘટાડે અને સારી નિદ્રા મેળવી શકે તેના પણ સલાહ-સૂચનો આપે છે. આ અભિયાનને ઉત્સાહિત પાર્ટનર્સનો સપોર્ટ છે.
‘વન યુ’ હાઈ સ્ટ્રીટ, સ્થાનિક સેવા, ફાર્મસી અને જીપી સર્જરીઝ કે ઓનલાઈન ખરીદી સહિત લોકોની દૈનિક જીંદગીનો હિસ્સો બનશે. વધુ માહિતી અને ‘How Are You?’ ઓનલાઈન ક્વિઝમાં સામેલ થવા ‘One You’ની ઓનલાઈન સર્ચ કરો અથવા www.nhs.uk/oneyou/hayની મુલાકાત લો.

