કોઇ પણ સંસ્થા માટે વાર્ષિક સ્થાપના દિનની ઉજવણી હંમેશા ઉમંગ-ઉલ્લાસનો માહોલ લઇને આવતી હોય છે, પણ કોંગ્રેસ માટે ૧૩૧મા સ્થાપના દિનની ઉજવણી કંઇક અંશે કડવાશભરી બની રહી. રંગમાં ભંગ પાડવાનું આ કામ કર્યું છે પક્ષના મુખપત્ર ‘કોંગ્રેસ દર્શન’એ. મુંબઇ કોંગ્રેસ દ્વારા પ્રકાશિત થતી આ પત્રિકામાં સ્વ. વડા પ્રધાન જવાહરલાલ નેહરુની કાશ્મીર, ચીન અને તિબેટની નીતિ પર તો સવાલ ઉઠાવાયા જ છે, સાથોસાથ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પિતાને ફાસીવાદી સૈનિક ગણાવાયા છે. લેખમાં સોનિયા ગાંધી માટે થયેલી આવી ટિપ્પણી તો ભારતના કોઇ વિરોધ પક્ષે પણ ભાગ્યે જ કરી હશે! ‘કોંગ્રેસ દર્શન’માં પ્રકાશિત લેખમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો સરદાર વલ્લભભાઇ પટેલની વાત જવાહરલાલ નેહરુએ માની હોત તો કાશ્મીર, ચીન, તિબેટ અને નેપાળની હાલત આજે છે તેવી ન હોત અને હિન્દુસ્તાનનો ઇતિહાસ જ કંઈક અલગ હોત. ભૂતપૂર્વ મુંબઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને એક વેળા શિવ સેના સાથે જોડાયેલા ફાયરબ્રાન્ડ સાંસદ સંજય નિરુપમના તંત્રીપદે આ મુખપત્ર પ્રકાશિત થાય છે. સંજય નિરુપમ ખુદ એક સમયે `દોપહર કા સામના' જેવા અખબારના તંત્રી રહી ચૂક્યા છે. અત્યારે તો કોંગ્રેસે સામયિકના ઇન્ચાર્જ તંત્રીને ગડગડિયું પકડાવી દઇને વિવાદનો વંટોળ શમાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ વાસ્તવિક્તા તો એ છે કે લેખમાં રજૂ થયેલી તમામ વાત જગજાહેર છે. હા, કોંગ્રેસ હંમેશા તેને છુપાવવા પ્રયાસ કર્યો છે તે અલગ વાત છે. લેખકે તો ઇતિહાસને જ પારદર્શક રીતે રજૂ કર્યો છે, પણ તેઓ સ્થળ અને સમય ચૂકી ગયા હોય તેમ જણાય છે. આ લેખ કોંગ્રેસના સ્થાપના દિન ૨૮ ડિસેમ્બરે પ્રકાશિત થયો હોવાથી પણ ભારે હોબાળો મચ્યો છે.
કોંગ્રેસને ‘સચમૂચ વો સરદાર થે...’ શિર્ષકવાળો આ લેખ ભલે ગમે કે ન ગમે, પણ લાખ પ્રયાસો છતાં સત્યને ક્યારેય નકારી કે છુપાવી શકાતું નથી તે વાત પક્ષના મોભીએ સમજી લેવાની જરૂર છે. નેહરુએ સરદાર પટેલનું કહેવું સાંભળ્યું હોત તો કાશ્મીર પ્રશ્ન ઉભો જ ન થયો હોત. આજે આ વણઉકેલ પ્રશ્ન ભારતને કેટલો સતાવે છે તે આખી દુનિયા જાણે છે. ૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામે ભારતને કારમો પરાજય સ્વીકારવો પડયો. સદીઓથી દેશની ઉત્તર સીમાએ ઢાલની જેમ ઊભેલા તિબેટ જેવા મિત્રદેશને ગુમાવવો પડયો હતો. પૂર્વોત્તરમાં ચીન આજે પણ ભારતને સતત સળી કરતું રહ્યું છે. આ બધી ભૂલો ભારતને બહુ ભારે પડ્યાની વાત ઇતિહાસમાં નોંધાયેલી છે, આમ છતાં અત્યાર સુધીની તમામ કોંગ્રેસ સરકારોએ સતત તેનો ઢાંકપિછોડો કર્યો છે. પરંતુ હવે ધીમે ધીમે સત્ય ઉજાગર થઇ રહ્યું છે, અને આની શરૂઆત જાણ્યા - અજાણ્યે તેના ખુદના જ મુખપત્ર દ્વારા થઇ છે.
