જાન્યુઆરી ગુજરાતને માટે ‘ઉત્સવોનો મહિનો’ બની રહે છે. હમણાં ૧૪ જાન્યુઆરી આવશે એટલે સાબરમતી કિનારે પતંગોની આકાશી દુનિયા સરજાશે. મકર સંક્રાંતિએ જે સંક્રમણ થાય તેને પ્રજાએ પરંપરામાં જાળવી રાખ્યું છે, ‘ઉત્તરાયણ’ નદી કિનારે અર્પણ-તર્પણનો તહેવાર પણ છે!
ગુજરાતમાં આજકાલ સાહિત્ય પણ ઉત્સવનું માધ્યમ બન્યું છે! યુનિવર્સિટીએ એક કરોડ રૂપિયાના ખર્ચે ‘સાહિત્યોત્સવ’ ઊજવ્યો તેની પાછળની કહાણી એવી છે કે સરકારે આ રકમ ફાળવી હતી અને ભાષા સાથે સંકળાયેલા વિભાગે તેનો ખર્ચ કરવાનો હતો. પણ તેની પાસે કોઈ વ્યવસ્થા નહોતી એટલે ગુજરાત યુનિવર્સિટીએ તેની તક મેળવી લીધી.
આઠમી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે કેટલાક સાહિત્યપ્રેમીઓ અમદાવાદના કનોરિયા આર્ટ સંકુલમાં ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ ઊજવે છે. ચીલાચાલુ રહેવાને બદલે તેમાં કાંઈક નવું આપવા-માણવાનો આશય હોવાથી યુવા પેઢીને તેનું આકર્ષણ થાય છે. ત્રણેક વર્ષથી ચાલતા આ ઉત્સવમાં આ વખતે ‘ફિલ્મ અને સાહિત્ય’ જેવા રસપ્રદ વિષયની ૧૫-૧૭ સત્રોમાં ચર્ચા અને પ્રસ્તુતિ થવાની છે. લોર્ડ મેઘનાદ દેસાઈ તેનો પ્રારંભ કરાવશે.
આમાંનું એક સત્ર તો ‘વાર્તાગુરુ’ વિશેનું છે! બ્રિટન અને ગુજરાત સહિત દેશવિદેશે સ્થાયી થયેલા ગુજરાતી સાહિત્યપ્રેમીઓને બરાબર યાદ છે કે ૧૯૬૦ના બે દાયકા દરમિયાન ગુજરાતી નવલિકા અને નવલકથાનું મોટા પાયે ખેડાણ થયું. પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોષી, રાજેન્દ્ર શાહ, ચંદ્રકાન્ત બક્ષી, શિવકુમાર જોશી, સુરેશ જોશી, ધૂમકેતુ, ગુલાબદાસ બ્રોકર, ગુણવંતરાય આચાર્ય, મોહમ્મદ માંકડ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, હરીન્દ્ર દવે, મધુ રાય, આદિલ મનસુરી, શેખાદમ આબુવાલા, રઘુવીર ચૌધરી અને બીજા અનેક સાહિત્યકારોની કલમનો ગુજરાતી પ્રજાને અંદાજ મળતો હતો. સામયિકો, પરિષદો, સન્માનથી ગુજરાત ગાજતું-ગરજતું. ‘ગુજરાતની અસ્મિતા’ના ઉદ્ઘોષક કનૈયાલાલ મુનશીએ મુંબઈમાં ‘ભારતીય વિદ્યાભવન’ની પ્રવૃત્તિનો વિસ્તાર કરવા ઉપરાંત ‘કૃષ્ણાવતાર’ જેવી મહાનવલ પણ રચી હતી. મકરંદ દવે ત્યારે મુંબઈનિવાસી હતા. કુંદનિકા કાપડિયા ‘નવનીત’ ચલાવતા. મરીઝ, અમૃત ઘાયલ, ‘બેફામ’ જેવા શાયરોની બોલબાલા હતી. માધવસિંહ સોલંકી અને સનત મહેતા જેવા રાજકીય મહાનુભાવો પણ ક્યારેક આવા મુશાયરામાં આવી પહોંચતા અને વિધાનસભા-ચર્ચાઓમાં શાયરીનો યે ઉપયોગ કરતા!
યુનિવર્સિટીઓ પાસે ડોલરરાય માંકડ, ઈશ્વરભાઈ પટેલ, ઉમાશંકર જોશી જેવા ખરા અર્થમાં વિદ્યાપ્રેમની ઊંચાઈ ધરાવનારા કુલપતિઓ હતા. યશવંત શુક્લ, બી. કે. મજમુદાર, મગનભાઈ દેસાઈ, એસ. આર. ભટ્ટ, એસ. ડી. દેસાઈ, પુ. ગ. માવળંકર જેવા શિક્ષણકારો અને અમૃતલાલ હરગોવનદાસ જેવા ‘શ્રેષ્ઠી’ઓએ ગુજરાતની ચિંતા કરીને તેને બધી રીતે સમૃદ્ધ કરવામાં કસર છોડી નહોતી. રાજકારણમાં ત્યારે પક્ષે-વિપક્ષે ડો. જીવરાજ મહેતા, જયંતી દલાલ, એચ. એમ. પટેલ, બાબુભાઈ જ. પટેલ, ભાઈકાકા, સનત મહેતા, જસવંત મહેતા, વજુભાઈ શુક્લ, હરીસિંહ ગોહિલ, વસંતરાવ ગજેંદ્ર ગડકર જેવા વિચક્ષણ રાજનેતાઓ હતા.
એવા સમૃદ્ધ વર્ષોમાં ગુજરાતી પત્રકારત્વ સંપૂર્ણ ધંધાદારી અને સજ્જતામાં ઓછા દેખાઈ આવે તેવા પત્રકારોથી ઘેરાયેલું નહોતું. વાસુદેવ મહેતા, નીરુભાઈ દેસાઈ, દેવેન્દ્ર ઓઝા, રવિશંકર મહેતા જેવા સુપ્રતિષ્ઠ પત્રકારો હતા. અખબાર માલિકો ગુજરાતી પત્રકારત્વ અને જાહેરજીવનની ખેવના કરતા. પત્રકારત્વની સાથે જ ‘સાહિત્યનાં પત્રકારત્વ’ની શાનદાર પરંપરા હતી. ‘સંસ્કૃતિ’, ‘કુમાર’, ‘નવચેતન’, ‘એકદ્’, ‘ઉદ્દેશ’, ‘સ્ત્રીજીવન’, ‘અખંડ આનંદ’ તો હતાં જ, ‘ચાંદની’ ‘આરામ’ જેવાં સામયિકો ગુજરાતી નવોદિત વાર્તાકારોની તાલીમ શાળા જેવા બની ગયેલાં. તેમાંના એક સ્વ. અશોક હર્ષ. ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના એક ચર્ચાસત્રમા તેમનાં વિશે વકતવ્યો અપાશે. અશોક હર્ષનાં પછી આ સામયિકનું સંપાદનપદ મેં સંભાળ્યું હતું, તેમાં લખનારાં અસંખ્ય લેખકોમાંના એક નયનાબહેન નકુમ હવે યુકેમાં છે અને ‘ગુજરાત સમાચાર’નાં નિયમિત વાચક છે.
ગુજરાત સરકાર આ વર્ષે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ સોમનાથમાં રાજ્યસ્તરે ઊજવશે. સ્વાભાવિક રીતે તે સાંજ ‘જય સોમનાથ!’ના ઇતિહાસની પ્રસ્તુતિની બની રહેશે. રાજ્યપાલશ્રી અને મુખ્ય પ્રધાન બંને તેના દર્શક હશે!
•••
લંડનમાં ‘રંગીલું ગુજરાત’ ગુજરાત-ઉત્સવ લંડનમાં યે?
હા. આંખોમાં છલકતા ઉત્સાહ અને રણકતા અવાજે, એક દિવસે અહીં અમદાવાદમાં ત્રણ યુવા કલાકાર મને વિગતો આપી રહ્યા હતા. તેમની ઈચ્છા લંડનમાં ‘રંગીલું ગુજરાત’ ઊજવવાની છે! ઓગસ્ટની ૨૦-૨૧ તારીખો તેમણે નક્કી કરી નાખી છે. બ્રિટીશ ગુજરાતીઓ અને બીજા સમુદાયોને તેઓ આ બે દિવસને માટે એકઠા કરશે. સાહિત્ય, પ્રવાસન્, વિરાસત, ઇતિહાસ, સંગીત, વ્યવસાય, ઉદ્યોગ, ફેશન.. દરેક ક્ષેત્ર આવરી લેવાયાં છે. ૪૦,૦૦૦થી વધુ પ્રેક્ષકો ઉમટશે તેવી આશાથી ઊભરાતા આ ઉત્સવને ખરા અર્થમાં ‘રંગભર્યા ગુજરાત’ તરીકે પલટાવવાની આ મિત્રોની મથામણ અને મહેનત છે. તેમણે કહ્યું કે લંડનમાં એબીપીએલ પ્રકાશન અને ‘સીબી સાહેબ’નો અમોને સધિયારો છે. તેમના નામ છે પ્રીતિ વરસાણી, મીરા સલાટ અને પાર્લે પટેલ. ત્રણેના મૂળિયાં ગુજરાતમાં છે. પ્રીતિએ લોકસાહિત્યની સરવાણી વહેતી રાખી છે. ‘એક’ દિ ભૂલો પડ્ય ભગવાન, સોરઠ દેખાડું શામળા...’ તેણે ગાયું તો લાગ્યું કે અરે, આ તો મારા સોરઠની જ કન્યા! જનમી છે લંડનમાં, પણ ગુજરાતની સંસ્કૃતિ અને છેક વૈદિક જીવનશૈલી સુધીની પ્રસ્તુતિની તેની ખેવના આનંદિત કરી મૂકે તેવી છે.
રેડ લોટસ ઇવેન્ટ્સ લિમિટેડના મંચ હેઠળ તેણે અને મીરાએ ‘સ્વરાજ મારો અધિકાર’ શીર્ષકે ભારતીય સ્વાતંત્ર્ય જંગની સંગીતમય નૃત્ય પ્રસ્તૃતિ કરી હતી, લંડનમાં. તેના કેટલાંક અંશો મેં નિહાળ્યા ત્યારે ગૌરવ થયું કે ચાલો, નવી પેઢી પાસે ભારત-ભક્તિની સંવેદના જળવાયેલી પડી છે. મીરા પણ જન્મી છે લંડનમાં, પણ પ્રીતિ અને તેની વતનશૈલી કચ્છના છે. કુમુદિની લાખિયા અને બીરજુ મહારાજના પગલે તેણે કથ્યક નૃત્યને પોતાના જીવનરંગમાં બદલાવ્યું છે. ૨૦૧૧થી ‘મીરા પરફોર્મિંગ આર્ટ્સ’ની સ્થાપના કરીને સ્વરાજ, સાવન, નટવરી, સ્વરૂપ જેવા શીર્ષકે બ્રિટનમાં સાંસ્કૃતિક વાતાવરણ સર્જ્યું છે.
ત્રીજા આયોજક ‘પાર્લે’ છે. બીબીસી સહિતનો તેનો અનુભવ છે. વિવિધ કલાક્ષેત્રોનાં શિખર સર કરનાર પાર્લે અને પ્રીતિ-મીરા વીતેલા સપ્તાહે ગુજરાતમાં હતાં. તેમની હોંશ ‘અદ્ભુત અને અનોખાં’ ગુજરાતને ઓગસ્ટમાં યુકેમાં પ્રસ્તુત કરવાની છે. અત્યાર સુધીમાં વિદેશોમાં થયેલા ગુજરાત ઉત્સવો ખાણીપીણી અને મેળાવડા જેવા રહ્યાની ફરિયાદ ઘણાની છે. પણ મીરા અને પ્રીતિ જે દૃઢતા તેમ જ સમજથી પોતાની મહત્ત્વાકાંક્ષાને આકાર આપી રહી છે તે જોતાં લાગે છે કે યુકેમાં આ એક ઐતિહાસિક અવસર બની જશે.

