રસ્કિન બોન્ડ
હું ટ્રેનમાં બેસી બહારગામ જઈ રહ્યો હતો ત્યારે એક યુવતી મારા કોચમાં પ્રવેશી. તેને તેનાં મમ્મી-પપ્પા મૂકવા આવ્યા હોય એવું લાગતું હતું. તેમને દીકરીની વધારે પડતી ચિંતા હોય તેવું લાગતું હતું. મૂકવા આવેલી સ્ત્રીએ યુવતીએ વિવિધ પ્રકારની સૂચનાઓ આપી જેમ કે તેણે પોતાનો સામાન ક્યાં રાખ્યો, બારીની બહાર હાથ ન કાઢવો અને અજાણી વ્યક્તિ સાથે વાત કરવાનું કેવી રીતે ટાળવું... તેઓએ આવજો કહ્યું. ગાડી સ્ટેશન છોડીને રવાના થઈ ગઈ.
તે સમયે હું સંપૂર્ણ અંધ હતો. મારી આંખો પ્રકાશ અને અંધકાર પારખવા અક્ષમ હતી. આમ, યુવતી કેવી લાગતી હતી તે કહેવા તો હું સમર્થ નહોતો, પણ જેવી રીતે તે ચાલી રહી હતી તેના પરથી હું જાણી ગયો હતો કે તેણે સ્લીપર પહેર્યાં હતાં. તેના દેખાવ વિશે જાણતાં મને થોડોક સમય લાગે તેમ હતો, પરંતુ મને તેનો અવાજ અને સ્લીપરનો અવાજ ગમ્યો હતો.
મેં પૂછ્યું, ‘તમે દહેરાદૂન જઈ રહ્યા છો?’
હું કદાચ અંધારા ખૂણામાં જ બેઠેલો હોઈશ કારણ કે મારા અવાજથી તે ચમકી ગઈ હતી. તેણે આશ્ચર્યચકિત થતાં કહ્યું, ‘અહીંયા કોઈ છે, તે હું જાણતી ન હતી.’ ઘણી વખત એવું બને છે કે જેની દૃષ્ટિ સારી હોય તે પોતાની સામે શું છે તે જોવામાં નિષ્ફળ જાય છે. હું ધારું છું કે આવા લોકોએ ઘણું બધું માની લેવાનું હોય છે. લોકો જોઈ ન શકતા હોય (ઓછું જોઈ શકતા હોય) તેમને જરૂરી હોય તે માની લેવું પડે છે અને તેમની બાકીની ઈન્દ્રિયો પર જે કંઇ અસર પડે તેનાથી તેઓ ધારણા કરતા હોય છે.
મેં કહ્યું કે, ‘મેં પણ તમને જોયા નથી, પણ તમે અંદર આવ્યાં એનો અવાજ સાંભળ્યો હતો.’
મને એ આશ્ચર્ય થતું હતું કે હું પ્રજ્ઞાચક્ષુ છું એ વાત તેનાથી છૂપાવીશ કે કેમ. મેં વિચાર કર્યો કે હું મારા સ્થાને બેસી રહું તો મને કોઈ તકલીફ પડે તેમ ન હતી.
યુવતીએ કહ્યું, ‘હું સહરાનપુર ઊતરી જવાની છું. મારા કાકી મને ત્યાં મળવાના છે.’
‘તો પછી મારે વધુ પરિચય કેળવવાની જરૂર નથી.’ મેં કહ્યું. ‘કાકીઓ સામાન્ય રીતે ડરામણી હોય છે.’
તેણે પૂછ્યું, ‘તમે ક્યાં જાઓ છો?’
‘દહેરાદૂન અને પછી મસૂરી.’
‘અરે, તમે કેવા નસીબદાર છો. મને એમ થાય છે કે હું મસૂરી જતી હોત તો કેવું સારું હતું. મને પર્વતીય પ્રદેશ ખૂબ ગમે છે. ખાસ તો ઓક્ટોબરમાં...’
‘હા, આ સમયગાળો શ્રેષ્ઠ છે.’ સ્મૃતિઓ તાજી કરતાં મેં કહ્યું અને ઉમેર્યું, ‘પર્વતીય પ્રદેશ જંગલી ફૂલોથી આચ્છાદિત હોય છે. સૂર્યનો તડકો આહલાદક લાગે છે અને રાત્રિના સમયે તમે વુડ ફાયર સામે બેસીને થોડીક બ્રાન્ડીની મજા પણ માણી શકો છો. મોટા ભાગના પ્રવાસીઓ ચાલ્યા ગયા હોય છે અને રસ્તાઓ શાંત હોય છે. ઓક્ટોબરનો સમય ખરેખર સર્વશ્રેષ્ઠ છે.’
તે શાંત હતી અને મને નવાઈ લાગતી હતી. મને થતું હતું કે મારા શબ્દો તેને સ્પર્શી ગયા છે કે શું? અથવા તો તે મને રોમેન્ટિક મૂર્ખ તો નહીં માનતી હોય ને? એ પછી હું એક ભૂલ કરી બેઠો. મારા પ્રશ્નમાં તેને કંઈ વિચિત્ર ન લાગ્યું. શું તેને ખ્યાલ આવી ગયો હશે કે હું જોઇ શકતો નથી? પરંતુ તેના બીજા પ્રશ્નથી મારી શંકા દૂર થઈ ગઈ.
‘તમે બારીની બહાર કેમ જોતા નથી?’ તેણે પૂછ્યું.
હું બર્થ પર સરળતાથી ખસ્યો અને બારીની કિનારને સ્પર્શયો. બારી ખુલ્લી હતી અને હું બારી બહાર કુદરતી દૃશ્ય જોવાનો ડોળ કરતો બારી સામે બેઠો. મને એન્જિનનો અવાજ અને પૈડાંનો ખખડાટ સંભળાતો હતો. મારા માનસપટ પર ટેલિગ્રાફના થાંભલાઓ ઝડપથી પસાર થઇ રહ્યા હતા.
‘આપણે સ્થિર બેઠા હોઈએ ત્યારે વૃક્ષો જાણે કે પસાર થતાં હોય એવું લાગે છે, તેવો અનુભવ કર્યો?’ મેં બોલવાનું સાહસ કર્યું.
‘એવું તો હંમેશા બને છે.’ તેણે કહ્યું, ‘શું તમે કોઈ પ્રાણીઓને જુઓ છો?’ દહેરાદૂન નજીકના જંગલોમાં ભાગ્યે જ કોઈ પ્રાણીઓ બચ્યાં હતાં. મેં બારી તરફથી મોઢું ફેરવી લીધું અને યુવતી તરફ જોયું. થોડી વાર ચૂપચાપ બેસી રહ્યો.
‘તમે સુંદર છો...’ મેં અભિપ્રાય આપતાં કહ્યું. હું કંઈક નીડર બનતો જતો હતો. બહુ ઓછી યુવતીઓ પ્રશંસાનો પ્રતિકાર કરી શકે છે. તે ખુશ થઈને હસી. તેનું હાસ્ય સ્પષ્ટ અને રણકારયુક્ત હતું.
‘તમે સુંદર છો એમ કહેવું એ સારી વાત છે, પણ હું સુંદર છું તેવું લોકો પાસેથી સાંભળી સાંભળીને હું તો કંટાળી ગઈ છું.’
‘ઓહ... તમે ખરેખર સુંદર છો.’ મેં વિચાર્યું અને મોટેથી કહ્યું, ‘રસિક ચહેરો ધરાવતી વ્યક્તિ ખૂબ સુંદર પણ હોય છે.’
‘તમે તો સ્ત્રી દાક્ષિણ્યવાળા યુવક નીકળ્યા.’ તેણે કહ્યું, ‘પણ તમે આટલા બધા ગંભીર શા માટે છો?’
મેં વિચાર્યું કે લાવ તેની સાથે જરા હસીને વાત કરું. પરંતુ હસવાનો વિચારમાત્ર મને વ્યથિત અને એકલવાયો બનાવી દેતો હતો.
‘થોડાક સમયમાં જ તમારું સ્ટેશન આવી જશે.’
‘હા, સારું છે કે મુસાફરી ટૂંકી છે. હું બે-ત્રણ કલાકથી વધારે બેસી શકતી નથી.’ તેણે કહ્યું. જોકે હું તેની સાથે ગમેતેટલો સમય બેસીને વાતો કરવા તૈયાર હતો. તેના કંઠમાં પર્વતમાંથી વહેતા ઝરણાનો ખળખળાટ હતો. ટ્રેનમાંથી તે ઊતરશે એ સાથે જ અમારી ટૂંકી મુલાકાત પૂરી થઇ જશે. પણ એ તો મુસાફરી દરમિયાન અને ત્યાર પછી પણ થોડા સમય સુધી મારા સ્મૃતિપટ પર છવાયેલી રહેશે.
એન્જિને વ્હીસલ મારી. ગાડીના ડબ્બાના પૈડાંઓએ તેમના અવાજ અને લય બદલ્યા. યુવતી ઊભી થઈ અને પોતાનો સામાન ભેગો કરવા લાગી. મને કુતૂહલ એ વાતનું હતું કે તેણે વાળનો અંબોડો લીધો હતો કે ચોટલો વાળ્યો હતો કે પછી તેના ખભા પર છૂટા વાળ લહેરાતા હતા કે પછી બોબ્ડ વાળ હતા.
ટ્રેન સ્ટેશનમાં દાખલ થઈ. બહાર રેલવેના કૂલીઓ અને ફેરિયાઓની બૂમો સંભળાતી હતી. અમારા કોચ પાસે એક સ્ત્રી ઊંચા અવાજે બોલી રહી હતી. મને લાગ્યું કે અવાજ યુવતીના કાકીનો હોવો જોઈએ.
‘આવજો...’ યુવતીએ કહ્યું.
તે મારી એકદમ નજીક ઊભી હતી. એટલી બધી નજીક કે તેના વાળમાંથી આવતી સુગંધ મને ટળવળાવતી હતી. હું મારો હાથ ઊંચો કરી તેના વાળને સ્પર્શવા ઈચ્છતો હતો, પરંતુ એ ત્યાંથી ખસી ગઈ. તમારાથી ફૂલદાની તૂટી જાય, પરંતુ ગુલાબની સુવાસ ત્યાં રહી જતી હોય છે.
બારણા પાસે કંઈક ગોટાળો થયો. કોચમાં દાખલ થઇ રહેલા માણસે માફી માગી. ત્યાર પછી બારણું જોરથી બંધ થયું અને તે સાથે જ બહારની દુનિયા મારા માટે બંધ થઈ ગઈ.
ગાર્ડે સીટી વગાડી અને અમારી ગાડી રવાના થઈ. ફરીથી મારે રમત રમવાની હતી અને મારી સાથે એક નવો સહપ્રવાસી હતો.
ટ્રેને ઝડપ વધારી. પૈડાંઓએ તેનું તાલમય ગાન શરૂ કર્યું. કોચ કિચૂડ કિચૂડ ચાલવા લાગ્યા. મેં બારી શોધી લીધી. હું તેની આગળ બેસી ગયો અને મારા માટે અંધકારરૂપ દિવસના પ્રકાશને એકીટસે તાકી રહ્યો. બારીની બહાર ઘણુંબધું બની રહ્યું હતું. બહાર શું બની રહ્યું છે તેની ધારણા કરવાની રમત બહુ આકર્ષક હતી. કોચમાં દાખલ થયેલી નવી વ્યક્તિએ મારું દિવાસ્વપ્ન તોડી નાખ્યું.
‘તમે કદાચ નિરાશ થયા હશો.’ તેણે કહ્યું, ‘મને અફસોસ છે કે હમણાં નીચે ઊતરી તે યુવતી જેવો આકર્ષક સહ-પ્રવાસી નથી.’
‘તે એક ઇન્ટરેસ્ટીંગ યુવતી હતી.’ મેં કહ્યું, ‘જરા, તમે મને કહી શકશો કે તેના વાળ લાંબા હતા કે ટૂંકા?’
‘મને યાદ નથી...’ મૂંઝવણ અનુભવતાં તેણે કહ્યું, ‘મારું ધ્યાન તો તેના વાળને બદલે તેની આંખો પર હતું. તેની આંખો સુંદર હતી, પણ કંઇ કામની ન હતી. તે સંપૂર્ણ અંધ હતી. શું તમે એ જોયું ન હતું?’

