લાહોરઃ એક તરફ તાજેતરમાં જ પઠાણકોટમાં હુમલાના કારણે ભારત પર આતંકવાદનો ઓછાયો છવાયેલો છે એ પહેલાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર ૨૫મી ડિસેમ્બરે અણધારી પાકિસ્તાન મુલાકાત લઈને પાડોશી દેશ સાથે રાજદ્વારી સંબંધો વિકસાવવા માટેના પ્રયત્નો આદર્યા છે. ભારત - પાક ભાગલા પછી ભારતના આ પ્રથમ વડા પ્રધાન હશે કે જેમણે ચોંકાવનારી મુલાકાત લીધી અને પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફે તેમને આવકાર્યા પણ છે. આ બધા વચ્ચે ભારત - પાકના સંબંધો કઈ દિશામાં આગળ વધશે તેની પર વિશ્વના દેશોની નજર છે.
મોદીએ ૨૫મી ડિસેમ્બરે અફઘાનિસ્તાનની મુલાકાત લીધા બાદ ભારત પાછા ફરતી વખતે અચાનક જ સુરક્ષાના દૃષ્ટિકોણને કોરાણે મૂકીને પાકિસ્તાનમાં ઉતરાણ કરાવાનું નક્કી કર્યું. ૨૫મી ડિસેમ્બરે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફનો જન્મદિવસ હતો અને મોદી આ પ્રસંગના બહાને અચાનક જ શરીફને મળવા લાહોર ઊતરી પડયા હતા. આ અચાનક લેવાયેલા નિર્ણયથી બંને દેશોના રાજનેતા, મીડિયા અને દેશવાસીઓ સહિત સૌ કોઈ અચરજમાં પડી ગયા હતા.
મોદીએ કરેલી પહેલને નવાઝ શરીફ વધાવી હતી અને પ્રોટોકોલ તોડીને મોદીને આવકારવા એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ જાણે એકબીજાના જૂના મિત્રો હોય તેમ એરપોર્ટ પર જ ભેટી પડયા હતા અને એ પછી મોદીને શરીફે પાતોનાં ઘરે આવવાનું આમંત્રણ આપ્યું અને મોદી હરખથી શરીફની જન્મદિવસની પાર્ટીમાં જોડાયા હતા. પાકિસ્તાન મીડિયાને એવી જાણકારી હતી કે, પીએમ મોદી એરપોર્ટથી જ પાછા ફરી જશે, પરંતુ તેઓ શરીફ સાથે તેમનાં હેલિકોપ્ટરમાં બેસી જટ્ટી ઉમરા ખાતે આવેલા શરીફના રાયવિંડ પેલેસ પહોંચી ગયા હતા.
શરીફનાં નિવાસસ્થાને તેમની પૌત્રીનાં લગ્નનો સમારંભ ચાલી રહ્યો હતો અને મોદીએ તેમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બંને નેતાઓએ અહીં એક કલાક જેટલો સમય વાતચીત કરી હતી, નવાઝ શરીફનો બર્થ-ડે હોવાથી કેક કપાઈ હતી અને આ ઉજવણીમાં મોદી હાજર રહ્યા હતા. શરીફે મોદીને ખીર ખવડાવી હતી. આમ મોદીએ એક દિવસમાં બ્રેકફાસ્ટ અફઘાનિસ્તાનમાં, લંચ પાકિસ્તાનમાં અને ડિનર ભારતમાં કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોદીની આ પ્રથમ પાકિસ્તાનયાત્રા છે અને છેલ્લાં ૧૧ વર્ષ બાદ કોઈ ભારતીય વડા પ્રધાન પાકિસ્તાનની મુલાકાતે ગયા છે. છેલ્લે પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી ૨૦૦૪માં પાકિસ્તાન ગયા હતા. અટલબિહારી વાજપેયીનો ૨૫મી ડિસેમ્બરે જન્મદિવસ પણ હોવાથી મોદી પાકિસ્તાનથી પરત ફર્યા બાદ તરત જ તેમને મળવા ઘરે પહોંચ્યા હતા. તેમણે વાજપેયીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
યુએસ-ચીને ઘટનાને બિરદાવી
મોદીની પાક. મુલાકાતના અમેરિકન મીડિયા અને ચીને વખાણ કરતા કહ્યું છે કે, બંને દેશો વચ્ચે અટકી ગયેલી શાંતિવાર્તા આગળ ધપાવવામાં મોદીએ આ ખૂબ જ મહત્ત્વનું પગલું ભર્યું છે.
સામાન્ય ભારત અને પાકિસ્તાનની નજદીકીથી ચીનના પેટમાં તેલ રેડાય છે, પરંતુ મોદીની મુલાકાતને લઈને ચીને સરપ્રાઈઝ પ્રતિક્રિયા આપી છે. મોદીના આ પગલાને ચીને વધાવતાં કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે વિકસતા સંબંધોથી દરેક ક્ષેત્રે અવનવા પરિણામો આવશે.
પાકિસ્તાનના વિરોધ પક્ષના નેતા સૈયદ ખુરશીદ શાહે કહ્યું છે કે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) આ મુલાકાતની સરાહના કરે છે. પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ પણ ટ્વિટ કરીને મોદીને આવકારતા કહ્યું હતું કે, શાંતિવાર્તા આગળ ધપાવવા આપણે એકબીજા સાથે જોડાઈ રહેવું મહત્ત્વનું છે. તારિક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને પણ મોદીની મુલાકાતને બે દેશો વચ્ચેના સંબંધ સુધારવાની દિશામાં બહુ મોટું પગલું ગણાવી છે.
પાક.માં વિરોધનો વંટોળ
અચાનક પાક પહોંચેલા નરેન્દ્ર મોદીની પાક.માં ભારે આલોચના થઇ હતી. પાકિસ્તાનની પાર્ટી જમાત એ ઇસ્લામીના નેતા સિરાઉલ હકે જણાવ્યું હતું કે શું મોદી પાકિસ્તાનને પોતાની ખાલાનું ઘર સમજીને અચાનક આવી ગયા હતા? મોદી મુસ્લિમોની હત્યાઓ માટે જવાબદાર છે. સાથે તેમણે મોદીને પાકિસ્તાનને તોડનારા પણ ગણાવ્યા હતા.
વિદેશનીતિ ખાડે ગઇ છે
કોંગ્રેસે પીએમ મોદીની પાકિસ્તાનની સરપ્રાઇઝ વિઝિટને વખોડી કાઢતાં જણાવ્યું કે, આ એક દુઃસાહસ છે અને ભારતની વિદેશનીતિ ખાડે જઈ રહી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું કે, પીએમ મોદીનું આ પગલું હાસ્યાસ્પદ તો છે જ. તમે આવું બેજવાબદાર વર્તન ન કરી શકો, તો આનંદ શર્માએ જણાવ્યું હતું કે, આ પૂર્વનિયોજિત નિર્ણય છે અને તે રાષ્ટ્રહિતમાં નથી.
શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, શું મોદી-શરીફ વચ્ચેની આજની મુલાકાત બાદ દાઉદને ભારતને સોંપી દેવામાં આવશે? આખરે પાકિસ્તાન જવાનો શું મતલબ છે, તેઓ શું દાઉદને પાછો લેવા માટે ગયા છે?
આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે મોદીની ટીકા કરતાં જણાવ્યું કે, આ એ જ મોદી છે જેઓ મનમોહનસિંહની સરકાર વખતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો વિરોધ કરી રહ્યા હતા, તો હવે એવું તો શું બદલાઈ ગયું છે? જેડીયુનેતા કે. સી. ત્યાગીએ ઠેકડી ઉડાડતાં જણાવ્યું કે, મોદી ડોન દાઉદની કેક ખાવા માટે પાકિસ્તાન ગયા હતા. પીએમ પાસે આવી આશા નહોતી. ૨૬ ડિસેમ્બરના રોજ દાઉદની બર્થ-ડે છે અને પાકિસ્તાને તેને આશ્રય આપ્યો છે.
બંને દેશો વચ્ચે બેઠક
મોદીની સરપ્રાઈઝ મુલાકાત પછી એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બંને દેશોએ વિદેશ સચિવ સ્તરની બેઠક ૧૫મી જાન્યુઆરીએ ઈસ્લામાબાદમાં યોજવાનો નિર્ણય લઈ લીધો છે. મોદીની નવાઝ શરીફ સાથેની લાહોર મુલાકાત પછી શાંતિવાર્તા આગળ ધપાવવા શુક્રવારે રાત્રે આ બાબતે સંમતિ સધાઈ છે.
આ બેઠકમાં બંને દેશના વિદેશ સચિવ કોમ્પ્રિહેન્સિવ કોમ્પોઝિટ ડાયલોગ શરૂ કરવાની પ્રક્રિયા પર વાતચીત કરશે. આ માટે વિદેશ સચિવ એસ. જયશંકર ઈસ્લામાબાદ જઈને પાકિસ્તાનના વિદેશ સચિવ એજાજ ચૌધરી સાથે બેઠક કરશે. વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલા પછી આ શાંતિવાર્તા અટકી ગઈ હતી. પરંતુ હવે તેમાં હકારાત્મક ફેરફાર થશે. એવી બંને દેશના રાજકીય વિશ્લેષકોને આશા છે.
આ પહેલાં નવમી ડિસેમ્બરે હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ ઈસ્લામાબાદની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ જાહેર કર્યું હતું કે, ભારત-પાક શાંતિવાર્તા આગળ વધારવા સંમત થયા છે.

