વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન જઇને નવાઝ શરીફને ઉષ્માભેર ભેટી આવ્યા. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ હાર્ટ ઓફ એશિયા પરિષદના નામે પાકિસ્તાન જઇ આવ્યાં. આ પૂર્વે બેંગકોકમાં બન્ને દેશોના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ મળ્યા. અને હવે ૧૫ જાન્યુઆરીએ ભારત-પાકિસ્તાનના વિદેશ સચિવો ઇસ્લામાબાદમાં બેઠક કરવાના છે. વિશ્વાસના પાયા પર આકાર લઇ રહેલી દોસ્તીની આ નવી ઇમારત પર આતંકવાદે કુઠરાઘાત કર્યો છે. ત્રાસવાદીઓએ પંજાબના પઠાણકોટમાં ઇંડિયન એરફોર્સ સ્ટેશન પર હુમલો કરીને દ્વિપક્ષી સંબંધોનો પાયો હચમચાવી નાખ્યો છે. પાકિસ્તાની લશ્કર અને તેની બદનામ ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્યોની મદદથી આ ષડયંત્ર પાર પાડ્યું હોવાના અહેવાલ છે.
તો શું નરેન્દ્ર મોદીની ‘સરપ્રાઇઝ પાકિસ્તાન વિઝિટ’ના પગલે દ્વિપક્ષીય સંબંધોમાં સર્જાયેલો મિત્રતાપૂર્ણ માહોલ ફરી ખોરવાશે? આશંકા તો કંઇક આવી જ વ્યક્ત થઇ રહી છે, પરંતુ આમ ન થાય તે સહુના હિતમાં છે. આતંકવાદના ઓછાયા છતાં પણ - તનાવપૂર્ણ સંબંધોને સુમેળભર્યા બનાવવાનો એક જ રસ્તો છે - મંત્રણા. ભારત-પાક. વચ્ચે મંત્રણાનો દોર ચાલુ રહેવો જ જોઇએ, અને તે પણ દરેક સ્તરે. અલબત્ત, કેટલીક પૂર્વશરતો સાથે. દર વખતે કટ્ટરવાદી તત્વો શાંતિમંત્રણાના હવનમાં હાડકાં નાખતાં રહ્યાં છે. અને ભારત આકરું વલણ અપનાવીને મંત્રણા રદ કરતું રહ્યું છે. આવું બને છે ત્યારે પાકિસ્તાન કટ્ટરવાદીઓના કરતૂતોની નૈતિક જવાબદારી સ્વીકારવાના બદલે દોષનું ઠીકરું ભારતના માથે ફોડે છે. પાકિસ્તાને પઠાણકોટના આતંકવાદી હુમલામાં સંડોવાયેલા પરિબળો સામે આકરાં પગલાં લેવા જોઇએ અને ભારતે મંત્રણા મુલત્વી રાખવાના પગલું ટાળવું જોઇએ. દ્વિપક્ષીય સંબંધોને છાશવારે ખોરંભા પાડતા અલગતાવાદીઓને આ પ્રકારે જ જડબાતોડ જવાબ આપી શકાય તેમ છે.
રશિયાથી પરત ફરી રહેલા મોદીએ નવાઝ શરીફનું પાકિસ્તાન મુલાકાતનું આમંત્રણ જે સહજતાથી સ્વીકારી લીધું એ ઘટનાક્રમે પુરવાર કર્યું છે કે બે પડોશી દેશના વડાઓ પણ ઔપચારિકતા વગર મળી શકે છે. મોદીની આ આ મુલાકાતને વિશ્વભરના રાજદ્વારીઓ અનોખા પ્રકારની મુત્સદ્દીગીરી ગણાવી રહ્યા છે. ભારત-પાકિસ્તાનના વડા પ્રધાનો આ રીતે પણ મળી શકે છે એવી કોઇએ કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ આ કામ મોદીએ કરી દેખાડ્યું છે. ભારતમાં કેટલાક તેને દુઃસાહસ ગણાવે છે, પરંતુ વિદેશી બાબતોના નિષ્ણાતોનો મત એવો છે કે ઘણી વખત ઔપચારિક કે સત્તાવાર મિટિંગ-મુલાકાત જે કામ નથી કરી શકતી તેવું કામ આવી સરપ્રાઇઝ મુલાકાત દ્વારા થઇ શકે છે. મોદી-શરીફ મુલાકાતમાં પણ આવી જ સંભાવનાઓ જોવાઇ રહી છે.
ભારતમાં કોંગ્રેસના કેટલાક અગ્રણીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ મુલાકાત પૂર્વયોજિત હતી. આવી વાતો કરીને લોકોમાં ભ્રમ ઊભો કરવાનું યોગ્ય નથી. પાકિસ્તાનના વિદેશ સચિવ એજાઝ ચૌધરી જેને સદભાવના મુલાકાત ગણાવે છે એવા મોદીના લાહોર પ્રવાસે બન્ને દેશો વચ્ચેના સંબંધો માટે માહોલ સુધારવાનું અને સર્જવાનું કામ કર્યું છે. ભારતવિરોધી ઉગ્રવાદીઓને આથી કમરતોડ ફટકો પડ્યો હતો, અને આથી જ તેમણે પઠાણકોટ હુમલા જેવી ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. દ્વિપક્ષીય સંબંધો સુધરી રહ્યાના સંકેતથી આતંકવાદીઓના પેટમાં તેલ રેડાય તેમાં નવાઇ નથી.
રાજદ્વારી નિષ્ણાતોના મતે હવે બન્ને દેશોના સંબંધોમાં નક્કર પ્રગતિ થવી જોઇએ. બન્ને વડા પ્રધાનોની મુલાકાતને પગલે વિદેશ સચિવ કક્ષાની મંત્રણા જ નહીં, પણ ૨૦૧૬ દરમિયાન બન્ને દેશો વચ્ચે યોજાનારી મંત્રણા-મુલાકાતનો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે. ૧૨ જાન્યુઆરીથી ઇસ્લામાબાદમાં ભારતના હાઇ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનારા ગૌતમ ભામ્બવાલે સૂચિત વિદેશ સચિવ કક્ષાની મંત્રણાની તૈયારીમાં લાગ્યા છે. વિદેશ સચિવો કાશ્મીર સહિતની બાબતોની ચર્ચા કરશે. સાથોસાથ તેઓ ગૃહ સચિવ, વાણિજ્ય સચિવ અને પ્રવાસન સચિવોને મળી સરક્રીક, આર્થિક-વ્યાપાર સહકાર, ત્રાસવાદનો સામનો, માદક દ્રવ્યોની હેરાફેરી પર અંકુશ, ધાર્મિક પ્રવાસન સહિતના મુદ્દે ચર્ચા કરશે. સુરક્ષા સલાહકારો વચ્ચે પણ મંત્રણા યોજાશે, જેમાં ત્રાસવાદ મુખ્ય મુદ્દો હશે. મિલિટરી ઓપરેશનના ડિરેક્ટર જનરલો પણ મંત્રણા માટે મળવાના છે. ફેબ્રુઆરીમાં નવાઝ શરીફના ભાઇ અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન શાહબાઝ શરીફ ભારત જશે. પછીના મહિને મોદી-શરીફ વોશિંગ્ટનમાં અણુ સુરક્ષા શિખર સંમેલનમાં મળશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાણિજ્ય અને ગૃહ પ્રધાનો વચ્ચે મંત્રણા થશે. નવેમ્બરમાં મોદી - સુષ્મા સ્વરાજ ‘સાર્ક’ સંમેલનમાં ભાગ લેવા ઇસ્લામાબાદ જવાના છે. ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારી એશિયા કોન્ફરન્સમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓ જશે.
જોકે અત્યાર સુધી નક્કી મનાતા આ આયોજનો હવે જો - તો વચ્ચે અટવાઇ રહ્યા છે. ભારતે પઠાણકોટ હુમલાના જવાબદાર અલગતાવાદીઓ સામે પગલાં લેવા પાકિસ્તાનને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. મોદીની મુલાકાતે સંબંધોમાં નક્કર પ્રગતિ થઇ શકે તેવો રોડમેપ તૈયાર કરી આપ્યો છે. પરંતુ, આ બધું તો જ શક્ય બનશે જો પાકિસ્તાન પઠાણકોટ હુમલામાં સામેલ તત્વો સામે અસરકારક પગલાં ભરશે.
