‘અરે આ બચ્ચા ગેંગનો ત્રાસ છે યાર’ સોસાયટીના એક સભ્ય સ્કૂટર પર નીકળ્યા ને બોલ્યા. બીજા કોઈએ તો વળી સોસાયટીના ગેટ પાસે એકઠા થયેલા બાળકોને દૂર કરવા સોસાયટીના ચોકીદારને જણાવ્યું પણ ખરું.
૨૦૧૬ના વર્ષમાં સમગ્ર ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડી. મે મહિનામાં કેટલાક દિવસોમાં તો અમદાવાદ જેવા શહેરોમાં ‘રેડ એલર્ટ’ ગરમી સામે જાહેર કરાઈ. એ પછી આખો જૂન પણ ઉકળાટ, બફારો અને ગરમીમાં પસાર થયો. બાળકથી લઈને વડીલો સુધીના સૌ કોઈની વાતોમાં એક જ વાત હતી કે હવે તો વરસાદ આવે તો સારું.
રોજ ઢળતી સાંજથી લઈને મોડી રાત સુધી લોકો શહેરોના બાગ-બગીચાઓ, હીલ સ્ટેશન જેવા વિસ્તારો, ખુલ્લી જગ્યાઓમાં બેસી રહેતા, કારણ કે ક્યાંકથી તો હવાનો સ્પર્શ થાય. ઘર-ઓફીસોમાં એરકન્ડિશન વધુ વપરાતા થયા અને આવા સંજોગોમાં ગરમીથી ત્રાસી ગયેલા લોકો માટે વરસાદની એંધાણીરૂપે વાદળા બંધાયા પણ વરસાદ ન આવ્યો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી હતી. હવે સૌને હતું કે અમદાવાદમાં પણ એ મન મૂકીને વરસશે. રવિવાર હતો. બપોરે જમીને સૌ આરામમાં કે ટીવી જોવામાં વ્યસ્ત હતા એવામાં અચાનક ફ્લેટની કાચની સ્લાઈડર પર ધીમો ધીમો અવાજ થયો - વરસાદ પડ્યો.
મોટા ભાગના ફ્લેટમાંથી બાળકો અને યુવાનો વરસાદમાં નહાવા આવી ગયા. ફેની, ગુનગુન અને આયુષી વરસતા વરસાદમાં સાઈકલ ફેલાવવા માંડ્યા તો પાર્થ, ધ્યાન અને ઋજુલ જેવા બાળકો સ્કેટબોર્ડ લઈ મચી પડ્યા આમથી તેમ ઘૂમવા. દિશા, જૈનિલ અને ઝીલ વળી ચિચિયારીઓ પાડીને પાણીમાં છબછબિયાં કરવામાં ગુલતાન થઈ ગઈ.
ચારેતરફ વરસાદને વધાવતા બાળકો દોડાદોડી કરતા હતા. કેટલાક મમ્મી-પપ્પા પણ નીચે આવી ગયા હતા તો કેટલાક ગેલેરીમાંથી બાળકોની આ ધમાલ અને મસ્તીને માણી રહ્યા હતા. થયું હતું એવું કે ઢાળ હોવાને કારણે સોસાયટીના દરવાજા તરફ જતું પાણી ત્યાં વધુ હતું એટલે બાળકો ખોબામાં લઈ લઈને આવતા જતા વાહનો અને માણસો પર એ પાણીને વહાલથી વધાવતા હતા, ઊડાડતા હતા.
નિર્દોષ, નિર્ભેળ આનંદ અને મસ્તીનું ધમાલનું - બાળસહજ ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું થોડી વાર માટે આવેલા પહેલા વરસાદથી. આ જોઈને કેટલીક કોમેન્ટ જે આરંભે લખી છે તે થઈ હતી. પરંતુ ત્યાં ઉપસ્થિત કેટલાક મમ્મી-પપ્પાના સપોર્ટ સાથે બાળકોએ થોડી વાર એ આનંદ ચાલુ રાખ્યો અને એને નિહાળીને એ દૃશ્ય જોનારા મોટા લોકોની અંદર પણ બાળપણના સ્મરણો જાગૃત થયા.
•••
બાળપણમાં આપણે ગીત ગાઈને વરસાદને બોલાવતાં, ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક.’
વરસાદ આવતો અને પછી પલળવાનો મસ્તીનો આનંદ લેતા - કાગળની હોડી તરતી મુક્તા.
આજકાલ હવે બાળકો શાવરમાંથી વછૂટતા પાણીના ધોધને પણ વરસાદ જ સમજી લે છે એવી માન્યતા છે. પણ દૃશ્યો જુદા છે, બાળકો વરસાદને વહાલથી વધાવે છે, એમાં ભીંજાય છે અને આનંદિત થાય છે. યુવાનો અને મોટી ઉંમરના પણ વરસાદ આવતા નીકળી પડે છે વરસાદમાં ન્હાવા.
વરસાદમાં ભીંજાવું એટલે પ્રકૃતિના વહાલમાં ભીંજાવું, મન-હૃદયથી આનંદિત થવું અને આપણી અંદર રહેલા બાળકના કૂતુહલને અનુભવવું.
પહેલા વરસાદનો છાંટો ધરતી પર પડે છે અને જે સુગંધ પ્રસરે છે એના જેવું અત્તર આજ સુધી કોઈ માનવી બનાવી શક્યો નથી. ગરમાગરમ ભજીયા, દાળવડાં ખાવાની આ મૌસમ છે, સ્વાસ્થ્યની કાળજી લેવાની પણ આ મૌસમ છે. વરસાદમાં પલળીએ - બાળપણને અનુભવીએ ત્યારે આસપાસ કેટકેટલા સ્મરણોના દીવડા પ્રગટે છે અને અજવાળા રેલાય છે.
લાઈટ હાઉસ
આજ નથી જાવું કોઈના ય કામ પર
અલ્યા ધીંગા વરસાદ તારા જ નામ પર
- વેણીભાઈ પુરોહિત
