પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ જાણીતા ‘ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ (AAA)નું આયોજન એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા કરવામાં આવે છે. આ ઝાકમઝોળ અને સિતારાઓની હાજરી ધરાવતા કાર્યક્રમમાં સમાજના પ્રતિષ્ઠિત અને સેલિબ્રિટી મહાનુભાવો દ્વારા આજના સમાજમાં બ્રિટિશ એશિયનોના વિશેષ પ્રદાન અને સખત પરિશ્રમની ઊજવણી અને સ્વીકૃતિ આપવામાં આવે છે. દર વર્ષે યોજાતા આ એવોર્ડ્સનો આ ૧૬મો વાર્ષિક સમારંભ છે અને સપ્ટેમ્બર ૨૦૧૬માં પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલમાં તે યોજવામાં આવશે.
આ એવોર્ડ્સ એશિયન કોમ્યુનિટીમાં તમામ ક્ષેત્રે વ્યક્તિઓના નોંધપાત્ર કાર્યની કદર કરવા સાથે યુકેની એશિયન કોમ્યુનિટીમાં સર્વશ્રેષ્ઠ લોકોની સિદ્ધિઓનો સ્વીકાર કરે છે. આ એવોર્ડ્સમાં દર વર્ષે સમાજના ચોક્કસ પાસાને ધ્યાનમાં લઈ તેની ઊજવણી કરાય છે અને આ વર્ષે ‘પ્રોફેશનલ ઓફ ધ યર’ કેટેગરી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ ૧૦ કેટેગરીમાં વહેંચાયેલા છે. અમે આપને આગામી સપ્તાહોમાં અન્ય કેટેગરીઓ વિશે વિસ્તૃત માહિતી આપીશું. આ સપ્તાહે આપણે બે કેટેગરીઝ – ‘સ્પોટ્સ પર્સનાલિટી ઓફ ધ યર’ અને ‘યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસિસ’ વિશે વાત કરીશું.
‘સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર’ એવોર્ડ રમત ક્ષેત્રે અનુભવસિદ્ધ અને સફળ ખેલાડીને એનાયત કરવામાં આવે છે. ગત વર્ષે પ્રસિદ્ધ ક્રિકેટર મોઈન અલીને આ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતાં. આ એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં મુસ્લિમ વિમેન્સ સ્પોર્ટ ફાઉન્ડેશન (MWSF)ના અધ્યક્ષા તેમજ ૨૧ ફૂટબોલ એસોસિયેશન (FA) કાઉન્સિલમાં એક માત્ર મુસ્લિમ મહિલા રિમલા અખ્તરનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત ફૂટબોલ એસોસિયેશન (FA) દ્વારા માન્ય બ્રિટન અને વિશ્વમાં એક માત્ર એશિયન મહિલા ફૂટબોલ એજન્ટ શિનિલા અહમદ અને બ્રિટનના ટોપ બેડમિન્ટન સ્ટાર ઇરા બેનર્જીનો પણ સમાવેશ થયો હતો.
‘ધ યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસિસ’ એવોર્ડ ગણવેશધારી અને સનદી સેવાઓમાં નોંધપાત્ર સિદ્ધિઓ અથવા ઉક્ત સેવાઓમાંથી કોઈપણ એક સેવા મારફત કોમ્યુનિટીને પ્રદાન કરવા બદલ કદરરૂપે એનાયત કરવામાં આવે છે. ગત વર્ષે ‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ ૨૦૧૫’નો થીમ યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસિસ’ જેના કારણે એવોર્ડ્સ જીતવાની સિદ્ધિ વિશેષ બની રહી હતી. ગત વર્ષે આ એવોર્ડ મેળવવાની સિદ્ધિ રોયલ ગુરખા રાઇફલ્સના લાન્સ કોર્પોરલ તુલજુંગ ગુરુંગને પ્રાપ્ત થઈ હતી. શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં ‘ચીફ ઓફ ધ ડીફેન્સ સ્ટાફ એન્ડ સર્વિસ ચીફ્સ’ના સમર્પિત ઈસ્લામિક રિલિજીયસ એડવાઈઝર ઈમામ અસીમ હાફીઝ OBE MA, સાઉથ ઈસ્ટ રિજીયનમાં ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસમાં ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર જશવંત કોર નારવાલ તેમજ મેટ્રોપોલિટન પોલીસમાં કોમ્યુનિટી એંગેજમેન્ટ ક્ષેત્રે ચીફ ઓફિસર અને ઓનર બેઝ્ડ વાયોલન્સ, ફિમેલ જેનિટલ મ્યુટિલેશન અને રીલીજીયન એન્ડ બિલીફ માટે રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ ધરાવતા મખદૂમ (મેક) અલી ચિસ્તીનો સમાવેશ થયો હતો.
યુકેમાં પોતાના સંબંધિત ક્ષેત્રોમાં પ્રદાન આપવા બદલ કદર કરવા યોગ્ય અનેક બ્રિટિશ એશિયન છે. જો તમે એવી વ્યક્તિને જાણતા હો જેણે સમાજને વિશેષ પ્રદાન આપ્યું છે, મુઠી ઊંચેરા વ્યક્તિત્વ તરીકે સિદ્ધિ હાંસલ કરી છે અને તેમની કદર થવી જોઈએ તો તમે તેમને www.asianachieversawards.comપર ઓનલાઈન નોમિનેટ કરી શકો છો અથવા આ સપ્તાહે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં પ્રકાશિત નોમિનેશન ફોર્મમાં વિગતો નોંધી રજીસ્ટ્રેશન કરાવી શકો છે. આ નોમિનેશન મોકલવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૬ છે.

