લંડનઃ બ્રેક્ઝિટની અસરોનો અભ્યાસ કરી રહેલી મહાકાય ભારતીય કંપની ટાટા સ્ટીલ યુકે સ્ટીલવર્ક્સના હરાજીની યોજના હાલ પૂરતી પડતી મૂકે તેવી શક્યતા છે. ટાટા સ્ટીલે વેલ્સસ્થિત પોર્ટ ટાલ્બોટ સ્ટીલવર્ક્સની હરાજીની જાહેરાત કરી હતી. જોકે, યુરોપિયન સંઘમાંથી બ્રિટનની વિદાયના નિર્ણયની અસરોના અભ્યાસના લીધે યોજના અભરાઈએ ચડાવી દેવાયાના અહેવાલ છે. તાજેતરમાં સ્ટીલના ભાવમાં ઉછાળાથી વેલ્સ યુનિટની ખોટ ઘટતાં કંપની પર પ્લાન્ટ વેચવાનું દબાણ ઘટ્યું છે. ટાટા સ્ટીલ ૨૪ જૂને આખરી નિર્ણય લેતા અગાઉ સાત બિડરોમાંથી શોર્ટલિસ્ટ કરેલા ત્રણ બિડરોના નામ જાહેર કરવાની હતી, પરંતુ આવી જાહેરાત થઈ નથી.
ટાટા સ્ટીલ યુકે બિઝનેસ માટેની બિડીંગ પ્રક્રિયામાં વિલંબ કરી રહી હોવાથી પોર્ટ ટાલ્બોટ સહિતના સ્ટીલ પ્લાન્ટ્સ યથાવત રાખશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આના પરિણામે કર્મચારીઓમાં આનંદની લહેર ફેલાઈ છે. ટાટા સ્ટીલે યુકેમાં તેનો સ્ટીલ બિઝનેસ બંધ કરવાની જાહેરાતના પગલે ૧૧,૦૦૦ વર્કર્સની જોબ જોખમમાં મુકાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ છેવટનો નિર્ણય વધુ બે મહિના માટે મુલતવી રખાશે.
સરકારે અન્ય ખરીદારોની સાથે કંપનીમાં ૨૫ ટકા હિસ્સો લેવાના વિકલ્પ સહિત લાખો મિલિયન પાઉન્ડની સહાયની ટાટા સ્ટીલને ઓફર કરી છે. જોકે, વેચાણ પ્રક્રિયા રદ કરાયાનું નકારતા કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની યુકે બિઝનેસ માટે સંપૂર્ણ અને તાકીદની વેચાણ પ્રક્રિયાને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે.

