લંડન : ગોપીચંદ હિંદુજાને ડિસેમ્બર,૨૦૧૫ની એક સવારે વિચાર સ્ફુર્યોઃ ચાલો, એક ચેન્જ માટે આપણે આપણી હોલિડે સીઝન પવિત્ર શહેરો ઋષિકેશ અને હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીના કિનારે વિતાવીએ.પરિવારે ત્યાં જે સમય વીતાવ્યો તે આનંદદાયક હતો તેટલું જ નહીં પરંતુ પ્રેરક અને માનસિક ઉન્નતિ કરનારો હતો અને ઋષિકેશમાં ગાળેલા દિવસોની યાદગાર સ્મૃતિ સાથે તેઓ પાછા ફર્યા હતા.
તે પછી આ વર્ષે જાન્યુઆરીમાં પરિવારે ગોપીચંદજીની ૭૫મી વર્ષગાંઠ ઉજવી ત્યારે ગોપીચંદજીએ નિર્ણય લીધો કે નીકટના મિત્રો અને પરિવારને કંઈક પાછું આપવું જોઈએ અને આમ તેમના પુસ્તક ‘બ્લેસિંગ્સ’નો વિચાર આવ્યો.
ગોપીચંદજીના નાના ભાઈ પ્રકાશ હિંદુજા પોતાના બર્થ ડેની ઉજવણી પ્રેરક અને આધ્યાત્મિક રીતે કરવા માગતા હતા અને ખૂબ ટૂંકા સમયમાં ઝડપી તૈયારીઓ બાદ ગયા રવિવારે લંડનના વેસ્ટ એન્ડના સોહોમાં આવેલા ઈસ્કોનના રાધા કૃષ્ણ મંદિરમાં આરતીના સમયે કેટલાક ખાસ કિર્તન ગાયકોએ મુલાકાતીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
ઢોલ, મંજીરા અને ઘંટ બધું એ જ હતું પરંતુ તેને ધારણ કરનારા કોઈ કેસરી વસ્ત્રધારી નહોતા. તેને બદલે લંડનના સૌથી અગ્રણી એશિયન બિઝનેસ ફેમિલી ઉપસ્થિત હતા.
શ્રી રાધા કૃષ્ણની આરતી વખતે માઈક્રોફોન ફરતું ફરતું ગોપીચંદજી પાસેથી તેમના ભાઈ પ્રકાશ હિંદુજા પાસે અને ત્યાંથી બપ્પી લાહિરી અને છેલ્લે વેદાંતા plcના અનિલ અગ્રવાલ પાસે પહોંચ્યું હતું. તેઓ ગાતા ગાતા ભારે ઉત્સાહ અને ભાવપૂર્વક નાચ્યા પણ હતા. સામાન્ય રીતે લંડનના કેટલાક સોફિસ્ટિકેટેડ વિસ્તારોમાં સુટમાં સજ્જ જોવા મળતા આ મહાનુભાવોનું આ ભાગ્યે જ જોવા મળે તેવું દ્રશ્ય હતું. તેમાં પણ તેમને કેઝ્યુઅલ વેરમાં અને ભક્તિમય બનીને હ્રદયપૂર્વક ‘હરે કૃષ્ણા’ અને ‘ગોવિંદા જય જય’ ગાતા નિહાળવા તે ક્ષણો ખાસ હતી. બપ્પીદાએ સ્વ.જ્યોર્જ હેરિસનના ગીત ‘માય સ્વીટ લોર્ડ’ પર રચેલું કિર્તન પણ ગાયું હતું.
મંદિરનો નાનો રૂમ હિંદુજા પરિવારના સભ્યો અને સી.બી. પટેલ, બીનાની પરિવાર, જટાણિયા પરિવાર, અગ્રવાલ પરિવાર સહિતના મહેમાનોથી ભરાઈ ગયો હતો.

