વિમ્બલ્ડનમાં વાપીના ટુવાલની બોલબાલા!

Tuesday 05th July 2016 15:37 EDT
 
 

અમદાવાદઃ વિમ્બલડન સિંગલ્સ ઈવેન્ટમાં ભલે કોઇ ભારતીય ખેલાડીનું નામ જોવા મળતું ન હોય, પરંતુ વિમ્બલડનના ટેનિસ કોર્ટ પર ભારતનું અને તેમાં પણ ગુજરાતનું એ રીતે પ્રતિનિધિત્વ છે કે જેના માટે યોકોવિચ, રોજર ફેડરર, એન્ડી મરે, સેરેના વિલિયમ્સ સહિતના તમામ ખેલાડીઓ તરસે છે. હા, વિમ્બલડનની પ્રત્યેક મેચમાં તમે એક દૃશ્ય અવશ્ય જોતા હશો કે ખેલાડીને તેની સર્વિસ શરૂ કરતા પહેલા કે પોઇન્ટ બાદ તરત જ બોલબોય દોડીને બોલ કે ટુવાલ આપે છે. આ ટુવાલ દક્ષિણ ગુજરાતના વાપીમાં આવેલી એક કંપની બનાવે છે.
ખરેખર તો વિમ્બલડનના આયોજકો બ્રિટિશ ટોવેલ મેન્યુફેકચરર ક્રિસ્ટીને ટુવાલ બનાવવા ઓર્ડર આપે છે. જોકે આ કંપની વાપી સ્થિત કંપનીએ ખરીદી લીધી હોવાથી તેનું ઉત્પાદન વાપીના એકમમાં જ થાય છે અને ત્યાંથી વિમ્બલડન સપ્લાય થાય છે.
ખેલાડીઓ માટે આ ટુવાલનું મહત્ત્વ માત્ર પરસેવો લુછવા પૂરતું જ નથી. તેઓ ટુવાલનો ઉપયોગ કર્યા બાદ તેને સાચવી રાખે છે અને સુવેનિયર કે સ્મૃતિભેટ તરીકે તેના ખાસ મિત્રો, સ્નેહીઓને આપે છે. વર્લ્ડ નંબર વન યોકોવિચ તો નિખાલસતાથી કબુલે છે કે તે વિમ્બલડન રમવા માટે આવે છે ત્યારે અડધી બેગ ખાલી રાખીને આવે છે અને પરત ફરતી વખતે તે અડધી બેગમાં ઉપયોગમાં લીધેલા ટુવાલ મોટી સંખ્યામાં ઠાંસી ઠાંસીને ભરી દે છે. યોકોવિચ મજાની વાત એ પણ કરે છે કે ઘણી વખત તો તેને એ હદે પરસેવો પણ નથી થતો કે ટુવાલની જરૂર પડે, પણ મારા મિત્રો અને શુભેચ્છકોને મારા તરફથી યાદગાર ભેટ આપી શકું તેથી બોલબોય દ્વારા મને અપાતો ટુવાલ લઇ લઉં છું.
ઉલ્લેખનીય છે કે વિમ્બલડન ટૂર્નામેન્ટમાં લગભગ ૬૦૦૦ જેટલા ટુવાલનો ઉપયોગ થતો હોય છે. જે ખેલાડી મેચ દરમિયાન જેટલા ટુવાલ વાપરતા હોય છે તે પોતાની બેગમાં જ મૂકતા હોય છે.
એન્ડી મરેએ પણ કબૂલ્યું કે પ્રત્યેક ટુર્નામેન્ટમાં હું જે ટુવાલનો ઉપયોગ કરું તે ઘેર લાવવાની મારી પત્નીની અગાઉથી જ માંગ હોય છે. ફેડરર પણ આ રીતે તેના ટુવાલ તેના મિત્રો, ચાહકોને આપે છે. ચાહકો માટે આવી ભેટ જીવનભરનું સંભારણું બની રહે છે.
મહિલાઓ ખેલાડીઓ પણ ટુવાલના આવા ક્રેઝમાંથી બાકાત નથી. જરા એ તો વિચારો કે બિલિયોનેર ખેલાડીઓ ધારે તો ટુવાલની આખી કંપની ખરીદી શકે તેવા સદ્ધર છે, પણ રમત વખતે ઉપયોગમાં લેવાતા અમુક ડોલરના ટુવાલ માટે કેવા બેતાબ છે.


comments powered by Disqus