સગર્ભાઓ પેરાસિટામોલ લે તો બાળકને ઓટિઝમનું જોખમ

Tuesday 05th July 2016 14:34 EDT
 
 

લંડનઃ સ્ત્રીઓ સગર્ભાવસ્થામાં પેઈનકિલર તરીકે પેરાસિટામોલનું સેવન કરતી હોય તો આવનારા સંતાન માટે ઓટિઝમ અથવા હાઈપરએક્ટિવિટીનું જોખમ વધતું હોવાનું એક સંશોધનમાં જણાવાયું છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે આ સ્થિતિમાં છોકરાઓને ઓટિઝમ થવાનો ભય વધુ રહે છે. ગર્ભમાં પેરાસિટામોલ મેળવતા ૪૧ ટકા બાળકો હાઈપરએક્ટિવિટી અથવા આવેશના લક્ષણો દર્શાવે તેવી શક્યતા જણાઈ હતી. જોકે, મોટા ભાગના નિષ્ણાતોએ આ તારણો પર ઉતાવળે અભિપ્રાય નહિ બાંધવા સલાહ આપી હતી.

સ્પેનિશ સંશોધકોએ માતા-બાળકની ૨,૬૪૪ જોડીનો અબ્યાસ કર્યો હતો. તેમને જણાયું હતું કે એક વર્ષની વયના ૪૩ ટકા બાળકોની માતાએ સગર્ભાવસ્થામાં પેરાસિટામોલનું સેવન કર્યું હતું. સંશોધક ડો. જોર્ડી જુલવેઝે જણાવ્યું હતું કે પેરાસિટામોલ અનેક કારણોસર ચેતાવિકાસ માટે નુકસાનકારી હોઈ શકે છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમના વિકાસને અસર થઈ શકે અથવા કેટલાંક ભ્રૂણ માટે સીધું જોખમ ઉભું કરી શકે છે.

બીજી તરફ, ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડીમીઓલોજીમાં પ્રસિદ્ધ સંશોધન વિશે બ્રિટિશ નિષ્ણાતોએ ચેતવણીનો સૂર કાઢી જણાવ્યું હતું કે આ પરિણામોને સાવધાનીથી નિહાળવા જોઈએ. તેમણે અભ્યાસની ક્ષતિઓ પણ દર્શાવી હતી. રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સના પ્રોફેસર એલન કેમરને ભારે તાવ અને પીડા હળવા કરવામાં ઉપયોગી સામાન્ય ઔષધ પેરાસિટામોલનો સગર્ભાવસ્થાના તમામ તબક્કામાં ઉપયોગ થાય છે અને તે સલામત હોવાનું જણાવી કહ્યું હતું કે પેરાસિટામોલના ઉપયોગ અને ચેતાવિકાસની સમસ્યાઓ વચ્ચે પ્રત્યક્ષ કડી હોવાની ધારણા આપણે બાંધી શકીએ નહિ.


comments powered by Disqus