લંડનઃ યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવાના ‘બ્રેક્ઝિટ’ નિર્ણયમાં કાચું કપાયું હોવાનો અહેસાસ ઘણા લોકોને થઈ રહ્યો છે. હજારો લોકો બ્રેક્ઝિટના નિર્ણયના વિરોધમાં ઈયુ ફ્લેગ માથે લગાવીને અને ‘બ્રિમેઈન’ તથા ‘વી લવ ઈયુ’ના બેનર્સ સાથે લંડનની શેરીઓમાં ઉતરી આવ્યાં હતાં. આશરે ૪૦,૦૦૦ દેખાવકારોએ પાર્ક લેન સહિતના વિવિધ સ્થળેથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધી ૩ કિલોમીટર લાંબી ‘માર્ચ ફોર યુરોપ’ રેલી માટે કૂચ આદરી હતી. આ કાર્યક્રમનું આયોજન સોશિયલ મીડિયા થકી કરાયું હતું.
કોમેડિયન અને વ્યંગકાર માર્ક થોમસ આ કાર્યક્રમના મુખ્ય આયોજક હતા. તેમણે કહ્યું હતું કે ‘રેફરન્ડમ સમાન તકના મેદાનમાં લેવાયું હોત તો તેના પરિણામનો અમે સ્વીકાર કર્યો હોત. આ જનમત ગેરમાહિતીથી ભરપૂર હતો અને લોકોએ તેમની હતાશા કશા પર ઉતારવી હતી’. અન્ય લોકોનો પ્રતિભાવ એવો હતો કે લોકોને ખરેખર ઈયુ છોડવું જ નથી.
બ્રેક્ઝિટથી ૨૩ લાખ બ્રિટિશરો દિલગીર
બ્રિટનને યુરોપીયન યુનિયનથી અલગ કરવા માટે ગત સપ્તાહે થયેલા ઐતિહાસિક રેફરન્ડમના પરિણામો બાદ હવે સ્થિતિ કંઈક જુદો વળાંક લેતી દેખાય છે. ‘ઓપીનિયમ સર્વે’ અનુસાર ૨૩ લાખ બ્રિટિશરો બ્રેક્ઝિટ માટે વોટિંગ કરવા બદલ દિલગીર છે. ઈયુથી અલગ થવા મત આપનારામાંથી ૭ ટકા લોકોને હવે અફસોસ છે અને જો વિકલ્પ પુછાય તો ઈયુ સાથે જોડાયેલા રહેવાની તરફેણમાં છે. ઈયુ રેફરેન્ડમ ફરી કરવા માટેની પીટીશનમાં ૪૦ લાખથી વધુ લોકોએ હસ્તાક્ષ૨ કર્યા છે પરંતુ સરકારે 'નેવરેન્ડમ' કહીને ફરી રેફરેન્ડમની શક્યતાઓ નકારી કાઢી છે.

