૧૫ ઓગસ્ટથી અમદાવાદ-લંડન-નેવાર્કની સીધી ફ્લાઈટ

Tuesday 05th July 2016 14:34 EDT
 
 

લંડનઃ ભારતીય એરલાઈન્સ એર ઇન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટ, ૨૦૧૬થી વિશ્વપ્રવાસી ગુજરાતી સમુદાયના લાભાર્થે અમદાવાદ-લંડન-નેવાર્કની સીધી ફ્લાઇટ્સ શરૂ થઈ રહી છે. લંડનના હીથ્રો એરપોર્ટથી અમદાવાદ માટે સપ્તાહમાં ચાર ફ્લાઈટ ઉડશે, જ્યારે નેવાર્ક માટે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ ઉડ્ડયન કરશે. અગાઉ, લંડન અને અમદાવાદ વચ્ચેના ઉડ્ડયનમાં એર ઈન્ડિયાના પેસેન્જરોએ મુંબઈમાં ઉતરી ફ્લાઈટ બદલવી પડતી હતી અથવા દિલ્હી થઈને લંડન જવું પડતું હતું. નોન-સ્ટોપ ઉડ્ડયન સેવાના આરંભથી દરેક પ્રવાસમાં સાડા ત્રણ કલાકના મહામૂલા સમયની બચત થશે. આ સીધી ફ્લાઈટ્સમાં બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર એરક્રાફ્ટમાં ૧૮ બિઝનેસ ક્લાસ સીટ્સ મળશે. ઈકોનોમી ક્લાસની બેઠકો પણ આરામદાયક રહેશે.

એર ઈન્ડિયાના યુકે અને યુરોપ માટેના રિજિયોનલ મેનેજર મિસ તારા નાયડુએ જણાવ્યું હતું કે,‘યુકેસ્થિત વિશાળ ગુજરાતી સમુદાય માટે લોકપ્રિય ડેસ્ટિનેશન અમદાવાદ માટે લંડનના હીથ્રોથી નોન-સ્ટોપ ફ્લાઈટના આરંભની જાહેરાત કરતા આનંદ થાય છે. આ સાથે લંડનથી નેવાર્કની ફ્લાઈટ્સ ફરી શરુ કરવાનો પણ ઉત્સાહ છે. ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિનના યોગાનુયોગે ૧૫ ઓગસ્ટથી આ બંને ફ્લાઈટ્સનો આરંભ થઈ રહ્યો છે.’ સ્ટાર એલાયન્સના સભ્ય એર ઈન્ડિયા દ્વારા યુકેમાંથી ભારતના મુખ્ય શહેરો માટે પાંચ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવે છે, જેનાથી ભારતના ૫૦ સ્થળોએ ડોમેસ્ટિક કનેક્શન્સની પસંદગી કરી શકાશે. પેસેન્જર્સ બેંગકોક, કોલંબો, હોંગ કોંગ, કાઠમંડુ, કુઆલા લુમ્પુર, માલદીવ્ઝ, મેલબોર્ન, સિઓલ, શાંઘાઈ, સિંગાપોર, સીડની અને ટોક્યોના ઈન્ટરનેશનલ કનેક્શન્સ પણ સરળતાથી મેળવી શકશે.

પંદર ઓગસ્ટથી લંડન અને નેવાર્ક સુધી એર કનેક્ટિવિટી મળતાં યુકે અને અમેરિકા જતાં આવતાં ગુજરાતી પ્રવાસીઓને ઘણી રાહત રહેશે. હાલમાં ગુજરાતી પ્રવાસીઓને જર્મની, બેલ્જિયમ કે બ્રિટનથી કનેક્ટિંગ ફલાઇટ દ્વારા આવવું પડે છે જેમાં કેટલીક સમસ્યાઓ રહે છે. સીધી સેવા શરૂ થતાં હજારો ગુજરાતી પ્રવાસીઓને સરળતા થઈ જશે.


comments powered by Disqus