અલબામાઃ અમેરિકામાં હેઈટ ક્રાઈમના દોર વચ્ચે અલાબામા સ્ટેટના ટસ્કલુસા શહેરમાં રહેતા મૂળ સુરતના રાંદેરના ૫૨ વર્ષીય નરેન્દ્રકુમાર અંબાલાલ પટેલ પર ૨૪મી માર્ચે રાત્રે ડ્રગ્સના નશામાં એક અશ્વેતે ફાયરિંગ કર્યું હતું. હાલમાં નરેન્દ્રકુમાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નરેન્દ્ર પટેલના પુત્ર ચિંતને યુએસમાં પોલીસ ફરિયાદ કર્યા પછી જણાવ્યું હતું કે, નરેન્દ્ર પટેલ વર્ષ ૨૦૦૫માં અમેરિકા આવ્યા હતા. ગ્રીનકાર્ડ હોલ્ડર નરેન્દ્રભાઈનાં પત્ની વીણાબહેન (૫૧), પુત્ર ચિંતન, પુત્રવધૂ પાયલ અને ભાણેજ જીગર પટેલ સાથે ટસ્કલુસામાં રહે છે. નરેન્દ્રભાઈ, વીણાબહેન અને જીગર 'સબવે' ફૂડ પાર્લરમાં નોકરી કરે છે. ૨૪મીએ સાંજે ૭ વાગ્યે (યુએસ સમય મુજબ) જીગરની ડ્યૂટી પૂરી થઈ અને આ દંપતીની ડ્યૂટી શરૂ થઈ હતી. રાત્રે ૯.૫૫ વાગ્યે નરેન્દ્રભાઈએ કેશ કાઉન્ટર સાથે લિંક અપ કરેલું કમ્પ્યુટર બંધ કર્યું ત્યાં ડ્રગ્સના નશામાં ચૂર એક અશ્વેત પાર્લરમાં આવ્યો હતો અને તેણે રિવોલ્વર બતાવીને કેશ આપવા કહ્યું હતું.
નરેન્દ્રભાઈએ કમ્પ્યુટર ચાલુ થવામાં થોડો સમય લાગશે તેમ જણાવતાં તેણે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું. નરેન્દ્રભાઈની તબિયત વિશે અમદાવાદ રહેતા તેમનાં જમાઈ ધવલ પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈને ઇન્ટેસ્ટાઇન, પેન્ક્રિયાઝ અને કિડનીમાં ગોળીની અસર થઈ છે. કારણ કે ગોળી કેપ સાથે જ તેમના શરીરમાં ઘૂસી ગઈ હતી.
પોલીસની ધીમી ગતિ
ચિંતન પટેલે કહ્યું હતું કે, પોલીસની તપાસ થોડી ધીમી હોય તેવું જણાય છે. પોલીસે એટલી જ માહિતિ આપી છે કે એક અન્ય અશ્વેત પાર્લરની બહાર હતો અને બીજાએ અંદર આવીને ફાયરિંગ કર્યું હતું. માસ્ક પહેર્યા હોવાથી બંનેને હજી સુધી ઓળખી શકાયા નથી.
૮૦% ગુજરાતી
જીગર પટેલે કહ્યું હતું કે, ટસ્કલુસામાં ૨૦૦થી વધુ ભારતીયો રહે છે. તેમાંથી ૮૦ ટકા વસ્તી ગુજરાતીઓની છે. અહીં પંજાબી-શીખો પણ રહે છે. જોકે ટસ્કલુસામાં ગુજરાતી પર હુમલાની આ પ્રથમ ઘટના છે.

