વડીલો સહિત સહુ વાચક મિત્રો, મધ્ય લંડનમાં પાર્લામેન્ટની સાવ નજીક ગયા બુધવારે એક આતંકવાદીએ રક્તપાત રેલાવ્યો. બરાબર એક વર્ષ પહેલાં આ જ દિવસે બ્રસેલ્સમાં આતંકવાદીઓએ બોમ્બધડાકા કર્યા હતા અને કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા તે ઘટનાની જાણે એક રીતે વરસી ઉજવવામાં આવી. ખાલિદ મસૂદ નામના - ખ્રિસ્તીમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનાર - બ્લેક યુવાને પૂર્વ આયોજન કરીને વેસ્ટ મિન્સ્ટર બ્રિજ ઉપર ૭૬ માઈલની ઝડપે બેફામ ડ્રાઇવીંગ કર્યું અને ફૂટપાથ પર ચાલતા લોકોને કચડી મારવા પ્રયાસ કર્યો. જેમાં ત્રણ કે ચારના મૃત્યુ નીપજ્યા તો ૪૦ને ઇજા થઇ છે. નવ વ્યક્તિની હાલત આજની તારીખે પણ ગંભીર હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. પશ્ચિમી જગતના સમાચાર માધ્યમોએ આ ઘટના બાદ નિયમ પ્રમાણે દુઃખ, આશ્ચર્ય અને અમુક અંશે હતાશા પણ વ્યક્ત કર્યા છે.
આધુનિક આતંકવાદના યુગનો પ્રારંભ ૪૦ વર્ષ પૂર્વે થયો એમ કહી શકાય. તે સમયે અન્યાય સામે અવાજ ઉઠાવવા, પોતાની (વાજબી-ગેરવાજબી) માગણીઓ મંજૂર કરાવવાના હેતુથી મધ્ય-પૂર્વમાં વિમાન હાઇજેક કરવામાં આવતા હતા. આ પછી આતંક ફેલાવવાનો નવો ઉપાય અજમાવવાનું શરૂ થયું. વિમાન આકાશમાં હોય ત્યારે જ તેમાં પ્રચંડ વિસ્ફોટ કરીને એક સાથે અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દેવાના કારસાનો અમલ શરૂ થયો. એક ભાન ભૂલેલા ખાલિસ્તાની આતંકવાદી જૂથે તો બ્રિટન-કેનેડાને જોડતી એર-ઇંડિયાની ફ્લાઇટને આઇરિશ સીમા નજીક બોમ્બથી ઉડાવી દઇને તમામ પ્રવાસીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વાત આટલેથી અટકતી નથી.
આ પછી પણ આતંકવાદીઓ હેવાનિયતના નીત નવા માર્ગ અપનાવતા રહ્યા છે. તામિલ ટાઇગર્સે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ વડે ભારે રક્તપાત ફેલાવ્યો. આતંકવાદી પરિબળોએ એકે-૪૭ બંદૂકોનો પણ ભરપૂર ઉપયોગ કર્યો. અને હવે આતંકવાદીઓ સર્વ પ્રકારે ભીંસમાં આવ્યા હોવાથી છેલ્લા કેટલાક સમયથી મોટરગાડી મારફતે આતંકવાદની, રક્તપાતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
સત્તાવાળાઓ શસ્ત્રસજ્જ થઇને ગમેતેટલી ચાંપતી નજર સાથે ખૂબ તકેદારી રાખે તો પણ શું થાય? કોઇ પણ દેશમાં અગણિત સંખ્યામાં મોટરકાર હરતીફરતી હોય છે. આ સંજોગોમાં ડ્રાઇવરની સીટ પર બેઠેલા રક્તપિપાસુ માટે નિર્દોષો પર ગાડી ફેરવી દેવાનું એકદમ સરળ હોય છે. અને આવું જ અહીં - લંડનમાં બન્યું છે. બુધવારની કરુણ ઘટના બાદ પશ્ચિમ જગતના સત્તાવાળાઓ આતંકવાદીઓ દ્વારા આતંકનો આ જે નવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે તે વિશે ભારે મૂંઝવણમાં છે. વળી, એક હકીકત એ પણ છે કે બ્રિટન જેવા સવા છ કરોડની વસ્તી ધરાવતા દેશમાં આશરે સાડા ત્રણ કરોડ મોટર વ્હિકલ હોય ત્યારે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવો લગભગ અશક્ય છે.
ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ અગાઉ પાર્લામેન્ટ પર હુમલો કરી ચૂક્યા છે તો મહાનગર મુંબઇ પર તો બે - બે વખત ભયંકર આતંકી હુમલા કરીને નિર્દોષોનું લોહી વહાવ્યું છે. આ સમયે પશ્ચિમી જગતની આંખોમાંથી જે આંસુ ટપક્યા હતા તે મગરના હતા. ભારતમાં રક્તપાત આચરતી ઘટનાઓ સાથે તેમને ન્હાવા-નીચોવવાનો સંબંધ ન હોય એવો તેમનો અભિગમ હતો. હવે જ્યારે ઘરઆંગણે આતંકીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે તેમને આડકતરી રીતે ભારતની પીડા યાદ આવી રહી છે.
જ્યારે ૧૯૭૯માં રશિયાએ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો હતો. રશિયાને ત્યાંથી હટાવવા માટે અમેરિકાએ દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ અપનાવી. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ કરી. તાલિબાન અને તેના જેવા આતંકવાદી સંગઠનોને વ્યવસ્થિત રીતે છૂટ્ટો દોર આપવામાં આવ્યો. તે વેળા આવા આતંકવાદી સંગઠનો પશ્ચિમી રાષ્ટ્રના શાસકોને સ્વીકાર્ય હતા કેમ કે તેમાં તેમનો સ્વાર્થ હતો. હવે તેમને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. આ જ આતંકીઓ હવે ઘરઆંગણે પોતાના નાગરિકોનું લોહી વહાવી રહ્યા છે ત્યારે પશ્ચિમી દેશોની હાલત મા મને કોઠીમાંથી કાઢ એવી થઇ છે.
કોઇ એક મુદ્દા વિશે અન્યાય થયો હોય તો તેના ઉકેલ માટે આતંકવાદનો રસ્તો અપનાવવો તે કોઇ ઉકેલ નથી કે તેનાથી સમસ્યાનો અંત પણ આવી જવાનો નથી. ખરેખર તો આતંકવાદ અને આતંકવાદીઓની માનસિક્તા બહુ જ જટિલ છે. તેમની આ માનસિક્તાને સમજવા માટે વિશ્વની અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ માનસિક અને સામાજિક અભ્યાસો થઇ રહ્યા છે.
બ્રિટનમાં હેન્રી જેક્શન નામની સંસ્થા આ રક્તપિપાસુઓના માનસની, વર્તનની, વલણની સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ જાણકારી મેળવવા માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. આ જ પ્રમાણે બ્રિટનમાં ચેધામ હાઉસ નામનું એક સંશોધન ઘટક પણ આ જ ક્ષેત્રે સંશોધન કરવા સતત સક્રિય છે. આ અને આવા અન્ય અભ્યાસોમાં જોવામાં આવ્યું છે તે પ્રમાણે અત્યારે, સવિશેષ પશ્ચિમી જગતને ઇસ્લામિક આતંકવાદી ભરડો લઇ રહ્યો છે. તો સાથોસાથ બીજી એક બાબત પણ સ્પષ્ટ થઇ છે કે કોઇ પણ સંજોગોમાં - ગમેતેવા કપરા સંજોગો હોય તો પણ - આતંકવાદ સામે શરણાગતિ ન જ સ્વીકારવી જોઇએ. આ મુદ્દે ઢીલુંઢાલું વલણ લેવાથી આતંકવાદનો અંત ક્યારેય નહીં જ આવે.
બીજો એક અભ્યાસ બિશપ માઇકલ નઝીર-અલીએ પ્રકાશિત કર્યો છે. દક્ષિણ ઇંગ્લેન્ડમાં આવેલા રોચેસ્ટરના બિશપ તરીકે નિવૃત્ત થયા બાદ હાલ તેઓ ઓક્સફર્ડ સેન્ટર ફોર સોશિયલ હાર્મની, રિસર્ચ એન્ડ ડાયલોગ નામના એક નામાંકિત સંશોધન કેન્દ્રના પ્રમુખ છે. સંક્ષિપ્તમાં કહીએ તો તેમની દલીલની ફળશ્રુતિ એ છે કે ઇસ્લામમાં સામાજિક સમરસતાનો અભાવ છે એ જ આતંકવાદનું મૂળ કારણ છે. જો જગતમાં સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરવી હોય તો ઇસ્લામ ધર્મમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે, તે અત્યંત ઈચ્છવાયોગ્ય છે. ઇસ્લામમાં કેટલાક મૂળભૂત સુધારા અત્યંત આવશ્યક છે.
આપણને સહુને સુવિદિત છે કે ખ્રિસ્તી ધર્મનાં સર્વમાન્ય ગ્રંથ બાઇબલને અગાઉ ઓલ્ડ ટેસ્ટામેન્ટ કહેવામાં આવતું હતું. તેમાં હિંસાનું પ્રમાણ વધુ હતું અને દયાનો અંશ ઓછો. કાળક્રમે સમયના વહેણ સાથે ખ્રિસ્તી ધર્મમાં વધુ અનુકંપા, દયા, સેવા, સહિષ્ણુતા ઉમેરાયા અને ન્યૂ ટેસ્ટામેન્ટમાં હિંસાને પ્રોત્સાહન કે ઉત્તેજન અપાયું નથી. બિશપ માઇકલ નઝીર-અલીના મતે સમયના વહેણ સાથે દરેક ધર્મના અધ્યાત્મ અને શીખમાં પરિવર્તન થવું સહજ છે અને આવશ્યક પણ.
એક ખાસ હકીકત નોંધનીય છે કે સહુ હિન્દુ સકારણ ગૌરવ લઇ શકે. આપણા વેદો-ઉપનિષદો અને પુરાણો વસુધૈવ કુટુંબકમની ભાવના રજૂ કરે છે. સમસ્ત વિશ્વ એક પરિવાર છે - કેટલી સુંદર ભાવના. આપણા આ ગ્રંથો જ બીજો સંદેશ આપે છે પરમાત્મા એક જ છે. નરસૈયાંએ કંઇ અમસ્તું નથી ગાયું કે નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય... હિન્દુ ધર્મ પ્રણાલી અનુસાર પરમાત્માના નામ ભલે અલગ અલગ હોય, અંતે તો તે એક જ છે. આ જ તો કારણ છે કે હિન્દુ ધર્મ અન્ય તમામ ધર્મોને સમભાવથી, સન્માનથી નિહાળે છે. બહુ સહજપણે અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ કહી શકે છે. અને હા, હિન્દુ ધર્મ ક્યારેય અન્યોને ધર્મપરિવર્તન માટે પ્રેરતો નથી, કોઇ પ્રલોભન આપીને લલચાવતો નથી.
ગયા બુધવારે મધ્ય લંડનમાં બનેલી ઘટનાના મૂળમાં પણ આતંકવાદ જ છે ને?! આ ઘટના બાદ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન (એમસીબી)એ પણ ભારે આત્મનીરિક્ષણ આદર્યું છે. મુસ્લિમ કાઉન્સિલે એક નિવેદનમાં બ્રિટનમાં થયેલા આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. તેણે આ હુમલાને કોઇ પણ પ્રકારે અસ્વીકાર્ય ગણાવ્યો છે એટલું જ નહીં, બ્રિટનભરમાં ફેલાયેલી ૧૮૦૦ મસ્જિદોને પણ આવી ઘોષણા કરવા માટે હાકલ કરી છે. એમસીબીના આ વલણને આવકાર્ય ગણવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ જ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન આતંકવાદી કૃત્યો પ્રત્યે કૂણું વલણ દાખવી ચૂકી છે. એક તબક્કે તો તેણે આતંકવાદને ‘વાજબી’ ઠેરવતાં એવું વલણ અપનાવ્યું હતું કે મધ્ય-પૂર્વમાં ઇસ્લામના અનુયાયીઓ પ્રત્યે જે અન્યાયકારી, અમાનવીય અભિગમ અપનાવાઇ રહ્યો છે તેનું આ પરિણામ (આતંકવાદ) છે.
પરંતુ એમસીબીએ જ નહીં, સમગ્ર વિશ્વમાં વસતાં ઇસ્લામ સમુદાયે સમજવું રહ્યું કે આતંકવાદ એટલે આતંકવાદ. આ આતંકવાદ સારો એટલે સ્વીકાર્ય અને આ આતંકવાદ ખરાબ એટલે વખોડવાલાયક છે એવો અભિગમ કોઇ પણ સંજોગોમાં તાર્કિક નથી. આવું વલણ આખી દુનિયા માટે અમાનવીય છે, અસ્વીકાર્ય છે. જ્યાં સુધી આતંકવાદને મન, વચન અને કર્મ વડે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને નષ્ટપ્રાયઃ કરવાનું અસંભવ છે.
વાચક મિત્રો, આ તબક્કે એક બીજી પણ વાસ્તવિક્તા આપણે સહુએ સમજી લેવી પડે, સ્વીકારી લેવી પડે કે આતંકવાદનો સંપૂર્ણ સફાયો શક્ય જ નથી. આને માનવજીવનની કમનસીબી જ ગણવી રહી કે આતંકવાદને ક્યારેય નેસ્તનાબૂદ કરી
શકાશે નહીં. આધુનિક વિશ્વમાં આમ જોઇએ તો સલામતી, સહિષ્ણુતા, સમજદારી અને સુવિધા
વધુ વ્યાપક બન્યા છે તો પણ કેટલીક વ્યક્તિ
કે વ્યક્તિઓ અકારણ-સકારણ રાક્ષસી વૃતિથી, શેતાનીવૃતિથી પીડાતી હોય છે.
આહાર, આરોગ્ય, વિચારસરણી, શ્રદ્ધા અને કલ્પના - આ બધા સમીકરણોના સમન્વય દ્વારા વધુ આવકાર્ય અને હકારાત્મક માનવસમાજ ધીરે ધીરે અને ચોક્કસ રીતે ઉદ્ભવી રહ્યો છે. આમ છતાં પણ કેટલીક વ્યક્તિઓ, કેટલાક સમૂહો કોઇને ડરાવવાથી, બીક બતાવવાથી, સન્નાટો બોલાવી દેવાથી પોતાનો પ્રભાવ સ્થાપી શકાશે કે પછી કાયમ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે તેવી ભાન ભૂલેલી માનસિક્તાથી પીડાતા હોય છે. અલબત્ત, હું એક બાબત સ્પષ્ટ માનું છું કે આધુનિક આતંકવાદનું કારણ માત્ર અને માત્ર ‘ધર્મ’ નથી. તેની સાથે નર્યો અંગત સ્વાર્થ, રાજકારણ, આર્થિક હીત સહિતના અન્ય પરિબળો પણ ઘનિષ્ઠ જોડાયેલા છે.
મિત્રો, આવો આપણે જરા ભૂતકાળમાં પણ નજર ફેરવીએ. ભારતીય પુરાણોમાં અનેક સ્થળે રાક્ષસોના ઉદ્ભવ, આ આસુરી પરિબળો દ્વારા ફેલાવાતા ઉપદ્રવ, તેના સંહાર અને શક્તિના સહારાની કથાઓ આપણે સૈકાઓથી સાંભળતા આવ્યા છીએ. અરે, સૈકાઓ સુધી પણ ક્યાં પાછળ જવાની જરૂર છે?! જરા ભારતના સ્વાતંત્ર્ય પૂર્વેના નક્શા પર જ એક નજર ફેરવોને... હું તમને તેના આધારે જ એક ઉદાહરણ આપું. તે સમયે ખોબા જેવડા કાઠિયાવાડ પ્રાંતમાં નાના-મોટાં ગણીને ૨૨૨ જેટલા રજવાડાં હતાં. પથરો ફેંકો તોય બીજા ‘રજવાડાં’માં જઇ પડે એમ કહો તો પણ ખોટું નહીં ગણાય. કાઠિયાવાડમાં આવી સ્થિતિ કેમ સર્જાઇ હતી?
આપનામાંથી મોટા ભાગના લોકોએ ઝવેરચંદ મેઘાણીનું ‘સોરઠી બહારવટિયા’ પુસ્તક વાંચ્યું જ હશે... આ પુસ્તકમાં પોતાને થયેલા અન્યાયના નિવારણ માટે, ન્યાયની માગ સાથે બહારવટે ચઢેલા કંઇકેટલાય લોકોની વાત્યું, પ્રસંગો, ઘટનાઓ પણ આપ સહુને યાદ હશે. આ પુસ્તકમાં સ્થાન પામેલા કેટલાય બહારવટિયા રક્તપિપાસુ બની ગયા હતા, જુલ્મી બની ગયા હતા અને પ્રજા પર જુલ્મ ગુજારવામાં કોઇ કસર છોડી નહોતી એ તો હકીકત છે ને?
આશરે સાત દસકા પૂર્વે ભૂપત બહારવટિયાએ પોતાને થયેલા ‘અન્યાય’ સામે માથું ઉઠાવીને કાઠિયાવાડમાં કેર વર્તાવ્યો હતો એ સહુ કોઇ જાણે છે. તેણે ‘ન્યાય મેળવવા’ માટે કેટલાય નિર્દોષોને રહેંસી નાખ્યા હતા તે વાતનો ગવાહ ઇતિહાસ છે. ભૂપતે કાઠિયાવાડમાં શાસકોથી માંડીને આમ આદમીની ઊંઘ હરામ કરી હતી તો મધ્ય ગુજરાતમાં, ખાસ તો ચરોતરમાં, ૧૯૨૦ના અરસામાં બાબર દેવાએ અન્યાય સામે અવાજ ઉઠાવવાના નામે લોકો પર ભારે જોરજુલમ ગુજાર્યા હતા.
કાઠિયાવાડ પ્રદેશમાં એક સમયે માણાવદર આગવું સ્થાન ધરાવતું હતું. લોકો ખાધેપીધે સુખી હતા. શાંત-સમૃદ્ધ જીવનશૈલી હતી. ગામમાં ગુંડા જેવા પાંચ-સાત નઠારા લોકોએ લુખ્ખાગીરી આચરીને લોકોને દબડાવવાનું શરૂ કર્યું. પોતાની પાસે શસ્ત્રો હોવાથી લોકોને અંકુશમાં રાખવાનું આસાન હતું. લોહી ચાખી ગયેલા આ અસામાજિક પરિબળોએ તેના પાશવી અત્યાચારોનો પંજો ફેલાવવાનું શરૂ કર્યું. પહેલાં માત્ર પોતાના જ લોકો પર જોરજુલમ ગુજારનાર આ તત્વોએ પછી મહોલ્લાના લોકોને નિશાન બનાવ્યા. પછી આસપાસના વિસ્તારોમાં ધાક જમાવી. સામાન્ય માણસની પ્રકૃત્તિ સ્વભાવે જ ગભરુ હોય છે, તેની સંખ્યા ભલે ૨૦૦-૫૦૦ હોય પરંતુ તેઓ એક નઠારા તત્વ સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી શકતા નથી. નઠારા તત્વોએ આનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને સમયના વહેવા સાથે તેમણે માણાવદર નામે રજવાડું ઉભું કરી દીધું હતું. આમ આ રજવાડાની રચના મારે તેની તલવારના ન્યાયે થઇ હતી. જ્યાં સુધી પોતાની ધાક ફેલાવી શકાય તેટલા વિસ્તાર સુધી તેમણે રજવાડું વિસ્તાર્યું. પોતાના ગામમાં તો કૂતરું પણ પોતાને સિંહ જ સમજેને?!
આધુનિક યુગના નઠારા તત્વો કહી શકાય આતંકવાદીઓએ પણ આ વાતમાંથી ધડો લેવો રહ્યો, બોધપાઠ સમજવો રહ્યો. ૨૦૧૭ના આધુનિક યુગમાં ઓછાવત્તા અંશે દરેક દેશમાં, ખાસ કરીને વિકાસશીલ કે વિકસીત દેશમાં શાસનપ્રણાલિ કાર્યરત છે. આજના શાસક કે સરકાર પાસે સ્વરક્ષણ કરવા માટે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ શસ્ત્ર સરંજામ છે, સંદેશવ્યવહારના લેટેસ્ટ સાધનો છે. આજના સમયમાં દાદાગીરી કે ગુંડાગીરી કરવા ઇચ્છતી વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની માહિતી વધુ વ્યાપક રીતે પ્રાપ્ત કરી શકાય છે. હવે પછી પાંચ - પચાસ કે પાંચસો માણસોના સમૂહ પાસે ભલે ગમેતેવા આધુનિક શસ્ત્રો હોય, પરંતુ તેના માટે અન્યાયના નામે આતંક મચાવવાનું સહેલું નથી. અને જો તે આવું કરવા પ્રયાસ કરશે તો તેનો ખાત્મો નક્કી છે. કારણ કે આજે કાયદો-વ્યવસ્થાનું શાસન છે, વહીવટી તંત્ર પાસે આધુનિક સાધનો ઉપલબ્ધ છે અને આવા રક્તપિપાસુઓને ઝબ્બે કરવાનો દૃઢ નિર્ધાર છે.
સમય સાથે બદલાયેલા આ માહોલે જ સામૂહિક રક્તપાત આચરનારાઓને ચોમેરથી ભીંસમાં લીધા છે. આજે આ પરિબળોને આતંકી હુમલા માટે જનસાધારણના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયેલી મોટરકાર કે તેના જેવા સાધનોનો ઉપયોગ કરવા હવાતિયા મારવા પડે છે તે જ દર્શાવે છે કે તેઓ દબાણ તળે છે. પૃથ્વી પરથી આતંકવાદનો સમૂળગો નાશ કરવાનું ભલે શક્ય ન હોય, પરંતુ તેના વળતાં પાણી તો જરૂર થઇ રહ્યા છે તેમાં બેમત નથી.
(ક્રમશઃ)

