ન્યૂ યોર્ક: આજના જમાનામાં બકરીનો ઉપયોગ માત્ર દૂધ માટે જ નહીં યોગા કરવા માટે પણ થાય છે. આથી જ તો અમેરિકાના ઓરેગન પ્રાંતમાં બકરી યોગા ફેમસ બન્યા છે. મેદાનમાં બકરીઓ ફરતી હોય તેની વચ્ચે યોગા કરવાથી વધારે ફાયદો થતો હોવાનું લોકો માને છે. આથી યોગ સેન્ટર્સ ઉપરાંત ફાર્મ પર થતાં ગોટ યોગા માટે લોકોની લાઇનો લાગે છે.
ઓરેગનમાં લેની મોર્સ નામની મહિલા પોતાના ફાર્મ પર ગોટ યોગા શરૂ કર્યા છે, જેમાં ૧૨૦૦થી વધુ લોકો વેઇટિંગ લિસ્ટમાં છે. લેની મોર્સ માને છે કે યોગાભ્યાસ માટે બકરી સૌથી શાંત અને અનુકૂળ પ્રાણી છે. આમ પણ યોગ પ્રકૃતિ અને જીવોને એક કરવાનું કામ કરે છે. લોકોને બકરીઓ સાથે યોગા કરવાનું લોકોને ખૂબ સારું લાગે છે.
ગોટ યોગાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે તે કહે છે કે એક વાર ચેરિટી શોના ભાગરૂપે એક ચાઇલ્ડની બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકની માતાએ આ ફાર્મ પર યોગ કલાસ ખોલવાની સલાહ આપી હતી. આ પછી ફાર્મ પરની બકરીઓ જોઇને યોગા વીથ ગોટનો પ્રયોગ શરૂ કર્યો હતો. એક દિવસમાં યોગાભ્યાસના અનેક સેશન યોજાય છે. જેમાં આઠ બકરીઓ પણ હાજર હોય છે.
બકરીઓને જોઇને યોગાભ્યાસમાં એકાગ્રતા વધતી હોવાનું ભાગ લેનારાઓનું પણ માનવું છે. યોગાભ્યાસ દરમિયાન બકરીઓ જયારે ચહેરાની નજીક આવીને સુંઘવા લાગે ત્યારે રમૂજ ઉભી થાય છે. તેમ છતાં બકરી યોગા કરનારાને કોઇ જ ખલેલનો અનુભવ થતો નથી. કેટલાક તો બકરીઓના નાના બચ્ચાઓને શરીર પર ઉભા રાખીને શરીરનું સમતોલન પણ ચકાસે છે. આ ગોટ યોગાની પણ અન્ય ઓલ્ટરનેટિવ યોગાની જેમ ટીકા થતી હોવા છતાં તેનો પ્રચાર વધી રહ્યો છે. એક સમયે રેજ યોગા ફેમસ બનેલા જેમાં ગાળો બોલીને મનને શાંત પાડવામાં આવતું હતું. ત્યાર બાદ ડોગને સાથે રાખીને ડોગ યોગાનું પણ ડિંડક ચાલ્યું હતું. આ જ રીતે હવે કેટલાક લોકોને ગોટ યોગાનું પણ ઘેલું લાગ્યું છે.

