નવી દિલ્હીઃ બાંગ્લાદેશના સિલહટમાં ઇસ્લામિક આતંકી સંગઠન આઇએસ દ્વારા ૨૬મીએ કરાયેલા આતંકી હુમલામાં ૬ લોકોનાં મોત નીપજ્યા હતા. વીસમી માર્ચથી આ વિસ્તારમાં આઇએસના આતંકીઓ હુમલા કરી રહ્યા છે અને આ હુમલાઓમાં એક પોલીસ અધિકારી સહિત ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આતંકીઓ પાંચ માળની એક ઇમારતમાં છુપાયા હતા તેનાથી ૪૦૦ મીટર દૂર તેમણે સૌપ્રથમ હુમલો કર્યો હતો. ત્યારે આ વિસ્તારમાં ખાસ્સી ભીડ હતી. આ બ્લાસ્ટના એક કલાક પછી આતંકીઓએ બીજો વિસ્ફોટ કર્યો હતો. આ બંને બ્લાસ્ટમાં બે પોલીસ અધિકારી સહિત છ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં બે કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આઇએસએ પોતાનાં અખબાર અમાકમાં આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
મકાનમાં છુપાયેલા ચાર આતંકીઓ ઠાર
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના સિલ્હટમાં ૨૩મી માર્ચથી એક ઘરમાં છુપાયેલા મહિલા સહિત ચાર આતંકીઓને ૨૭મીએ સેનાના જવાનોએ ઠાર કર્યા હતા. ચાર દિવસ ચાલેલું ઓપરેશન ટવાઈલાઈટ સલામતી માટે હજી ચાલુ રહેશે તેમ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. બાંગ્લાદેશની સેનાના બ્રિગેડિયર જનરલ મહમદ કમરૂલે પત્રકારોને જણાવ્યું હતું કે, અતિયા મહાલ નામના પાંચ માળના મકાનમાં છુપાયેલા ચારેય આતંકીઓને ઠાર કરીને તેમનાં મૃતદેહ કબજે લેવાયા છે.
જોકે આ ઓપરેશનમાં ચાર આતંકીઓ સહિત ૧૦ વ્યક્તિઓનાં મોત થયા હતા અને માર્યા ગયેલા આતંકીઓની ઓળખ થઈ શકી નથી. માનવામાં આવે છે કે, જમાતે ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશનો વડો મુસા પણ આ મકાનમાં છુપાયો હતો. સુરક્ષાકર્મીએ જણાવ્યું છે કે, આઈએસ સાથે જોડાયેલા આ આતંકી સંગઠને જ ઢાકાના રેસ્ટોરાંમાં પણ હુમલો કર્યો હતો.

