ભારતવિલયની આનાકાની કરતાં ઓરિસ્સાના દેશી રજવાડાંને સરદારે લાલ આંખ દેખાડી

મગધનરેશ અશોક કલિંગના યુદ્ધમાં બે લાખની હત્યા સાટે વિજય મેળવ્યો અને દિલ દ્રવી જતાં પ્રાયશ્ચિતરૂપે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો

ડો. હરિ દેસાઈ Thursday 30th March 2017 02:28 EDT
 
 

બ્રિટિશ ઈન્ડિયાની રાજધાની ૧૯૧૧માં કોલકતાથી દિલ્હી ગઈ, પણ જૂના બંગાળનાં દેશી રજવાડાંને આઝાદીના સમયગાળામાં પણ પોતાના ઈશારે નર્તન કરાવવાની અંગ્રેજોની કુટિલનીતિ ચૂકી નહોતી. ૨૨ માર્ચ ૧૯૧૨ના રોજ બંગાળ પ્રાંતમાંથી ઓરિસ્સા સહિતના બિહારનો જન્મ થયો. બિહાર અને ઓરિસ્સા ૧ એપ્રિલ ૧૯૩૬ના રોજ અલગ પ્રાંત બન્યા. બ્રિટિશ તાબા હેઠળના પ્રદેશ ઉપરાંત દેશી રજવાડાં સાથે સંધિને કારણે બ્રિટિશ પ્રતિનિધિ થકી શાસિત આ રજવાડાંમાં પણ ચલણ તો અંગ્રેજ સરકારનું જ હતું. કાવાદાવા પણ એના જ ચાલતા.

ડિસેમ્બર ૧૯૪૭માં ઓરિસ્સાનો વારો

૨૦ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ બ્રિટિશ વડા પ્રધાન ક્લેમન્ટ એટલીએ ભારતમાં જવાબદાર લોકોને સત્તાની સોંપણી કરીને જૂન ૧૯૪૮ પહેલાં અંગ્રેજો ઘરભેગા થશે, એવી જાહેરાત કરી. જતાં જતાં પણ કુટિલ નીતિની સુરંગો ચોફેર પાથરવાનું અંગ્રેજ હાકેમો ચૂક્યા નહોતા. છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને ૩ જૂન ૧૯૪૭ના રોજ ભારત સંઘ અને પાકિસ્તાન સંઘની રચનાની જાહેરાત કરી અને દેશી રજવાડાંને બેઉમાંથી એક સાથે જોડાવાની કે સ્વતંત્ર રહેવાની મોકળાશ હોવાના સંકેતો આપ્યા.

સાથે જ અન્ય પ્રદેશોની જેમ ઓરિસ્સા પ્રાંત આસપાસનાં દેશી રજવાડાં સાથે ચઢમણીનો વહેવાર અંગ્રેજ અધિકારીઓએ આદર્યો અને ઈસ્ટર્ન સ્ટેટ્સ યુનિયનો કુવિચાર રોપ્યો. રિયાસતી ખાતાના પ્રધાન સરદાર પટેલ અને એમના વિભાગના સચિવ વી. પી. મેનન જૂનાગઢ, જમ્મૂ-કાશ્મીર અને હૈદરાબાદનાં કોકડાં ઉકેલવામાં વ્યસ્ત રહ્યા એટલે છેક ડિસેમ્બર ૧૯૪૭ની મધ્યમાં જ એમને ઓરિસ્સા અને છત્તીસગઢનાં દેશી રજવાડાંનો પ્રશ્ન હાથમાં લેવાનો વખત મળ્યો. દરમિયાન ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લગી ભારતીય સંઘ સાથે જોડાઈ જવા જેટલો દેશપ્રેમ કોઈ રજવાડાંમાં પ્રગટ્યો નહીં, ઉલ્ટાનું સરદાર જેવા સરદારને આંટીમાં લેવાના ભરસક પ્રયાસ થયા.

જોકે સરદાર પણ કાંઈ ગાંજ્યા જાય એવા તો હતા નહીં, પણ એમણે આ વંકાયેલાં રજવાડાંની સાન ઠેકાણે લાવવા માટે ‘સાનમાં સમજી જાઓ, નહીં તો ભારત સરકાર વહીવટ પોતાના હાથમાં લઈ લેશે’ એવી ચીમકી આપવી પડી. ધમકીની ધારી અસર તો થઈ, પણ એ મુદ્દે ઊઠેલો વિવાદવંટોળ છેક ગાંધીજીની અદાલત લગી પહોંચ્યો અને સરદાર પટેલે ખુલાસા કરવા માટે મેનનને પાઠવવા પડ્યા હતા.

મયૂરભંજ ૧ જાન્યુઆરી ૧૯૪૯એ જોડાયું

પ્રાચીન કલિંગ રાજ્યનો પ્રદેશ એટલે અત્યારનું ભારતનું ઓડિસા (અગાઉનું ઓરિસ્સા) રાજ્ય. મગધ સમ્રાટ અશોકે કલિંગ પર આક્રમણ કર્યું અને બે લાખ લોકો મર્યા એના પસ્તાવારૂપે એણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આઠેક સદી સુધી અહીંનું કટક શહેર એની રાજધાની રહ્યું. છેક ૧૯૪૮માં કટકને બદલે ભુવનેશ્વર એની રાજધાની બન્યું. ઓરિસ્સા પ્રદેશનાં દેશી રજવાડાંની સંખ્યા ૨૬ જેટલી હતી અને એમાં સૌથી મોટું મયૂરભંજ હતું. કાલાહંડી રજવાડું વિશાળ ખરું, પણ આજે મયૂરભંજ હોય કે કાલાહંડી, મોટા ભાગનાં દેશી રજવાડાં ઓડિશા રાજ્યના જિલ્લા બનીને રહ્યાં છે.

આમ તો સરદાર પટેલ અને મેનનની કુનેહને કારણે ‘અ’થી ‘ક’ વર્ગ લગીનાં ૨૬ દેશી રજવાડાંથી ૨૫ રજવાડાં તો ૧ જાન્યુઆરી ૧૯૪૮ લગી ઓરિસ્સામાં સામેલ થઈ ગયાં હતાં. સૌથી મોટા મયૂરભંજના મહારાજાએ બિહાર સાથે જોડાવાની જીદ કરેલી, પણ અંતે સરદાર સાહેબની લાલ આંખ ભાળીને ૧ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ ઓરિસ્સા સાથે જોડાઈ જવાના કરાર પર હસ્તાક્ષર કર્યાં. સરદાર-મેનન સાથે ઓરિસ્સાના પ્રીમિયર ડો. હરેકૃષ્ણ મહેતાબની ભૂમિકા પણ વિલીનીકરણની સઘળી પ્રક્રિયામાં ખૂબ જ નિર્ણાયક રહી હતી.

દેડકાંની પાંચશેરી જેવા રાજાઓ

નાયબ વડા પ્રધાન સરદાર પટેલ સામ, દામ, દંડ અને ભેદની નીતિના અમલથી તાક્યાં ફળ પાડનારા રાજકીય શાસક તરીકે મશહૂર હોવા છતાં ઓરિસ્સા પ્રદેશનાં ૧૨ રજવાડાં સિવાયના શાસકો જ્યારે ભારત સંઘ અને ઓરિસ્સા સાથે જોડવામાં વાંધાવચકા કરી રહ્યા હતા ત્યારે સરદાર સાહેબે આંગળી વાંકી કરીને ઘી કાઢવાના વ્યૂહ આદરવા પડ્યા હતા. જોકે વહીવટી તંત્ર પરનો કબજો ગુમાવવાના ડરથી મોટા ભાગના રજવાડાંએ તાબે થવાનું સ્વીકાર્યું હતું. એમને સાલિયાણાં સહિતની સુવિધાઓ અને વિશેષાધિકાર આપવાનું પણ સરદારના વચન મુજબ પાલન કરાયું હતું.

આદિવાસી રાજ્ય અને સમૃદ્ધિ

ઓરિસ્સાનાં રજવાડાંને સમજાવી-પટાવીને સાથે જોડવા પાછળના સરદાર-મેનનના તર્ક પાછળ દેશના સૌથી વિશાળ જંગલપ્રદેશ અને પેટાળમાં મોંઘીદાટ ખનીજોના ભંડાર હતા. એ ભવિષ્યના ભારતના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી હોવાની ગણતરી હતી. છોટા નાગપુર, સાંથાલ પરગણા સહિતના પ્રદેશના આદિવાસીઓએ મહિનાઓ સુધી અલગ આદિવાસી રાજ્ય માટે આંદોલન ચલાવ્યું. હિંસક આંદોલન પણ થયું. પટણાના મહારાજા સ્વતંત્ર એવાં રજવાડાંના સંઘની રચનાના પક્ષધર રહીને કેટલાક અંગ્રેજોના ઈશારે સરદાર-મેનનને કનડવા મેદાને પડ્યા હતા. જોકે, સરદારની પાસે બધાની દવા હતી. એમણે દેશના હિતને સર્વોપરિ લેખ્યું હતું. જે આંગળીએ ઘી નીકળે એનો વપરાશ કરીને પણ એમણે બધાં રજવાડાંને ભારત સંઘ અને ઓરિસ્સા સાથે જોડીને જ જંપ લીધો.

સરદારે જ્યારે મહેતાબને ઠપકાર્યા

ઓરિસ્સાના પ્રથમ મુખ્ય પ્રધાન (પ્રીમિયર) અને પ્રણેતા ગણાતા ડો. હરેકૃષ્ણ મહેતાબ પત્રકાર-લેખક તરીકેય મશહૂર હતા. ૧૯૪૯માં જ એમણે રજવાડાંના વિલનીકરણના ઈતિહાસ અંગે એક પુસ્તક The Beginning of the End લખ્યું અને સરદાર સાહેબને એની પ્રસ્તાવના લખવાની વિનંતી સાથે હસ્તપ્રત પાઠવી. હવે આંચકો અનુભવવાનો વારો મહેતાબનો હતો.

સરદારના કાર્યાલયમાંથી ઠપકાપત્ર આવ્યોઃ ‘તમે લખ્યું છે કે નીલગીરી (રાજ્ય) બળજબરીથી તાબે લીધું અને હૈદરાબાદને પણ બળપ્રયોગથી કબજે કરાયાનું જ પરિણામ હતું. આવું લખવું ઠીક નથી એટલે સુધારી લેજો.’ સરદારે કોઈ રાજવી પર દબાણ નહીં આણ્યાનું પણ ૧૧ નવેમ્બર ૧૯૪૯ના નાયબ વડા પ્રધાનના કાર્યાલયના એ પત્રમાં જણાવાયું હતું. જોકે સરદારે પુસ્તકની પ્રસ્તાવના જરૂર લખી હતી. અને મહેતાબને એમાં ‘દેશભક્ત’ અને ઓરિસ્સા કરતાં ભારતને વધુ પ્રેમ કરનાર ગણાવ્યા હતા.

કાલાહંડીમાં અત્યારે પણ અજંપો

અત્યારના ઓડિશા રાજ્યના મુખ્ય પ્રધાન નવીન પટનાઈક ભલે વર્ષ ૨૦૦૦થી લગાતાર રાજ કરતા હોય, એમના રાજ્યની લગભગ વચ્ચોવચ્ચ આવેલા કાલાહંડીના લોકો તરફથી તેમને ૧૯૪૮માં થયેલા વિલયકરાર અંગે પુનર્વિચાર માટે વારંવાર આવેદનપત્રો અપાઈ રહ્યાં છે. આજના કાલાહંડી વિસ્તારમાં ભૂખમરાને કારણે લોકોનાં મોતની ખૂબ ચર્ચા છે. આ એ જ કાલાહંડી છે જેણે ૧૯૪૨માં અંગ્રેજ શાસનના બંગાળમાં પડેલા દુષ્કાળ વખતે એક લાખ ટન ચોખાની મદદ કરી હતી. કાલાહંડીવાસીઓ કહે છે કે અમારા પ્રદેશ સાથે ભેદભાવ રખાતો હોવાથી ભૂખમરા ઉપરાંત શિક્ષણ સહિતના ક્ષેત્રમાં કાલાહંડી પછાત થતું રહ્યું છે.

વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 1st April 2017 વેબલિંકઃ http://bit.ly/2nH3xGW


comments powered by Disqus