શાસ્ત્રીજીનાં મૃત્યુ પછી આ જાન મોહમ્મદ રસોઈયાને બઢતી આપવામાં આવી અને રાષ્ટ્રપતિ ભવનમાં મોકલાયો. શાસ્ત્રીજીના તબીબ ડો. ચુઘ ૧૯૭૭માં એક ટ્રક-અકસ્માતમાં પરિવાર સહિત માર્યા ગયા.
લાલ બહાદુર શાસ્ત્રીના મૃતદેહ પર ભૂરા ડાઘ હતા, પરંતુ તેમનું પોસ્ટમોર્ટમ ના કરાયું તેનો રોષ શાસ્ત્રીજીના પરિવારે વારંવાર વ્યક્ત કર્યો.
શાસ્ત્રીજીના પૌત્ર સંજય અને સિદ્ધાર્થ નાથને જાન્યુઆરી ૧૯૬૬ની સ્મૃતિ છે. તેઓ કહે છેઃ ‘શાસ્ત્રીજીનો છેલ્લો ટેલિફોન સંદેશો તાશ્કંદથી આવ્યો. તાશ્કંદ કરાર વિશે આલોચના થશે તેવી કોઈ ચિંતા તેમને નહોતી, પણ તેમણે કહ્યું કે પોતે દેશને કશુંક જણાવશે (‘going to announce something big upon his landing in India’ ‘We cannot rule out that it had some link with Babuji's mysterious death’ સિદ્ધાર્થનાથે આમ દૃઢતાથી જણાવ્યું હતુંઃ (ધ સન્ડે ગાર્ડિયન, ૧૧ જુલાઈ, ૨૦૧૫)
તાશ્કંદમાં શાસ્ત્રી એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ હતા. આ પહેલાં છેક ૧૯૬૪માં સાવ હળવો હૃદયરોગ હુમલો થયો હતો. અગિયારમી જાન્યુઆરીએ ચાર વાગે કરારો પર હસ્તાક્ષરો અને આઠ વાગે જાહેર નાગરિક સન્માનનો કાર્યક્રમ પૂરો કર્યા
બાદ પોતાના નિવાસે તે પાછા
ફર્યા હતા.
રશિયન બટલરે પત્રકાર એન્ટોન વેરેસસ્ગિનને આપેલી મુલાકાત (ઓક્ટોબર ૨, ૨૦૧૩)માં કહ્યુંઃ ‘વહેલી સવારે મને એક અફસરે જગાડ્યો અને લાલબહાદૂર શાસ્ત્રીનાં મૃત્યુની ખબર આપી. કેજીબીના આ અફસરે મને જણાવ્યું કે શાસ્ત્રીને ઝેર અપાયાની શંકા છે. કેજીબીનો આ અધિકારી મને બેડી પહેરાવીને તાશ્કંદથી દૂર ૩૦ કિલોમીટર પર આવાર્લ બુલમેન નામનાં ગામડામાં લઈ ગયો. મારી સાથે બીજા ત્રણ રશિયન રસોઈયા હતા. અમે બધા અહીં ફરજ પર લેવાયા હતા. ત્રણ માળના મકાનમાં અમને બંધ બારણે પૂરી દેવામાં આવ્યા. થોડી વાર પછી ભારતીય રસોઈયાને તે અફસરો લાવ્યા. તે ભારતીય રસોઈ બનાવતો હતો. અમે વિચાર્યું કે શાસ્ત્રીને ઝેર આપનારો આ માણસ હતો. અમે સ્તબ્ધ હતા...’
‘મેરે બિટવા કો ઝહર દીયા ગયા હૈ...’ આ શબ્દો શાસ્ત્રીજીના મૃતદેહની સમક્ષ તેમનાં માતાએ ઉચ્ચાર્યા હતા અને રાષ્ટ્રપતિ આર. વેંકટરમણને તપાસ કરવા પત્ર પણ લખ્યો.
શાસ્ત્રી-મૃત્યુનો પ્રશ્ન સંસદમાં ઊઠ્યો. એચ. વિ. કામથ, આચાર્ય કૃપલાણી, પ્રકાશવીર શાસ્ત્રીએ સવાલો કર્યા. ૧૯૭૦માં આ ચર્ચા વધુ ઉગ્ર બની. ટી. એન. સિંહે જણાવ્યું કે તત્કાલીન વડા પ્રધાન ગુલઝારીલાલ નંદાએ મૃતદેહની ‘ઓટોપ્સી’ લેવાની માગણીને ફગાવી દીધી હતી. સંસદમાં એ સમયે મૃત્યુ-અહેવાલો રજૂ કરાયા. ડો. ચુઘના અહેવાલમાં બીજા રશિયન તબીબો હતા, તેમના જણાવ્યા પ્રમાણે Infarktmiocadrceના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પ્રકાશવીર શાસ્ત્રીએ ભીતરકથાનો એક અંશ કહ્યો. જી સી દત્તા નામના સુરક્ષા અધિકારીએ રાજદૂત કૌલના દ્વારા કરાયેલી વ્યવસ્થાને નામંજૂર કરી એટલે તેમને ફરજ પર રખાયા નહોતા એ વાત સાચી છે?
મૂળ વાત એ રહી કે લાલ બહાદૂર શાસ્ત્રીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ જ ના કરાયું. ન તાશ્કંદમાં, ન દિલ્હીમાં!
રશિયન રાજનીતિ સાથે આમ નેતાજી અને લાલ બહાદૂર શાસ્ત્રીની નિયતિ, એક સાથે જોડાયેલી રહી. ઇતિહાસના કયા પાના પર તે રહસ્યનો ખૂલાસો મળશે?
નેતાજી-મૃત્યુ, નેતાજી-બંદીજીવન અને તેની તપાસ... આ ત્રણેના રહસ્યબિંદુ સરખી ઘટનાઓનો કોઈ અંત નથી!
તેમાંના બીજાં કેટલાક વિસ્ફોટક તથ્યો તરફ નજર દોડાવીએઃ
૧૯૫૬માં વડા પ્રધાન કાર્યાલય (PMO)ની એક ફાઇલ ‘શ્રી સુભાષચંદ્ર બોઝનાં મૃત્યુની પરિસ્થિતિઓ’ (નં. ૧૨ (૨૨૬) ૫૬ પીએમ) વિષેની હતી. ૧૯૯૧માં ડો. સુબ્રમણ્યમ સ્વામી ત્યારે કેન્દ્રના પ્રધાનમંડળમાં હતા. તેમણે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે વડા પ્રધાન અંગત સચિવ પી. એન. હકસરના કહેવાથી તે ફાઈલને નષ્ટ કરી નાખવામાં આવી. બિચારા ખોસલાને માટે તો તે વાત સામાન્ય હતીઃ ‘રેકોર્ડ રૂમના બોજાને હલકો કરવા જે ફાઈલો બાળી નાખવામાં આવી, તેમાંની એ એક હતી.’
સરકારે ધાર્યું હોત તો તે કેન્દ્રીય અભિલેખાગાર અથવા નેહરુ કેન્દ્રમાં જાળવવા માટે આપી દેવાઈ હોત. પણ તેમ ન થયું. તેમાં કોઈ સામાન્ય વહીવટી સ્વભાવનું જ બ્યુરોક્રેટિક કારણ હતું કે પછી પ્રજાનાં ચિત્તમાં જે કારણ વર્ષોથી સ્થાપિત થયું તે - સુભાષ બાબુ સહિતના ક્રાંતિકારોના વિચાર અને કર્મ પ્રત્યેની ઉપેક્ષાનું - છે? નેહરુ-આલોચકોનો મોટો વર્ગ એમ પણ માને છે કે સ્વાધીન ભારતના નેતૃત્વ માટે પંડિત જવાહરલાલની સામે માત્ર નેતાજીનું વ્યક્તિત્વ હતું એટલે ૧૯૪૭ પછી સમગ્ર દેશ પર શાસન કરનાર કોંગ્રેસ પક્ષનાં નેહરુ-પરિવાર જૂથે આવું વલણ દાખવ્યું. સમર ગુહા અને હરિ વિષ્ણુ કામથ જેવા પ્રખર સમાજવાદી નેતાઓની આવી દૃઢ માન્યતા રહી. આ માન્યતાની પાછળ મજબૂત કારણો રહ્યાં. રાધાવિનોદ પાલ જેવા બાહોશ નિષ્ણાતને નેતાજી વિષેની તપાસમાં લેવાયા નહીં અને એવું કારણ અપાયું કે આંતરરાષ્ટ્રીય યુદ્ધ-અપરાધી ટ્રિબ્યુનલમાં એશિયન નિષ્ણાત ન્યાયમૂર્તિ તરીકે તેમને સ્થાન અપાયું પણ ‘વિવાદાસ્પદ’ રહ્યા. ખુદ જવાહરલાલે આ કારણ આગળ ધર્યું.
ખરેખર એ ‘વિવાદ’ શું હતો? ‘ટોકિયો ટ્રિબ્યુનલ’ નામે જાણીતા આ મુકદમામાં બીજાં વિશ્વયુદ્ધ પછીના ‘યુદ્ધ અપરાધીઓ’નો ‘ન્યાય’ મિત્ર દેશો (ઇંગ્લેન્ડ - અમેરિકા - ફ્રાન્સ) કરી રહ્યા હતા. આ ‘ન્યાય’ નહોતો, પરાજિત જાપાન-જર્મનીના સેનાપતિઓ અને શાસકોને સજા કરવાનું નાટક માત્ર હતું. ન્યુરેમ્બર્ગ ખટલામાં તો ગેસ ચેમ્બર્સ અને શ્રમ છાવણીઓમાં મારી નખાયેલાઓને દંડિત કરવામાં આવ્યા, એ સમજી શકાય તેવું હતું પણ ટોકિયો-ટ્રિબ્યુનલ તો તદ્દન એકતરફી હતો. રાધાવિનોદ પાલે આકરો તર્ક આપ્યો કે અમેરિકાએ - બીજાં વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકાર્યા પછી - એટમ બોમ્બનો ઉપયોગ કરીને હિરોશિમા અને નાગાસાકીના નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા તે યોગ્ય હતું? શું તેને માટે અમેરિકન સત્તાની સામે હત્યાકાંડના આરોપ સાથે મુકદમો ચલાવવો ન જોઈએ?
જો જાપાન-જર્મનીએ માનવજાતિની સામે હત્યાનો ગૂનો કર્યો હતો તો મિત્ર દેશોએ નહોતો કર્યો? ન્યાય જ કરવો હોય તો સમાન રીતે, એક સરખો થવો જોઈએ. આ ટ્રિબ્યુનલમાં તો વેરની વસુલાત જ કરવાની માનસિકતા છે. જાપાનના વડા પ્રધાન એબે ભારતના પ્રવાસે આવ્યા ત્યારે સંસદ સમક્ષના પ્રવચનમાં તેમણે રાધાવિનોદ પાલને ભાવભેર યાદ કર્યા હતા.
બીજી વાત પણ એટલી જ મહત્ત્વની છે. લોર્ડ માઉન્ટબેટને ‘ફ્રિડમ એટ મિડનાઇટ’ના લેખક લેરી કોલિન્સ-ડોમિનિક લેપિયરને ૧૯૭૦ના પ્રારંભે જણાવ્યું કે ભારતને આઝાદ તો કર્યું પણ તેનું ‘ડોમિનિયન સ્ટેટ્સ’ ચાલુ રાખ્યું, કોમનવેલ્થનું સભ્યપદ છોડવા દીધું નહીં, સૈન્યમાં ગણવેશ (યુનિફોર્મ) એનો એ જ રાખ્યો. બસ, ખભા પર બ્રિટિશ રાણીના મુકુટને બદલે ત્રણ વાઘ આવ્યા. સફેદ ચિહન, સેન્ટ જ્યોર્જનો ક્રોસ નેવીમાં રહ્યો. રાજા પ્રત્યેની વફાદારી તો હોવી જ જોઈએ. (માઉન્ટબેટન એંડ ધ પાર્ટિશન ઓફ ઇન્ડિયા) ૧૯૫૬માં ‘સ્વાધીન’ ભારતના વડા પ્રધાન ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા ત્યારે ‘બ્રિટિશ રાણી પ્રત્યેની વફાદારી’નો વાયદો પણ કરી આવ્યા એવું બી.બી.સી. પરથી જાહેર કરાયું. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના યુનિયન જેક નીચે ઉતારવામાં આવ્યો એવું વિદ્યાર્થીઓને શીખવવામાં તો આવે છે પણ ખરેખર તો જેકને નીચે ઉતારવામાં ન આવ્યો. માત્ર તિરંગો ફરકાવવામાં આવ્યો એટલું જ થયું. માઉન્ટબેટનની સલાહ હતી કે તેમ ન કરવાથી અંગ્રેજોની લાગણી દુભાશે.
ઘણા લાંબા સમય સુધી યુનિયન જેક ને મોટા અવસરો પર ફરકાવાતો રહ્યો. ૧૯૫૦ સુધી ષષ્ઠમ્ જ્યોર્જ જ ઔપચારિકતા સાથે ભારતીય શાસનની કાર્યવાહી કરતા અને જવાબદારી સોંપતા રહ્યા. લાંબા સમય સુધી ભારતીય સૈન્યના વડા અંગ્રેજ રહ્યા અને ક્રમશઃ ૧૯૪૯, ૧૯૫૬, ૧૯૫૮માં જળ - સ્થળ - વાયુ સેનાના સેનાપતિ બદલાયા. ૧૯૪૮માં જવાહરલાલે જણાવ્યું કે આઝાદ હિન્દ ફોજના સૈનિકોનું ભારતીય સેનામાં કોઈ સ્થાન નથી ‘જો તેમને સૈન્યમાં સમાવવામાં આવે તો વ્યવહારુ અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. શક્ય છે કે સેનાની એકતાને ય અસર પહોંચે.’ ૧૯૪૯માં સૈન્યના મુખ્ય કાર્યાલયોને પરિપત્ર મોકલવામાં આવ્યો કે નેતાજીનું ચિત્ર લગાવવામાં ન આવે. અરે, ભારત સરકારની પહેલી ફરજ હતી કે આઝાદ હિન્દ ફોજનો સંપૂર્ણ ઇતિહાસ પ્રકાશિત કરે. પણ તેવું કરવા દેવામાં આવ્યું નહીં.
‘આઇ મહામાનવ પાસે’ બંગપુસ્તક ફૈઝાબાદના સાધુ ભગવાનજી (મૃત વ્યક્તિ મહાકાલ)ના ભક્ત ચારણિકોએ લખ્યું તે ૧૯૭૩માં. આમ તો તેમાં ઘણી બધી અતિશયોક્તિ છે પણ ત્રીજાં તપાસ પંચના અધ્યક્ષ જસ્ટિસ મુખરજીએ લીધેલી મુલાકાત અને ૨૦૧૬માં પ્રદેશ સરકાર દ્વારા જસ્ટિસ વિષ્ણુ સહાયની તપાસ સમિતિની નિમણૂક પછી આ ‘રહસ્યમય સાધુ’ વિષે ઉત્સુકતા વધી ગઈ. આ ભગવાનજી નેતાજી ન હોય તો યે કોઈ ક્રાંતિકાર તો જરૂર હશે અને પૂર્વાશ્રમમાં ઘણાં કાર્યો કર્યાં હોવાં જોઈએ. તેમના વિશેના આ પુસ્તકમાં તો એવું પણ નોંધવામાં આવ્યું છે કે ૧૯૪૯માં આ સાધુ ભગવાનજી ચીનમાં હતા, ઓક્ટોબર, ૧૯૪૯માં ‘પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના’ રચાયું ત્યારે માઓ-ત્સે-તુંગના મહેમાન બન્યા હતા. નેતાજીના મોટાભાઈ શરતચંદ્ર બોઝને ‘નેતાજીનાં ચીનમાં’ હોવાની માહિતી હતી. જો આ વાત સાચી હોય તો ૧૯૪૫માં જ નેતાજી રશિયા જવાને બદલે ચીન પહોંચ્યા હોય, અથવા મંચુરિયામાં નેતાજી ૧૯૪૫માં પહોંચ્યા પછી રશિયાએ તેમને ચીન જવા વ્યવસ્થા કરી હોય એવી શક્યતાઓ તપાસવા જેવી છે. ત્યાં તેઓ ‘લિયુ પો ચેંગ’ના નામે રહ્યા, એવું એસ. એમ. ગોસ્વામી અને શિવપ્રસાદ નાગનાં પુસ્તકોમાં જણાવાયું છે. ૧૯૫૫ની આસપાસ નેતાજી ચીનથી ભારત આવ્યા એવું તેમાં લખ્યું છે.
ખરેખર?
ભારતમાં હતા તો તેઓ ક્યાં હતા? સ્વાધીન ભારતમાં ગુપ્તવેશે રહેવાની શી જરૂરત હતી? ભારત સરકારના ગુપ્તચરો જૂદાંજૂદાં સ્થળોએ તે વિષે તપાસ કરી રહ્યા હતા. ૧૮૫૭ના વિદ્રોહ પછી નાના સાહેબ પેશવાને શોધવા માટે બ્રિટિશ ગુપ્તચરોએ ઠેર ઠેર કરેલા પ્રયાસો યાદ આવે તેવી આ સ્થિતિ હતી. ‘નેપાળનાં જંગલોમાં નાના સાહેબ મૃત્યુ પામ્યા’ના સરકારી અહેવાલો પછી યે આ તપાસ ચાલુ રહી. ગુજરાતમાં દ્વારિકાથી કરાચી ગયેલા જહાજમાં મુસાફરોને પકડીને તપાસ કરાઈ હતી અને શિહોર, કચ્છ, મોરબીનો તો એવો દાવો છે કે નાનાસાહેબ સાધુ વેશે ત્યાં રહ્યા હતા. મુંબઈના બ્રિટિશ પોલિટિકલ એજન્ટે ત્યારે એવું કહ્યું કે અત્યાર સુધીમાં દેશના એકસો જેટલા સ્થાનોએથી ગુપ્તચર પોલીસ ‘નાના સાહેબ’ નામની વ્યક્તિને હાજર કરે છે. હવે હું પણ થાકી ગયો! હવે તો ઇચ્છું છું કે સાચો નાના સાહેબ હાજર થાય તો તેને સત્તા સોંપીને હું ફારેગ થઈ જાઉં!
શોલમારીથી ફૈઝાબાદની સુભાષ-કહાણી આવી જ છે. ભગવાનજીના ચારણિકો તો એવું પણ માની રહ્યા છે કે તેમણે તિબેટમાંથી ભારતમાં દલાઈ લામા પહોંચે તે માટે ‘જનરલ શિવ’ બનીને મદદ કરી હતી. અલાસ્કાના પૂર્વ લેફટનંટ જનરલ થોમસ રે એ ‘નેતાજી મિશન’ના અનુજ ધરને જણાવ્યું હતું. અનુજ ધરે તેમનાં પુસ્તક ‘વ્હોટ હેપન્ડ ટુ નેતાજી’માં બાંગલા દેશ-યુદ્ધની વિગતો આલેખતાં નોંધ્યું છે કે ભગવાનજી (એટલે કે નેતાજી)એ બાંગલાદેશ મુક્તિમાંય મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
૧૯૭૨માં ખોસલા-પંચ સમક્ષ ‘ઓમોઈ મહામાનવ’ પુસ્તકના પ્રકાશક સુનીલ દાસે આવું વક્તવ્ય આપેલું... ભવિષ્યે પાકિસ્તાન અને બલુચિસ્તાન પણ વિદ્રોહ પોકારશે એવી આગાહી તેમણે કરી હતી. શેખ મુજિબુર રહેમાનને તેમણે પ્રેરણા આપી અને ‘જય હિન્દ’ની જેમ ‘જય બાંગ્લા’ સૂત્ર ઘોષિત કર્યું.
સંશોધક અનુજ ધરે ૧૯૬૯ની એક તસવીર શોધી તે પેરિસ શાંતિ મંત્રણા દરમિયાન અમેરિકા-વિયેતનામ વચ્ચેની સમજૂતિ માટેનાં પ્રતિનિધિમંડળની છે તેમાં એક વ્યક્તિ સુભાષબાબુનાં જેવી છે, અનુજ ધરે લખ્યું કે તે સમયે નેતાજી ૭૨ વર્ષના હોય. અન્ય રાજનયિકો દાઢી રાખતા નથી, આ વ્યક્તિની આંખ પર કાળા ચશ્મા અને દાઢી સાથેનો ચહેરો છે. પરંતુ આ તસવીર વિશે ધરને કોઈએ વિગતવાર ખુલાસો કર્યો નહીં. મણિપુરના પૂર્વ એડવોકેટ્ જનરલ અને સર્વોચ્ચ અદાલતના ધારાશાસ્ત્રી બલરાજ ત્રિખાએ (હવે સ્વર્ગસ્થ) વિયેતનામના રાજદૂત પ્રેમ ભાટિયા સમક્ષ આ રહસ્યસ્ફોટ કર્યો અને વિયેતનામના પ્રવાસ દરમિયાન પોતે નેતાજીને મળ્યા હતા તેવું પણ જણાવેલું. પરંતુ ત્રિખા ખોસલા પંચ સમક્ષ આવ્યા નહીં.
સ્વામી ચિન્મયાનંદમાં શ્રદ્ધા ધરાવનારા પર્યાવરણનિષ્ઠ અમેરિકી ઉપરાષ્ટ્ર પ્રમુખ અલ ગોરે અને રશિયન રાષ્ટ્ર પ્રમુખ મિખાઇલ ગોર્બાચોવ પણ હતા. અનુજ ધરે તેનાં પુસ્તકોમાં ચિન્મયાનંદની એક વાત નોંધી છે. તેમણે કહ્યુંઃ ‘નેતાજીની વિમાન દુર્ઘટના અને મૃત્યુ વિશે જવાહરલાલ નેહરુનાં નિવેદનો પરસ્પર વિરોધી રહ્યાં. ઇશ્વર જ જાણે છે કે તેઓ સત્યને જાણી જોઈને મિથ્યા બનાવતા રહ્યા અથવા તો કોઈ આશંકાના શિકાર બનીને રહ્યા.’
નેહરુનું બચાવનામું કરનારા એક દલીલ રજૂ કરે છે કે નેતાજી પ્રત્યે તેમને દ્વેષ હોત તો આઇ.એન.એ.ના ત્રણ સૈનિકી અફસરોની સામે લાલ કિલ્લામાં મુકદમો ચાલ્યો તેના બચાવમાં, આટલાં વર્ષો પછી, કાળો કોટ પહેરીને તેમણે બચાવ શા માટે કર્યો હોત?
દરેક કાર્યનાં કોઈક કારણો હોય છે. પહેલી વાત તો એ કે સમગ્ર મુકદમામાં સૌથી અધિક મહેનત કરનારા બેરિસ્ટર ભૂલાભાઈ જીવણભાઈ દેસાઈ હતા, જવાહરલાલ તો માત્ર તેમની સાથે દેખાયા એટલું જ હતું અને આ કરવા પાછળનો હેતુ હતો ૧૯૧૬ની પ્રાદેશિક ચૂંટણીમાં કોંગ્રેસ જીતે. દેશભરમાં નેતાજીના સાથીદારો સામેના મુકદમાથી પ્રચંડ રોષ હતો, રોજેરોજ સરઘસો અને સભાઓ થતા હતાં. નૌ-સેના વિદ્રોહ ઉપરાંત ભારતીય સૈન્યમાં પણ ભારેલો અગ્નિ હતો તેનો બ્રિટિશ વડા પ્રધાને સ્વીકાર કર્યો કે ભારતીય સૈન્યનો હવે આપણે (બ્રિટિશ સરકાર) ભરોસો કરી શકીએ તેમ નથી.’ (ટ્રાન્સફર ઓફ પાવર, વોલ્યુમ ૬.) બ્રિટિશ-ભારતીય સૈન્યના કમાંડર-ઇન-ચીફ જનરલ ક્લોડ ઓકિનલેકે વિસ્કાઉંટ પેવેલને (૨૪ નવેમ્બર, ૧૯૪૫) એક પત્ર લખ્યો હતો કે આઇ.એન.એ મુકદમો ભારતીયોમાં અજંપો સર્જે છે અને કોંગ્રેસને ચૂંટણીનો મુદ્દો મળી ગયો છે.’ બેરિસ્ટર અસફઅલીને કોંગ્રેસે ‘લોકોની ભાવના’ જાણવા માટે સમગ્ર દેશમાં પ્રવાસ કરવાનું સૂચવ્યું અને અસફઅલીએ લાંબા પ્રવાસ પછી કોંગ્રેસને જણાવ્યું કે પ્રજા આઇ.એન.એની પાછળ પાગલ હતી. એટલે કોંગ્રેસે વ્યૂહરચના પ્રમાણે આઇ.એન.એ.ની તરફેણ કરવા માંડી! લાલ કિલ્લા મુકદમામાં સરકારી સાક્ષી બનેલા હરિ બધવારનો ‘ઉપયોગ’ મિલિટરી ઇન્ટેલિજન્સના વડા બ્રિગેડિયર ટી.ડબલ્યુ.બોરસે કર્યો અને તેની તપાસમાં યે આજ હકીકત બહાર આવી એમ અનુજ ધરે નોંધ્યું છે. અસફઅલી-જેને અમેરિકામાં પ્રથમ ભારતીય રાજદૂત બનાવાયા હતા-એ બધવારને જણાવ્યું હતું કે આઇ.એન.એ.ને ટેકો આપવાનું અમારું (કોંગ્રેસનું) વલણ રાજકીય જરૂરિયાત માત્ર છે.’
(ક્રમશઃ)

