સોજસ વાગ્લેએ યુએસએ બ્રેઈન બી ચેમ્પિયનશીપ જીતી

Wednesday 29th March 2017 08:25 EDT
 
 

સ્પ્રિંગડેલઃ ભારતીય મૂળના અમેરિકી તરુણોએ તાજેતરમાં યોજાયેલી ત્રણ દિવસની યુએસએ બ્રેઈન બી ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો હતો. તેમાં અર્કાન્સાસમાં હર-બેર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા સ્પ્રિંગડેલના ૧૫ વર્ષીય સોજસ વાગ્લેને ૨૦૧૭નો નેશનલ ચેમ્પિયન જાહેર કરાયો હતો. વાગ્લેએ દ્વિતિય ક્રમે આવેલી મિનેપોલિસની આરતી વિજયકુમાર અને ત્રીજા ક્રમે આવેલા ઈન્ડિયાનાપોલીસના અમિત કાનનને પાછળ રાખી દીધા હતા.
યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ દ્વારા દર વર્ષે આ ચેમ્પિયનશીપનું આયોજન થાય છે. વાગ્લે વક્તૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લે છે અને વાયોલિન પણ વગાડે છે. તેના પિતા સમીર વાગ્લે નિયોનેટોલોજીસ્ટ છે અને માતા અપર્ણા વાગ્લે સ્પ્રિંગડેલ સ્કૂલ ડિસ્ટ્રીક્ટમાં કોમ્પ્યુટર લેબોરેટરી મેનેજર છે. સોજસ મેડિકલ લાઈનમાં અને સંભવત ન્યુરોલોજીમાં કારકિર્દી ઘડવા માગે છે.
આગામી ઓગસ્ટમાં ઈન્ટરનેશનલ બ્રેઈન બી ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ડીસી જવા ઉપરાંત વાગ્લે ન્યૂરોસાયન્સ લેબોરેટરીમાં આઠ અઠવાડિયાની ઈન્ટર્નશીપ પણ જીત્યો હતો. વાગ્લેની પસંદગીની ચેરિટી અલ્ઝાઈમર્સ એસોસિએશનને દાન પણ અપાશે. આગામી ૩થી ૬ ઓગસ્ટ દરમિયાન અમેરિકન સાઈકોલોજીકલ એસોસિએશનની કોન્ફરન્સની સાથે સાથે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાશે.
૩૦ રાજ્યોના ૫૧ બ્રેઈન બી ચેપ્ટર્સના વિજેતાઓએ બાલ્ટિમોરમાં ગઈ ૧૭થી ૧૯ માર્ચ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં લેખિત અને મૌખિક પરીક્ષા, નકલી દર્દીનું નિદાન અને માઈક્રોસ્કોપિક સ્લાઈડ સ્ટડીનો સમાવેશ થતો હતો.


comments powered by Disqus