ધર્મશાલાઃ ટીમ ઇંડિયાએ રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શન તેમજ બોલર્સના શાનદાર દેખાવની સહાયથી પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટની સાથે સાથે ૨-૧થી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ કબ્જે કરી છે. બીજી ઇનિંગમાં ભારતે બે વિકેટના ભોગે ૧૦૬ રન કરીને શ્રેણીની અંતિમ મેચ આઠ વિકેટે જીતી લીધી હતી. સમગ્ર શ્રેણીમાં ઝમકદાર દેખાવ કરનાર જાડેજા મેન ઓફ ધ સીરિઝ થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં ૩૦૦ રન કર્યા હતા, જેના જવાબમાં ભારતે ૩૩૨ કરીને ૩૨ રનની સરસાઇ મેળવી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાનો દાવ ૧૩૭ રનમાં જ સમેટાઇ ગયો હતો. આમ ભારતને મેચ અને શ્રેણી જીતવા માટે ૧૦૬ રનનું આસાન લક્ષ્ય હાંસલ કરવાનું હતું.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન અને હવે ઓસ્ટ્રેલિયાના બેટિંગ કોચ ગ્રીમ હીકે જણાવ્યું હતું કે ‘સ્ટિવ સ્મિથ પર બેટિંગમાં વધારે પડતો મદાર રાખવાનું અમારા માટે નિર્ણાયક પુરવાર થયું છે. અમારા ટોપ ઓર્ડરે વધારે સૂઝબૂઝ સાથે રમવાની જરૂર હતી. ચોથી ટેસ્ટમાં ભારતે નિયમિત અંતરે વિકેટ ખેરવી અમને રમતમાં પાછા ફરવા કોઇ તક આપી નહોતી. રહી વાત વોર્નરની નિષ્ફળતાની તો દરેક બેટ્સમેનને આવા સારા-નરસા તબક્કામાંથી પસાર થવું પડતું હોય છે. વોર્નરે મહેનત ખૂબ જ કરી હતી અને પણ તેને ફળ મળ્યું નથી.’
ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ૧૨૦થી ઓછું ટાર્ગેટ મળ્યું હોય ત્યારે તેનો ક્યારેય પરાજય થયો નથી. ૧૨૦ એ લોએસ્ટ ટાર્ગેટ છે, જેને વટાવવામાં ભારત નિષ્ફળ રહ્યું છે. ૧૯૯૭માં બ્રિજટાઉન ટેસ્ટમાં વિન્ડીઝે આપેલા ૧૨૦ના લક્ષ્યાંક સામે ભારત ૮૧માં ખખડયું હતું. આ પછી શ્રીલંકા સામે ૨૦૧૫ની ગોલ ટેસ્ટનો સમાવેશ થાય છે. જેમાં ૧૭૬ના લક્ષ્યાંક સામે ભારત ૧૧૨માં આઉટ થઇ ગયું હતું.
જાડેજાનો ઝમકદાર દેખાવ
ઓસ્ટ્રેલિયા સામેના ભારતના વિજયમાં જામનગરના રવિન્દ્ર જાડેજાનું શાનદાર યોગદાન રહ્યું છે. પહેલી ઇનિંગમાં આક્રમક ૬૩ રન કરવાની સાથોસાથ એક વિકેટ પણ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે ત્રણ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને અંકુશમાં રાખ્યું હતું. ભારત સરસાઇ મેળવી શકશે કે કેમ તેની શક્યતા પણ ઓછી જણાતી હતી ત્યારે તેવા તબક્કે રવિન્દ્ર જાડેજાએ ૬૩ રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત બીજી ઇનિંગ્સમાં ૩ વિકેટ પણ ખેરવી હતી. આ ઉપરાંત કે. એલ. રાહુલે પહેલી ઇનિંગમાં ૬૦ અને બીજી ઇનિંગમાં ૫૧ રન કર્યા હતા. જ્યારે પહેલી ઇનિંગમાં ૫૭ રન કરનાર ચેતેશ્વર પૂજારા બીજી ઇનિંગમાં શૂન્યમાં આઉટ થયો હતો.
જીતનું શ્રેય બોલર્સને
ભારતની તરફેણમાં મેચનું પાસું પલ્ટી નાંખવાનું શ્રેય બોલર્સના ફાળે જાય છે. ભારતીય બોલર્સે પ્રારંભથી જ ફાયરી સ્પેલથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને સંકટમાં મૂકી દીધા હતા. ઉમેશ યાદવ અને ભુવનેશ્વર ધર્મશાલામાં નહીં, પણ પર્થની ફાસ્ટ પિચ પર બોલિંગ કરતા હોય તેવી વેધક બોલિંગ કરી હતી. અશ્વિન અને જાડેજાએ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને 'બિચારા' બનાવી તેમને હાવી થવાની કોઇ જ તક આપી નહોતી. ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ માત્ર ૧૩૭ રનમાં સમેટ્યો હતો. ઉમેશ યાદવે ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપીને ભારતને મહત્ત્વની સફળતા અપાવી હતી તો રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિને પણ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને તેને સાથ આપ્યો હતો.
‘ચાઇનામેન’ યાદવ
આ મેચમાં જ ટેસ્ટ કેપ મેળવનાર કુલદીપ યાદવે પહેલી ઇનિંગમાં ૬૮ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. કેપ્ટન કોહલી ઇજાના કારણે ટીમમાં ન હોવાથી તેના સ્થાને યાદવને સ્થાન મળ્યું હતું. સ્પિન બોલર ડાબોડી છે અને કાંડાના જોરે બોલને સ્પિન કરવામાં નિષ્ણાંત છે. ક્રિકેટની ભાષામાં આવા બોલર ‘ચાઇનામેન’ તરીકે ઓળખાય છે.
ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં એક નવોદિત્ત ખેલાડીને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો અવસર મળ્યો હતો અને ડેબ્યૂ મેચમાં ચાર વિકેટ ખેરવીને ક્રિકેટ જગતમાં પ્રશંસા મેળવનાર કુલદીપ યાદવે જણાવ્યું હતું કે હું ખૂબ ખુશ છું. મારું સ્વપ્ન સાકાર થવા જેવી બાબત છે. એક ટેસ્ટ મેચમાં તમે આનાથી વધુ કશું ઇચ્છતા નથી. કાનપુરના કુલદીપે જણાવ્યું હતું કે તે મેચ પહેલા થોડો ગભરાયેલો હતો, પરંતુ જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ મને બોલ સોંપ્યો તો મને આત્મવિશ્વાસ મળ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં જ્યારે હું ફાઈન લેગ પર ઉભો હતો ત્યારે ગભરાયેલો હતો. મેં મારી ફિટનેસ પર કામ કર્યું હતું, જેનાથી મને બોલિંગમાં મદદ મળી હતી.
પૂજારા એક સિઝનમાં સૌથી વધુ રન કરનાર ભારતીય
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં અડધી સદી (૫૭) ફટકારીને પૂજારાએ પોતાનાં નામે અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. એક જ સિઝનમાં વિરોધી ટીમ સામે સૌથી વધુ રન કરવાની બાબતમાં તે ટોચનો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે આ સિઝનમાં ૧,૨૭૩ રન બનાવ્યા છે. આ સાથે જ તેણે ગૌતમ ગંભીરનો ૧,૨૬૯ રનનો રેકોર્ડ તોડયો હતો. એક સિઝનમાં સૌથી વધુ રન કરવાના મુદ્દે તે ટોચના ક્રમે આવી ગયો છે અને ગંભીર બીજા ક્રમે સરકી ગયો છે. વિશ્વ સ્તરે પૂજારા એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મુદ્દે બીજા ક્રમે છે. પૂજારાએ એક સિઝનમાં ૧,૩૧૬ રન બનાવ્યા છે. પહેલા ક્રમે રહેલા પોન્ટિંગે ૧,૪૮૩ રન બનાવ્યા છે.
ભારત સાતમી વાર વિજેતા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણીને 'બોર્ડર-ગાવસ્કર ટ્રોફી' તરીકે યોજવાનું ૧૯૯૬થી શરૂ કરાયું છે. આ પછી કુલ ૧૩ વખત 'બોર્ડર-ગાવસ્કર ટ્રોફી' યોજાઇ ચૂકી છે. જેમાંથી સાતમાં ભારતનો અને પાંચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. ૨૦૦૩-૦૪માં રમાયેલી શ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી. છેલ્લે 'બોર્ડર-ગાવસ્કર ટ્રોફી' ઓસ્ટ્રેલિયા પાસે હતી. ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની શ્રેણી ૨-૦થી જીતી હતી.
ભારત ક્રિકેટનું 'સિકંદર' બન્યું
પોરસને બાદ કરતાં સિકંદર દરેક સામે યુદ્ધ જીત્યો હતો. ભારતીય ટીમ સિકંદર જેમ દરેક હરીફ સામે જીતવાની સિદ્ધિ મેળવી છે. ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટમાં ભારતે હરાવ્યું તે સાથે ટેસ્ટ ક્રિકેટ રમતી તમામ મોખરાની ટીમ સામે એક સમયે શ્રેણી જીતવાની અનોખી સિદ્ધિ મેળવી છે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. આ પછી ભારતીય ટીમ સતત છ ટેસ્ટ શ્રેણી રમી ચૂકી છે. જેમાં શ્રીલંકા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, બાંગલાદેશનો સમાવેશ થાય છે. આમ, ટેસ્ટ દરજ્જો ધરાવતી ટીમમાં ઝિમ્બાબ્વે સિવાય દરેક સામે ભારત એકસમયમાં ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યું છે.
તમારી હાર પછી સાથે ડિનર લઇશું: જાડેજાનો વેડને જવાબ
ધર્મશાલા ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર મેથ્યુ વેડ રવિન્દ્ર જાડેજાનું સ્લેજિંગ કરતો હોવાનું સ્ટમ્પ માઇક્રોફોન દ્વારા સાંભળવા મળ્યું હતું. આ અંગે મેચ બાદ પૂછવામાં આવતા જાડેજાએ જણાવ્યું કે 'આ એક સાધારણ બાબત હતી. આ પ્રકારની તુંતું-મેંમેં મેચ દરમિયાન થતી રહે છે. મેં ફક્ત વેડને એટલું જ કહ્યું કે તમારી ટીમ હારી જાય પછી આપણે જોડે ડિનરમાં જઇશું. આ શ્રેણી દરમિયાન મને મારા દેખાવથી ખૂબ જ સંતોષ રહ્યો છે. મને એ વાતનો આનંદ છે કે ફોર્મેટ કોઇ પણ હોય હું મારી જાતને પુરવાર કરવામાં સફળ રહ્યો છું.’
કપિલ દેવની બરાબરી કરતો જાડેજા
રવિન્દ્ર જાડેજાએ ૨૦૧૬-૧૭ની સિઝનમાં ૧૩ ટેસ્ટમાં ૪૨.૭૬ની એવરેજથી ૫૫૬ રન કરવા ઉપરાંત ૨૨.૮૩ની એવરેજથી ૭૧ વિકેટ ખેરવી છે. આ સાથે જ એક જ ક્રિકેટ સિઝનમાં ૫૦૦થી વધુ રન અને ૫૦થી વધુ વિકેટ ખેરવી હોય તેવી અનોખી 'ક્લબ'માં જડ્ડુનું નામ ઉમેરાઇ ગયું છે. અગાઉ કપિલ દેવ અને મિચેલ જ્હોન્સન આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. કપિલ દેવે ૧૯૭૯-૮૦ની સિઝનમાં ૧૩ ટેસ્ટમાં ૩૩.૪૩ની એવરેજથી ૫૩૫ રન કરવા ઉપરાંત ૬૩ વિકેટ ખેરવી હતી. ઓસ્ટ્રેલિયાના મિચેલ જ્હોન્સને ૨૦૦૮-૦૯માં ૧૨ ટેસ્ટમાં ૩૫.૧૩ની એવરેજથી ૫૨૭ રન કરવા ઉપરાંત ૨૫.૨૫ની એવરેજથી ૬૦ વિકેટ ખેરવી હતી. આમ, જાડેજાનો દેખાવ કપિલ-જ્હોન્સન કરતાં પણ સારો રહ્યો છે. ૨૦૧૬-૧૭ની સિઝનમાં જાડેજાએ છ વખત ૫૦થી વધુનો સ્કોર કર્યો છે. આ સિઝનમાં વિરાટ કોહલી, વિજય અને રાહુલે પણ જાડેજાની જેમ ૬ વખત ૫૦થી વધુનો સ્કોર કર્યો છે. વર્તમાન સિઝનમાં ચેતેશ્વર પૂજારાએ ૧૨ વખત ૫૦થી વધુનો સ્કોર કર્યો છે.

