લંડનઃ ત્રણ વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ સહિત છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકેલા જર્મનીના લેજન્ડરી ટેનિસ ખેલાડી બોરીસ બેકરને લંડનની કોર્ટે નાદાર જાહેર કર્યો છે. બેકર ઓક્ટોબર ૨૦૧૫થી અત્યાર સુધી તેનું દેવું ચૂકવી ન શકતાં તેની સામે કેસ થયો હતો, જેમાં લંડન કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. નોંધપાત્ર છે કે, બેકર ખેલાડી તરીકે પ્રાઈઝમનીના ૨.૫ કરોડથી વધુ ડોલર કમાયો છે.
૪૯ વર્ષનો બેકર એક ખાનગી બેન્કર ફર્મનો માલિક છે અને તેની ફર્મ જંગી દેવા હેઠળ છે. કોર્ટના રજિસ્ટ્રારને લાગે છે કે, બેકર હવે આટલી મોટી રકમ ચૂકવી શકે તેમ નથી. બેકરના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી, તેને વધુ એક મહિનાનો સમય આપવામાં આવે. જેમાં તે સ્પેનના મયોર્કા શહેરમાં આવેલી તેની મિલકતને ગિરવે મૂકીને નાણાં મેળવશે અને તેનું દેવું ચૂકતે કરી દેશે.
બેકર હાલમાં ટેનિસ કોચ અને ટીવી પર ટેનિસ એક્સપર્ટ તરીકે સેવા આપીને કમાણી કરે છે. આ સુનાવણી વેળા તે કોર્ટમાં હાજર નહોતો. બેકરે આ ચુકાદા અંગે આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરતાં ટ્વીટર પર લખ્યું કે, આ ચૂકાદો માત્ર એક જ લોન અંગેના વિવાદમાં આવ્યો છે અને તે લોન હું એક મહિનામાં ચૂકવી દેવા તૈયાર છું. હું નિરાશ થયો છું કારણ કે આજની સુનાવણીમાં મારી રજૂઆતને ધ્યાનમાં જ લેવામાં આવી નહતી.
ઉલ્લેખનીય છે કે બેકર તાજેતરમાં ત્રણ વર્ષ સુધી સર્બિયાના યોકોવિચનો કોચ રહી ચૂક્યો છે. તેઓ ગત વર્ષે જ છૂટા પડયા હતા. બેકર આ અગાઉ નાણાભીડમાં સપડાઈ ચૂક્યો છે. ૨૦૦૧માં જર્મનીમાં તેનો ૭૦ લાખ ડોલરનો ટેક્સ બાકી નીકળ્યો હતો. આ જ વર્ષે તેના અને બાર્બરાના છુટાછેડા થયા હતા. આ છુટાછેડા તેને મોંઘા પડયા હતા. એવું મનાય છે કે તેણે બાર્બરાને ૧ કરોડ ડોલર અને ફ્લોરિડા સ્થિત ફિશર આઈલેન્ડ પરનું ૨૦ લાખ ડોલરનું ઘર આપી દીધું હતું.
