લંડનઃ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે રવિવાર તા.૧૮ જૂને પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલી BAPS Annual 10K Challengeમાં બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ સહિત ૩,૬૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પૂ.મહંત સ્વામી મહારાજે આ ચેરિટી ચેલેન્જને ખૂલ્લી મૂકી હતી. સાધુ - સંતોએ પણ મંદિરના દરવાજેથી દોડને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ચેલેન્જ ખૂલ્લી મૂકાયા પછી વોકર્સ, જોગર્સ અને રનર્સે ૧૦ કિ.મીનું અંતર પૂરું કરવા માટે પાર્કમાં રાઉન્ડ શરૂ કર્યા હતા. નાના બાળકોએ દોડના રૂટ પર મનોરંજનની ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને જાતે ઘણાં સર્કલ પૂરા કર્યા હતા. આનંદપ્રમોદ માટે અને સમાજ સેવાના વિવિધ ઉમદા હેતુ તેમજ લોકલ ચેરિટીઝ માટે નાણા એકત્ર કરવા યોજાયેલી આ દોડમાં યુકેના ટાઉન અને શહેરોમાંથી સ્પર્ધકો જોડાયા હતા.
આ વર્ષના કાર્યક્રમમાં એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ ડિમેન્શિયા સામે લડત આપતી દેશની સૌથી મોટી ચેરિટી Alzimer's Society, બાળકો, યુવાનો, પરિવારો અને વડીલોની સેવાની BAPSની શૈક્ષણિક, કોમ્યુનિટી અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે કરાશે.
BAPSના અગાઉના રાષ્ટ્રીય સહયોગીઓ અને ચેરિટીઝે એન્થની નોલન ટ્રસ્ટ, એજ યુકે, બર્નાન્ડો્ઝ બ્રેસ્ટ કેન્સર કેર, ધ બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશન, ડાયાબિટીશ યુકે, કિડ્ઝ, મેકમિલન કેન્સર સપોર્ટનો સમાવેશ કર્યો છે.
ત્યારપછી મહંત સ્વામી મહારાજે જેરેમી હ્યુજીસ (CEO, Alzimer's Society), કાઉન્સિલર મોહમ્મદ બટ્ટ, રેવરન્ડ રોઝ હડસન-વિલ્કીન (ક્વીનના ચેપ્લેન તેમજ હાઉસ ઓફ કોમન્સના ચેપ્લેન સ્પીકર) અને ડોન બટલર MPની ઉપસ્થિતિમાં ગિબન્સ રિક્રિએશન ગ્રાઉન્ડ પર યોજાયેલા એક સમારંભમાં હાજરી આપી હતી.
વેસ્ટ લંડનમાં તાજેતરમાં ગ્રેનફેલ ટાવરમાં લાગેલી આગના મૃતકોની યાદમાં સવારે ૧૧ વાગે મૌન પાળી મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમને સંબોધતા હ્યુજીસે જણાવ્યું હતું કે ડિમેન્શિયાથી પીડાતા લોકોને મળતી અપૂરતી સહાય પ્રત્યે ધ્યાન આપવા અને લોકલ કોમ્યુનિટીઝમાં જાગૃતિ કેળવવા માટે BAPS સાથે મળીને કામ કરવા બદલ અલ્ઝાઈમર્સ સોસાયટી ગૌરવની લાગણી અનુભવે છે. વોલન્ટિયર્સ પૂરા પાડવાની પ્રતિબદ્ધતાના પાલન માટે તેઓ મોખરે રહીને BAPS સાથે કામ કરવા ઉત્સુક છું.
પોતાનું વક્તવ્ય પૂરું કરતાં મહંત સ્વામી મહારાજને ઉદ્દેશીને હ્યુજીસે જણાવ્યું હતું કે આપનું તત્વજ્ઞાન, આપની પવિત્રતા ખૂબ જ અદભૂત છે. તે એક પ્રકાશસ્તંભ સમાન અને વિશ્વ માટે ઉદાહરણરૂપ છે.
લોકો વોલન્ટિયર્સને પ્રશ્રો પૂછીને માહિતી મેળવી શકે તે માટે સવારથી જ અલ્ઝાઈમર્સ સોસાયટીની બસ મંદિર પરિસરમાં ઉભી હતી, જે આ રોગ વિશે જાગૃતિ કેળવવાના હ્યજીસના ભાગરૂપ પ્રયાસ હતો.
વોક પૂરી કર્યા પછી ૭ વર્ષીય નૈયા પટેલે તેના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું,‘ જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે નાણા એકત્ર કરવામાં મને ખૂબ આનંદ આવે છે. તે માત્ર મારી જાત માટે નહીં પરંતુ અન્ય લોકો માટે વિચારવાની અને મદદ કરવાની તક પૂરી પાડે છે.
વોલન્ટિયર સંજય કારાએ જણાવ્યું હતું કે આ ચેરિટી ચેલેન્જમાં યુવાનો અને વડીલો તેમજ પરિવારો સહિત મોટી સંખ્યામાં લોકોને નિહાળીને અમને ખૂબ આનંદ થયો છે.

