• બ્રેક્ઝિટ પછી ડ્યૂટી - ફ્રી આયાત ચાલુ રહેશે

Thursday 29th June 2017 01:42 EDT
 

યુકે સરકારે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પછી પણ ૪૮ જેટલા વિકસતા દેશોમાંથી ડ્યૂટી-ફ્રી આયાત ચાલુ રખાશે. તેનો અર્થ એ થાય કે યુકે દ્વારા શસ્ત્રો સિવાયના સામાનની ખરીદીની વ્યવસ્થાથી બાંગ્લાદેશ, હૈતી અને ઈથિયોપિયા સહિતના દેશોને લાભ મળતો રહેશે. દર વર્ષે આ દેશો અડધોઅડધ કપડા સહિત ૨૦ બિલિયન પાઉન્ડના મૂલ્યનો માલસામાન યુકેને મોકલે છે.

ડ્રગ્સ દાણચોર ડેમેજીસનો કેસ જીત્યો

૨૦૧૧માં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ડ્રગ્સની દાણચોરીના ૪૬ વર્ષીય ગુનેગાર ફેલીક્સ વામલાને યુગાન્ડા દેશનિકાલ કરવાના પ્રયાસમાં ગંભીર ઈજા થઈ હતી. તે બદલ તેણે ટેસ્કર સર્વિસિસ લિમિટેડ પર માંડેલો ૪૮ હજાર પાઉન્ડના વળતરનો દાવો તે જીતી ગયો હતો. હાઈકોર્ટ સમક્ષ તેણે દાવો કર્યો હતો કે તેના હાથ, કાંડા, ગળા, પીઠ ખભા અને પગે ઈજા થઈ હતી અને ગંભીર માનસિક બીમારીનો ભોગ બન્યો હતો. તેને યુકેમાં જ રાખવાની બાબતે વિચારણા ચાલી રહી છે.

બાળક જેવી સેક્સ ડોલની આયાતના પ્રયાસ બદલ જેલ

બાળક જેવી સેક્સ ડોલની આયાતના પ્રયાસમાં ગુનેગાર ઠરેલા ૪૯ વર્ષીય એન્ડ્રયુ ડોબસનને ચેસ્ટર ક્રાઉન કોર્ટે બે વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી. યુકેમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો હતો. બાળકોની અશ્લીલ તસવીરો પાડવાના અને તે રાખવાના બે કાઉન્ટ પર તે ગુનેગાર ઠર્યો હતો. ગયા સપ્ટેમ્બરમાં હોંગકોંગથી તેના નામે આવેલું પાર્સલ ઈસ્ટ મીડલેન્ડ્સ એરપોર્ટ પર અટકાવી દેવાયું હતું. તેના ધરપકડ પછી ઘરની તપાસ દરમિયાન બાળકોના અશ્લીલ ફોટા મળી આવ્યા હતા.

લગ્નની પૂર્વ સંધ્યાએ પ્રિન્સ ચાર્લ્સ રડ્યા હતા

પ્રિન્સ ચાર્લ્સે કેમિલા પાર્કર બોવેલ્સને તેના પહેલા પતિ સાથેના લગ્ન મોકુફ રાખવા આજીજી કરી હતી અને ૧૯૮૧માં લેડી ડાયના સ્પેન્સર સાથે પોતાના લગ્ન પહેલાની રાત્રે ખૂબ રડ્યા હતા. પેની જુનરની આત્મકથામાં વધુમાં એવો પણ દાવો કરાયો હતો કે કેમિલાને પોતાના પતિ એન્ડ્રયુની બેવફાઈથી ખૂબ આઘાત લાગ્યો હતો.

પરીક્ષાના સમયે પુત્રીને ડિઝનીલેન્ડ લઈ જનાર પિતા દોષિત

ચાલુ સ્કૂલ દરમિયાન એપ્રિલ, ૨૦૧૫માં પરિવાર સાથે પુત્રીને ડિઝનીલેન્ડના પ્રવાસે લઈ જનારા પિતાને મેજિસ્ટ્રેટે દોષિત ઠેરવીને ૧૨ મહિનાના શરતી છૂટકારા સાથે કોસ્ટ પેટે ૨,૦૨૦ પાઉન્ડ ચૂકવવાનો હુકમ કર્યો હતો. અગાઉ આઈલ ઓફ વાઈટ કાઉન્સિલ દ્વારા તેમને ૧૨૦ પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો હતો. તેની સામે હાઈકોર્ટમાં કરેલી અપીલથી ચાલુ થયેલી કાનૂની લડાઈ તેમને ૩૦ હજાર પાઉન્ડમાં પડી હતી. તેમણે મેજિસ્ટ્રેટના ચુકાદા સામે અપીલ કરવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus